Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

BSNLના માઠા દિવસોઃ સ્ટાફની અછત ૧૪ વર્ષના શિખરે પહોંચી

ગુજરાત માટે કુલ ૩૨૮૮૮ની જગ્યાઓ મંજુર થયેલી છે જેમાં ૨૧૧૦૬ જગ્યાઓ ખાલી છેઃ ગ્રાહકો ઘટી રહ્યા છે, ખર્ચ વધી રહ્યો છે અને દેવુ પણ વધી રહ્યુ છેઃ એક સમયે ગુજરાતમાં બીએસએનએલના ૨૫ લાખ લેન્ડલાઈન કનેકશનો હતા આજે માત્ર ૯.૪૩ લાખ છેઃ આવક વધારવા નવા પ્લાન અને નવી યોજનાઓ લાવવી જરૂરી

નવી દિલ્હી, તા. ૧૭ :. ભારત સંચાર નિગમ લીમીટેડ એટલે બીએસએનએલ હાલ મરવાના વાંકે જીવી રહ્યુ છે. બીએસએનએલ ગુજરાત સર્કલ પણ કફોડી હાલતમાં છે. ગુજરાત યુનિટમાં ૬૪.૧૮ ટકાની સ્ટાફની અછત હોવાનું જાણવા મળે છે. આ આંકડો માર્ચ ૨૦૧૯નો છે અને તે છેલ્લા ૧૪ વર્ષનો સૌથી ઉંચો આંકડો છે. ૨૦૦૫માં ૨૧.૮ ટકાની સ્ટાફની અછત હતી.

ગુજરાતમાં તમામ ગ્રેડમાં ૩૨૮૮૮ની મંજુર પોસ્ટ છે. જેમાંથી માત્ર ૧૧૭૮૨ જગ્યાઓ જ ભરેલી છે અને ૨૧૧૦૬ જગ્યાઓ ખાલી છે. એક આરટીઆઈ માંગણીમાં આ બાબતનો ખુલાસો થવા પામ્યો છે. અમદાવાદની વાત કરીએ તો ૨૦૦૫માં સ્ટાફની અછત ૧.૫૧ ટકા હતી. જે માર્ચ ૨૦૧૯માં વધીને ૫૯.૮૮ ટકા થઈ છે. અમદાવાદમાં માર્ચ ૨૦૧૯ની સ્થિતિએ કુલ ૬૮૯૭ જગ્યાઓ મંજુર થયેલી હતી જેમાંથી માત્ર ૨૭૬૭ ઉપર જ કર્મચારીઓ કામ કરી રહ્યા છે.

બીએસએનએલ સતત ખોટ કરતુ રહ્યુ છે અને દેશવ્યાપી પગાર આપવાની અછત જોવા મળી રહી છે. એટલુ જ નહિ બીએસએનએલનું દેવુ પણ એકધારૂ વધી રહ્યુ છે જે ચિંતાની બાબત કહી શકાય.

ગુજરાતના એક સિનીયર અધિકારીએ જણાવ્યુ હતુ કે, ૨૦૧૦માં ૨૫ લાખ લેન્ડલાઈન કનેકશન બંધ થયા હતા. હાલ આ આંકડો ૯.૪૩ લાખનો છે. બ્રોડબેન્ડ કનેકશનો ૩.૧૯ લાખના છે.

જો કે ગુજરાતના ચીફ જનરલ મેનેજર ડો. પ્રદીપકુમારનુ કહેવુ છે કે, ગુજરાતમા સ્ટાફની અછત નથી. પ્રાઈવેટ ટેલીકોમ કંપનીઓ પોતાના ભાવ ઘટાડતા બીએસએનએલની આવકમાં ઘટાડો થયો છે. બીએસએનએલની આવકમાં ઘટાડો થયો છે અને ઈન્ફ્રાસ્ટ્રકચર તથા સ્ટાફના ખર્ચાઓ વધ્યા છે. લેન્ડલાઈન કનેકશન ઘટયા છે પરંતુ તેની બીએસએનએલને કોઈ મદદ નથી મળી. બીએસએનએલ હાલ પોતાના ગ્રાહકોની સંખ્યા વધારવા માગે છે અને આ દિશામાં પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. સૂત્રો કહે છે કે ખર્ચ ઘટાડવા સ્ટાફની સંખ્યામાં પણ ઘટાડો કરવામાં આવશે.

બીએસએનએલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સ્ટાફની સંખ્યા ઘટતા બીજા સ્ટાફ ઉપર કામનો બોજો વધ્યો છે. અધુરામાં પુરૂ અનેક ખાનગી કંપનીઓ સસ્તા ભાવે સેવા આપે છે અને બીએસએનએલના મોટા ભાગના ગ્રાહકો ખાનગી કંપનીઓમાં ચાલ્યા ગયા છે. જેને કારણે બીએસએનએલને નુકશાની થઈ છે. ગ્રાહકો વધારવામાં આકર્ષક પ્લાન અને ઓફરો આપવી જરૂરી છે.(૨-૩)

(10:11 am IST)