Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

શુક્રવારે લાંબામાં લાંબો દિવસ

બાદમાં ક્રમશઃ દિવસ ટુંકો અને રાત્રી લાંબી થતી જાશે : સુર્યની દક્ષિણ દિશા તરફની ગતિની ખગોળીય ઘટના : લોકોએ અવલોકન કરવા વિજ્ઞાન જાથાની અપીલ

રાજકોટ તા. ૧૭ : સુર્યનો ક્રાંતિવૃત અને આકાશી વિષુવવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદન બિંદુને સંપાત દિવસ તરીકે કહેવામાં આવે છે. ભારતના લોકોએ માર્ચની તા. ૨૦ અને ૨૧ મીએ દિવસ અને રાત સરખા હોવાનો અનુભવ કર્યો હતો. એજ રીતે તા.૨૧ જુન લાંબામાં લાંબો દિવસ હશે. બાદમાં ક્રમશઃ દિવસ ટુંકો અને રાત્રી લાંબી થતી જશે. તેમ ભારત જન વિજ્ઞાન જાથાની યાદીમાં જણાવાયુ છે.

જાથાના રાજય ચેરમેન જયંત પંડયાએ જણાવ્યુ છે કે સૂર્ય ઉત્તર તરફ ખસતો જતા ઉત્તર ગોળાર્ધની દિવસની લંબાઇ વધતી જાય છે અને રાત ટુંકી થતી જાય છે. તેના કારણે આ ખગોળીય ઘટના નિર્માણ પામે છે.

આ કારણે તા. ૨૧ ના શુક્રવારનો દિવસ રાજકોટમાં ૧૩ કલાક ૨૮ મિનિટ અને રાત્રી ૧૦ કલાક ૩૨ મિનિટની નોંધાશે. જયારે અમદાવાદમાં દિવસ ૧૩ કલાક ૩૦ મિનિટ અને રાત્રી ૧૦ કલાક ૩૦ મિનિટ, સુરતમાં દિવસ ૧૩ કલાક ૨૨ મિનિટ અને રાત્રી ૧૦ કલાક ૩૮ મિનિટ, થરાદમાં દિવસ ૧૩ કલાક ૩૧ મિનિટ અને રાત્રી ૧૧ કલાક ૨૯ મિનિટ, મુંબઇમાં દિવસ ૧૩ કલાક ૧૩ મિનિટ અને રાત્રી ૧૦ કલાક ૪૭ મિનિટની હશે. બાદમાં તા. ૨૨ થી ક્રમશઃ દિવસ સેકન્ડના તફાવત પ્રમાણે ક્રમશઃ ટુંકો અને રાત્રી લાંબી થતી જોવા મળશે.

૨૧ જુન પછી સૂર્ય દક્ષિણ દિશા તરફ આગળ વધશે તેથી દક્ષિણાયાન કહેવાય છે. દિવસ- રાતની લંબાઇ ચંદ્રની દિશા ગતિ અને સૂર્ય તરફ પૃથ્વીનો ઝુકાવ અને સૂર્યને પરિભ્રમણ ગતિ વગેરે પરિબળો પર આધારીત હોય છે. જે સતત બદલાતા રહે છે. આ ખગોળીય ઘટનાનું વિજ્ઞાન પ્રેમીઓએ અવલોકન કરવા અને વધુ માહીતી માટે વિજ્ઞાન જાથાની કચેરી મો.૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા કાર્યાલય મંત્રી અંકલેશ ગોહીલની યાદીમાં જણાવાયુ છે.

(11:32 am IST)