Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

ચિલીનું સુપ્રસિધ્ધ આકુલિયા તળાવ ગાયબ થઇ ગયું

ભારતના ડાલ લેઇક સહિત વિશ્વના મોટા સરોવરો સુકાતા જાય છેઃ આબોહવા ચેન્જની ગંભીર અસરો શરૂ

સાન્ટિયાગોઃ લેટિન અમેરિકી દેશ ચિલીમાં જળવાયુ પરીવર્તનની માઠી અસર જોવા મળી રહી છે. આ દેશનું વિશાળ આકુલિયા લેક ગાયબ થઇ ગયું છે. ચિલીની રાજધાની સાન્ટિયાગોથી થોડે દૂર જુના નકશાઓ અને તસ્વીરોમાં આ સરોવરના પાણીનો પ્રવાહ નિદર્શિત જોવા મળે છે. શહેરી લોકો સુધી શિયાળા દરમિયાન લેક આકુલિયામાં સ્કિઇંગ અને ઉનાળામાં સર્ફિગ,સ્વીમિંગ માટે વર્ષ ૨૦૧૧ સુધી આવતા હતા પરંતુ ૨૦૧૯માં આ સરોવરનું નકશા પર નામોનિશાન જોવા મળતું નથી.

૧૨ ચો. કિલોમિટરમાં ફેલાયેલા પાણીના જથ્થાના સ્થાને સૂકાયેલા પાણીનો વિશાળ ખાડો જોવા મળે છે. સ્થાનિકોનું માનવું છે કે અગાઉ આ સરોવર કયારેય સુકાયું હોય તેવું બન્યું નથી. છેલ્લા ૧૦ વર્ષમાં આમ થવા માટે વૈજ્ઞાાનિકો જળવાયુ પરીવર્તનને જવાબદાર ગણે  છે.વડિલોનું માનવું છે કે એક સમયે સળંગ અઠવાડિયા સુધી મુશળધાર વરસાદ વરસતો હતો. છેલ્લા ૧૦ વર્ષમાં હવામાન બદલાયું હોવાથી સળંગ બે દિવસ પણ વરસાદ પડતો નથી.

એક માહિતી મુજબ ૧૯૮૦માં ચીલી દેશમાં વાર્ષિક ૩૫૦ મિલી વરસાદ થતો હતો જે હવે ઘટીને ૧૭૫ મિલીથી વધારે પડતો નથી. ચિલીમાં જયાં માનવ વસાહત વધારે રહે છે એવા સ્થળે ૭૦ ટકા લોકો દ્યટતા જતા વરસાદથી અસરગ્રસ્ત બન્યા છે. જો આ સ્થિતિ રહી તો ૨૦૩૦ સુધીમાં ચિલીના કુદરતી જળસ્ત્રોતોમાં ૩૦ ટકા જેટલો ઘટાડો થવાની ચેતવણી અપાઇ છે.

યૂરોપ, એશિયા અને આફ્રિકા ખંડના દેશો પણ જળવાયુ પરીવર્તનથી પરેશાન જો કે જળવાયુ પરીવર્તનની આ પરીસ્થિતિ માત્ર ચિલી જ નહી દક્ષિણ અમેરિકા, યૂરોપ, એશિયા અને આફ્રિકા ખંડના અનેક દેશો પણ પ્રતિકાર કરી રહયા છે. અમેરિકાના કેલિફોર્નિયાએ તો છેલ્લા બે દસકાથી વારંવાર અછતનો સામનો કરે છે.  ૨૦૧૯ની શરુઆતમાં  ઓસ્ટ્રેલિયાના જંગલોમાં મોટી સંખ્યામાં વન્ય જીવો પાણીના અભાવે તરસ્યા રહયા હતા. ભારતની વાત કરીએ તો જમ્મુ-કાશ્મીરનું દાલ સરોવર સતત સંકોચાતુ જાય છે. આફ્રિકી દેશ ચાડમાં ૪૦ હજાર વર્ગ મિલીમાં ફેલાયેલું સરોવર ઘટીને માત્ર ૫૨૦ વર્ગ મિલી થઇ ગયું છે. ઉઝબેકિસ્તાન અને કઝાકિસ્તાનની વચ્ચે આવેલું આવેલ અરાલ સાગર એક સમયે ૨૬ હજાર વર્ગ મિલીમાં ફેલાયેલો હતો જે હવે માત્ર ૧૦ ટકા વિસ્તારમાં બચ્યો છે.

(11:39 am IST)