Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

ડોકટરોની સજ્જડ હડતાલઃ સ્વાસ્થ્ય સેવાઓ વેરવિખેર

પ.બંગાળમાં ડોકટરો ઉપર થયેલા હુમલાના વિરોધમાં ડોકટરોની દેશવ્યાપી હડતાલઃ ઠેર-ઠેર દેખાવો-ધરણા-પ્રદર્શનઃ કડક કાયદો ઘડવા માંગણીઃ દેશભરમાં સરકારી અને ખાનગી હોસ્પીટલોમાં કામકાજ ઠપ્પઃ દર્દીઓ રઝ ળી પડયાઃ માત્ર ઈમરજન્સી અને પ્રસુતિઓની સેવાઓ ચાલુ રહી

નવી દિલ્હી, તા. ૧૭ :. પ.બંગાળમાં ડોકટરો સાથે થયેલી મારપીટની ઘટનાના વિરોધમાં આજે દેશભરમાં ડોકટરોએ સજ્જડ હડતાલ પાડી છે. ઈન્ડીયન મેડીકલ એસોસીએશન દ્વારા કેન્દ્રીય તબીબી સુરક્ષા કાનૂન લાવવાની માંગણી કરતા આજે સવારે ૬ વાગ્યાથી આવતીકાલે સવારે ૬ વાગ્યા સુધીની હડતાલનું એલાન આપવામાં આવતા દેશભરમાં સ્વાસ્થ્ય સેવાઓ ખોરવાઈ ગઈ છે અને દર્દીઓ રઝળી પડયા છે. દેશના તમામ વિસ્તારોમાં સરકારી અને ખાનગી હોસ્પીટલોમાં આજે કામકાજ ઠપ્પ રહ્યુ હતું.

ઈન્ડીયન મેડીકલ એસોસીએશન સાથે જોડાયેલા લગભગ ૩ લાખથી વધુ ડોકટરો હડતાલ પર ગયા છે એટલુ જ નહિ સરકારી હોસ્પીટલોના રેસીડેન્ટ અને આયુષના ડોકટરો પણ આજે ફરજથી દૂર રહ્યા છે. એવામાં ૧૦ લાખ ડોકટરો ઓપીડીથી પણ દૂર રહેતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. જો કે ઈમરજન્સી, પ્રસૃતિ અને પોસ્ટમોર્ટમ કામકાજ યથાવત રહ્યા છે.

પ.બંગાળના એન.આર.એસ. કોલેજમાં બે જુનીયર ડોકટરો સાથે મારપીટ બાદ સમગ્ર દેશના ડોકટરોમાં રોષ ભભુકી ઉઠયો હતો અને તેના વિરોધમાં આજે દિલ્હી, હરીયાણા, પંજાબ, યુપી, બિહાર, મ.પ્રદેશ, ગુજરાત, જમ્મુ કાશ્મીર, હિમાચલ, છત્તીસગઢ, કેરળ, તામિલનાડુ અને પ.બંગાળ સહિત તમામ રાજ્યોના ડોકટરોએ આજે સજ્જડ હડતાલ પાડી છે અને ઠેર ઠેર ઉગ્ર દેખાવો, ધરણા અને પ્રદર્શન કર્યા છે. આજે દેશભરમાં સ્વાસ્થ્ય સેવાઓ ઠપ્પ થઈ ગઈ છે.

પ.બંગાળમાં તો ૧૧ જૂનથી ડોકટરો હડતાલ પર છે. આ ડોકટરોને સમર્થન આપવા આજે દેશવ્યાપી હડતાલ પાડવામાં આવી છે. ડોકટરોની માંગણી છે કે, હિંસા પર લગામ મુકવા કડક કાયદો બનાવવાની જરૂર છે, હોસ્પીટલોને સેઈફઝોન જાહેર કરવી જોઈએ તથા સુરક્ષાની જવાબદારી સરકારે લેવી જોઈએ. આજની હડતાલમાં ગુજરાતના પણ ૨૮૦૦૦ જેટલા ડોકટરો હડતાલમાં જોડાયા છે. આજે ખાનગી હોસ્પીટલોમાં પણ દર્દીઓને સારવાર મળી શકી નહોતી.(૨-૨)

(10:12 am IST)