Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

અભિનેતા ધીરજ ધૂપર અને તેની પત્ની વિન્ની અરોરાએ બેબી શાવર પાર્ટીનું આયોજન કર્યું

લગ્નના સાડા પાંચ વર્ષ પછી આ સ્ટાર કપલ તેમના પ્રથમ સંતાનને આવકારશે

મુંબઈ : ટેલીવુડમાં અત્યારે બાળકોના આગમનની મોસમ ખીલી ઉઠી છે. ભારતી સિંહ હર્ષ લિમ્બાચિયા અને દેબીના બેનરજી ગુરમીત ચૌધરી પછી અન્ય લોકપ્રિય ટીવી કપલ પણ તેમના પ્રથમ બાળકના આગમન માટે ખુબ જ ઉત્સાહિત છે. અમે વાત કરી રહ્યા છીએ ધીરજ ધૂપર અને વિન્ની અરોરાની. આ ભવ્ય બેબી શાવર પાર્ટીમાં ટેલીવુડના અનેક સેલેબ્રિટીઓએ હાજરી આપી હતી. જેમાં લોકપ્રિય ટેલી સ્ટાર સુરભી ચાંદના, શ્રદ્ધા આર્યા અને અંજુમ ફકીહ સહિત ઘણા ટીવી સ્ટાર્સ મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટેલમાં આયોજિત આ ભવ્ય બેબી શાવર પાર્ટીમાં હાજરી આપી હતી.

ધીરજ ધૂપર, જે કુંડળી ભાગ્ય સિરિયલમાં કરણની ભૂમિકા ભજવીને આજે ઘરે ઘરે એક જાણીતું નામ છે, તેણે સોમવારે એટલે કે ગઈકાલે મુંબઈની એક જાણીતી ફાઈવ સ્ટાર હોટેલમાં તેની પત્ની વિની અરોરા માટે એક ભવ્ય બેબી શાવરનું આયોજન કર્યું હતું. લોકપ્રિય લવબર્ડઝ સફેદ રંગ પરંપરાગત પોશાકમાં સ્પોટ થયા હતા. તેઓ આ લૂકમાં એકસાથે ખુબ જ ક્યૂટ લાગી રહ્યા હતા.

આ સ્ટાર સ્ટડેડ પાર્ટીમાં ધીરજ ધૂપરના જાણીતા શો કુંડળી ભાગ્યના સહ કલાકારો શ્રદ્ધા આર્યા, રૂહી ચતુર્વેદી, અંજુમ ફકીહે આનંદથી ભરપૂર બેબી શાવરમાં હાજરી આપી હતી. અંજુમે સોશિયલ મીડિયા પર એક નોટ લખી છે, અને ભાવિ માતા-પિતાને શુભેચ્છા પાઠવી છે. તેણીએ આ બેબી બાશમાંથી તસવીરો પણ શેયર કરી છે. તેણીએ લખ્યું છે કે, “ભાવિ માતા-પિતાને @vinnyaroradhoopar અને @dheerajdhoopar બનવા માટે ખૂબ ખૂબ અભિનંદન.” કૅમેરા માટે પોઝ આપતી વખતે આ સ્ટાર કપલ તેમનું મિલિયન-ડોલર સ્મિત ફ્લેશ કરતા જોઈ શકાય છે.

લોકપ્રિય ટીવી શો ‘નાગિન 5’માં ધીરજ ધૂપર સાથે કામ કરનાર અભિનેત્રી સુરભી ચાંદના તેના સિમ્પલ દેખાવમાં અદભૂત દેખાતી હતી. તેણીનું મનમોહક સ્મિત લોકોને દિવાના બનાવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ધીરજ ધુપર અને વિન્ની અરોરાએ થોડા સમય માટે એકબીજાને ડેટ કર્યા બાદ નવેમ્બર 2016માં લગ્ન કર્યા હતા. તેમના લગ્નના સાડા પાંચ વર્ષ બાદ આ કપલ માતા-પિતા બનશે. ગયા મહિને આ બંનેએ ઈન્સ્ટાગ્રામ પર એક સુંદર પોસ્ટ શેયર કરીને તેમની ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી.

(10:50 pm IST)