Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

સીનીયર નેતા મોઇલીનો ધડાકો

કોંગ્રેસમાં મોટી સર્જરીની જરૂરઃ આંતરિક ઝઘડાને લોખંડી હાથે રાહુલ ગાંધીએ ડામી દેવા જોઈએ

નવી દિલ્હી, તા.૧૭: લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ધબડકા બાદ પક્ષમાં અને સંગઠનમાં મોટા ફેરફારની જરૂર છે, એમ સિનિયર નેતા વીરપ્પા મોઈલીએ કહ્યું હતું. પક્ષમાંના આંતરિક કંકાશને ડામવા રાહુલ ગાંધીએ લોખંડી હાથે કામ લેવું જોઈએ. તમામ તબક્કાની ચૂંટણી હાથ ધરવી જોઈએ, એમ કહ્યું હતું. રાહુલ ગાંધી જ ફકત પક્ષને નેતૃત્વ પૂરું પાડી શકે છે. કોંગ્રેસના નબળા પરિણામ માટે કોંગ્રેસ અધ્યક્ષ જવાબદાર નથી, એમ કહ્યું હતું.

રાહુલ ગાંધીને નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપવું હતું પરંતુ તેમને હોદ્દા પર ચાલુ રાખવા તમામે વિનંતી કરી છે. રાહુલ ગાંધી અધ્યક્ષ ૨૦૧૭માં બન્યા હતા. તેમને હજુ વધુ સમય મળવો જોઈએ. ઝારખંડ, મહારાષ્ટ્ર અને હરિયાણામાં ચૂંટણી નજીકના ભવિષ્યમાં છે તેથી તેમણે સક્રિય રહેવું જોઈએ.ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીમાં યોગ્ય વ્યકિતને બેસાડવી જોઈએ. તેની પ્રક્રિયા તુરંત ચાલુ કરવી જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.

પક્ષમાં મોટી સર્જરીની જરૂર પર ભાર મૂકયો હતો. નવા લોહીની પક્ષમાં જરૂર છે. આ બધું રાહુલ ગાંધી કરી શકે એમ છે. પક્ષમાં શિસ્ત પણ જરૂરી છે.

રાજસ્થાન, પંજાબ, તેલંગાણા રાજયમાં આંતરિક કલહ બહાર આવ્યો છે. ભાજપ ૧૦ વર્ષ સત્તાની બહાર રહ્યા બાદ ૨૦૧૪માં ફરી સત્તામાં આવ્યો છે. તે જોતા કોંંગ્રેસ પણ પુનઃ સત્તામાં આવે તે માટે ઘણા ફેરફાર જરૂરી છે. જે રાજયોમાં હાર થઈ છે ત્યાંના પ્રમુખે જવાબદારી સ્વીકારીને રાજીનામું આપવું જોઈએ, એમ તેમણે કહ્યું હતું.

પ્રિયંકા ગાંધી વાડ્રા થોડા સમય અગાઉ જ રાજકારણમાં આવ્યા છે. તેમને વધુ સમય મળવો જોઈએ જેથી કરીને પક્ષને ઉત્તર પ્રદેશમાં વિસ્તારી શકે. એક વાર યુપી કોંગ્રેસ પાસે આવી જશે તો પક્ષ રાષ્ટ્રીય સ્તરે પાછો આવી શકે એવી આશા મોઈલીએ દર્શાવી હતી.(૨૩.૪)

(11:34 am IST)