Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

'વાયુ' રિટર્ન: કચ્છમાં ભારે વરસાદની આગાહી વચ્ચે વરસાદ શરૂ, માંડવીમાં દરિયાના પાણી કાંઠે ફરી વળ્યાં- તંત્ર એલર્ટ, એનડીઆરએફની પાંચ ટીમ રેડી, બીએસએફની બે બટાલિયનો સ્ટેન્ડ બાય

ભુજથી દક્ષિણ-પશ્ચિમે ૫૫૦ કીમી દૂર વાયુ ધીમી ગતિએ આજે મોડી સાંજે નલિયા, લખપતના દરિયામાં ટકરાશે, વાતાવરણ ધાબડીયું, દુષ્કાળ અનુભવતા કચ્છી માડુઓ ઝંખે છે વરસાદ !!કંડલા-મુન્દ્રા પોર્ટ કાર્યરત

વિનોદ ગાલા દ્વારા ભુજ : છેલ્લા પાંચ દિવસથી વાયુ વાવાઝોડું સતત ચર્ચામાં છે. એક તબક્કે ઓમાન તરફ ફંટાઈ ગયેલું વાવાઝોડું ફરી હવે 'રિટર્ન' કચ્છ તરફ આવી રહ્યું છે. કચ્છના હવામાન અધિકારી રાકેશકુમારના જણાવ્યા અનુસાર અત્યારે 'વાયુ' ની સિસ્ટમ ભુજથી દક્ષિણ પશ્ચિમે ૫૫૦ કીમી દૂર છે, અને અરબી સમુદ્રમાં કચ્છના દરિયા કાંઠા તરફ ધીમે ધીમે આગળ વધી રહી છે. જે આજે મોડી સાંજ સુધી નલિયા અને લખપતના દરિયા કિનારે ટકરાશે. જેની અસરથી કચ્છમાં ભારે વરસાદ પડશે. વાયુની અસર કચ્છના પડોશી જિલ્લા બનાસકાંઠા તેમ જ ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ અનુભવાશે. કચ્છમાં ૪૫ થી ૬૫ કિમીની ઝડપે પવન ફૂંકાશે તેની સાથે ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદ પડશે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે ત્રણ થી પાંચ ઇંચ વરસાદનું અનુમાન છે. જોકે, છેલ્લા બે વર્ષથી દુષ્કાળનો સામનો કરતા કચ્છી માડુઓ વરસાદ ઝંખી રહ્યા છે. 

*ધીમો ધીમો વરસાદ શરૂ, માંડવી બીચ અને કોટેશ્વરમાં દરિયામાં જવા મનાઈ

કચ્છના વાતાવરણમાં અત્યારથીજ વાયુની અસર જોવા મળી રહી છે, માંડવીમાં દરિયાના પાણી છેક કાંઠા સુધી આવી ગયા છે,તો ધાબડીયા વાતાવરણ વચ્ચે કચ્છમાં ધીમો ધીમો વરસાદ શરૂ થઈ ગયો છે. બીજી તરફ કચ્છમાં વાયુ વાવાઝોડું રિટર્ન થઈ રહ્યું હોય વહીવટીતંત્ર એલર્ટ છે. એનડીઆરએફની પાંચ ટીમો અને બીએસએફની બે બટાલિયનો તૈનાત છે. કંડલા અને મુન્દ્રા પોર્ટ કામકાજથી ધમધમી રહ્યા છે, અને પોર્ટ પ્રશાસનની વાવાઝોડા ઉપર નજર છે, બન્ને પોર્ટ એલર્ટ છે. જો, વાતાવરણમાં વધુ બદલાવ આવશે તો સાવચેતી અર્થે બન્ને પોર્ટ ઉપર કામકાજ સ્થગિત કરી દેવાશે. જોકે, જખૌ બંદરે તમામ બોટો લાંગરી દેવાઈ છે, માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ છે. માંડવી અને કોટેશ્વર બીચમાં દરિયામાં જવા મનાઈ કરાઈ છે, બંને જગ્યાએ પોલીસ તૈનાત છે. બધા જ કર્મચારીઓને હેડ ક્વાર્ટર નહીં છોડવા સૂચના અપાઈ છે.

(9:16 am IST)