Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

જો બધુ ઠીકઠાક રહયું તો

કોરોનાની બીજી લહેર ૨ સપ્તાહની 'મહેમાન'

દિલ્હીની સફદરજંગ હોસ્પિટલના ડોકટરનો દાવો

નવી દિલ્હી, તા.૧૭: ભારતમાં ચાલી રહેલ બીજી લહેર હવે પીક પોઈન્ટ પર આવી ચૂકી છે. ફેબ્રુઆરી ૨૦૨૧માં થી લઈ એપ્રિલ ૨૦૨૧ સુધી ચાલેલ આ લહેરમાં રોજ ચાર લાખથી વધુ લોકો સંક્રમિત થતા હતા. પણ ૯ મે પછી હવે આ સંક્રમણમાં દ્યટાડો જોવા મળી રહ્યો છે. એનો અર્થ એ છે કે લોકો નિયમોનું બરાબર રીતે પાલન કરી રહ્યા છે. તેના પીક પોઈન્ટ બાદ હવે એ પણ ચર્ચા થઈ રહી છે કે હવે આ લહેરનો અંત કયારે આવશે. આ સવાલના જવાબમાં સફદરજંગ હોસ્પિટલના કોમ્યુનિટી મેડિસિન ડિપાર્ટમેંટના પ્રોફેસર અને હેડ ડોકટર જુગલ કિશોરે જણાવ્યું કે જો બધુ બરાબર રહ્યું તો વધુમાં વધુ ૧૦ થી ૧૫ દિવસમાં આ લહેર પૂરી થઈ જશે.

પણ આ લહેરને ખતમ કરવા માટે આપણે દ્યણી બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવી પડશે. જેમાં સૌથી પહેલા આપણે કોરોનાના નિયમોનું પાલન કરવું પડશે. કામ વગર ઘરમાંથી બહાર નીકળવાનું બંધ કરી દેવું પડશે. બજારમાં અને બીજી જગ્યાઓ પર ભીડ ઓછી કરી દેવી પડશે. અને સરકાર વેકિસન પ્રક્રિયામાં તેજી લાવી દેશે તો આપણે આ લહેરને દ્યણી ઝડપી પૂરી કરી શકીશું. જો વેકિસનની અછત નહીં સર્જાય તો આપણે કોરોનાને હરાવી જ દઇશું.

સાથે તેમણે જણાવ્યું જે હાલમાં એકિટવ કેસો ઓછા આવી રહ્યા છે એનો અર્થ એ છે કે લોકો હવે એકબીજાના સંપર્કમાં ઓછા પ્રમાણમાં આવી રહ્યા છે. લોકો કોરોનાના નિયમોનું બરાબર રીતે પાલન પણ કરી રહ્યા છે. હાલમાં આ લહેરમાં જેટલા પણ લોકો સંક્રમણ થવાના હતા એટલા લોકો સંક્રમિત થઈ ગયા છે. આવેલા કેસોની સામે ઘણા લોકો એવા પણ હતા કે જેમની રોગપ્રતિકારક શકિત વધુ હોવાને લીધે તેઓ ઘરે રહી ને જ સારા થઈ ગયા છે.

(4:24 pm IST)