Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

સહેલાણીઓનું માનીતુ

સિક્કિમઃ બરફથી ઢંકાયેલા પર્વતો અને ઘનઘોર જંગલોની સમૃધ્ધિ ધરાવતું રાજય

દુનિયામાં ત્રીજા નંબરના સૌથી ઉંચા પર્વત કંચનજંઘા સહિતના અદ્દભુત સૌંદર્ય સાથેનો રમણિય વિસ્તાર : વિશિષ્ટ પ્રકારના ફુલો અને ઠંડા-ગરમ પાણીના ઝરણા સોનામાં સુગંધ ભેળવે છે

રાજકોટ તા.૧૭ : માહિતી અનેટેકનોલોજીની આજની ર૧મી સદીમાં લોકો સમગ્ર વર્ષ દરમ્યાન અનુકુળતા મુજબ પોતપોતાના ગ્રુપસર્કલ કે ફેમિલી સાથે ફરવા ઉપડી જતા જોવા મળે છે. લોકોની જીવનશ્રેણીમાં આમૂલ પરિવર્તન આવી ગયું છે, તેના ભાગરૂપે લોકો હવે ફ્રી ટાઇમ સ્પેન્ડ કરવા  ફરવા માટેના નવા-નવા ડેસ્ટીનેશન્સ સતત શોધતા રહે છે. ટુરીઝમ ઇન્ડસ્ટ્રીઝનું કદ પણ દિવસે-દિવસે વધતું જાત છે. જો કે છેલ્લા સવા વર્ષથી કોરોનાને કારણે ભારત સહિત સમગ્ર વિશ્વના પ્રવાસન ઉદ્યોગને ઘણો ફટકો પડયો છે. પરંતુ વહેલાસર બધું સરખુ થઇ જશે તેવી પ્રબળ આશા સેવાઇ રહી છે.

ભારતમાં ફરવા માટેના અઢળક સ્થળો છે અને પર્યટકોને મજા પડી જાય તેવું કુદરતી સૌંદર્ય દેશના વિવિધ ભાગોને ખોબલે-ખોબલે પ્રાપ્ત થયંુ છે ભારતમાંં પૂર્વ દિશામાં આવેલ સિક્કિમ રાજય ફરવા માટે સહેલાણીઓનું માનીતું ગણાઇ રહ્યું છે. ચારેય બાજુ બરફથી ઢંકાયેલા પર્વતો અને ઘનઘોર જંગલોની સમૃધ્ધિ ધરાવતા સિક્કિમ રાજયમાં દુનિયામાં ત્રીજા નંબરનો સૌથી ઉંચો કંચનજંઘા પર્વત આવેલો છે. આ પર્વત સાથે અદ્દભુત સાંૈદર્ય ધરાવતો રમણિય વિસ્તાર છે.

સિક્કિમ તેની હરીયાળી અને સમૃધ્ધ વનસ્પતિ, સુંદર કુદરતી પર્વત-માળા, મોટા પર્વતો, બરફથી ઢંકાયેલ હિમાલયનો વિસ્તાર, ફુલોથી મહેકતા મેદાનો, ચમકદાર રંગબેરંગી આગવી સંસ્કૃતિ વિગેરેને કારણે ખૂબ લોકપ્રિય છે. અહીં વિશિષ્ટ પ્રકારના ફુલો ભરપુર માત્રામાં જોવા મળે છે.

બરફથી ઢંકાયેલા પર્વતો દુનિયાની અવિવાદિત સર્વોચ્ચ હારમાળા તરીકે ઓળખાઇ રહ્યા છે.

અહીંનો પર્વતીય વિસ્તાર સિક્કિમની બે મુખ્ય નદીઓની વચ્ચે આવેલ છે. વિસ્તાર અને રંગીતના સુંદર મજાના ગામ અને પાણીના ઝરણાઓ અને ગરમ પાણીના ઝરણાંઓ પણ લોકોને આકર્ષિત કરે છે. સિક્કિમ આવનારા સહેલાણીઓ માટે ઘણું બધું જોવા લાયક છે.

અહી ૧૩પ ફુટ ઉંચી ગુરૂ પદમસંભવની મૂર્તિ દક્ષિણ સિક્કિમમાં આવેલ છે. સિક્કિમની રાજધાની ગંગટોક રાજયમાં નીચે આવેલ હિમાલયવાળા ભાગમાં ભારતના પૂર્વોતર ક્ષેત્રમાં આવેલ છે આ શહેર દરીયાની સપાટીથી આશરે ૧૭૮૦ મીટરની ઉંચાઇ ઉપર આવેલ છે.

એન્ચી ઠાઠ, સ્થાયી પુષ્પ પ્રદર્શન (કે જે વાઇટ મેમોરીયલ હોલની પાસે વ્હાઇટ હોલમાં લગાવવામાં આવે છે), હાથવણાંટ અને દસ્તકારી કેન્દ્ર નમગ્યાલ ઇન્સ્ટીટયુટ ઓફ તિબેતો, લોજી, સરામાસા ગાર્ડન, રામટેક ધર્મ ચક્ર કેન્દ્ર, જવહરલાલ નહેરૂ વનસ્પતિ ઉદ્યાન, તાશી, વ્યુપોઇન્ટ, સા.નગોર-ચોટશોભ કેન્દ્ર, ગણેશ ટોક વિગેરે ઘણા બધા જોવાલાયક સ્થળો સિક્કિમ ખાતે આવેલા છે.આ ઉપરાંત અન્ય સ્થળો પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.

ટૂંકમાં સિક્કિમમાં પ્રવાસીઓની રૂચિ અનુસાર મોટાભાગે તમામ પ્રકારના સ્થળો છે કે જયાં લોકો હરવા-ફરવા ભરપૂર આનંદ લઇ શકે છે અને જીવનભરની યાદ ગાર પળોના સાક્ષી બની શકે છે. અહીં અખૂટ કુદરતી સૌંદર્ય છે કે જેને કારણે સહેલાણીઓ હરહંમેશ સિક્કિમ ફરવા માટે તલપાપડ હોય છે.(૬.૬)

સિક્કમ પહોંચવું કોઇ રીતે ? રહેવું કયાં ?

ભારતના દરેક રાજયના મોટાભાગના મુખ્ય શહેરોમાંથી સિક્કિમની રાજધાની ગંગટોક જવા માટે ટ્રેઇન કે એરકનેકટીવીટી મળી રહે છે. પશ્ચિમ બંગાળમાં આવેલ બાગડોગરા ખાતે પણ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. ગંગટોકની બાજુમાં આવેલ પેકયોગ ખાતે પણ એરપોર્ટ આવેલ છે. ગુગલ ઉપર પણ સર્ચ કરી શકાય છે.

ગંગટોક, પેકયોગ, રાનીપોપ, સહિતની જગ્યાએ ૮૦૦ રૂપિયાથી માંડીને ૭૦૦૦ રૂપિયા સુધીના ટેરીફ સાથે હોટલમાં વિવિધ ફેસિલિટીઝ વાળા રૂમ્સ મળી રહ્યા છે. હોટલની કેટેગરી મુજબ ટેરીફમાં ફેરફાર હોઇ શકે છે. અમુક કિસ્સામાં તથા સિઝન મુજબ ડીસ્કાઉન્ટ પણ મળે છે .ઓનલાઇન બુકીંગ પણ થઇ શકે છે. ગુગલ ઉપર પણ સર્ચ કરી શકાય છે.

(4:45 pm IST)