Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

વૈદિક મંત્રોચ્ચાર સાથે કેદારનાથ મંદિરના કપાટ ખુલ્યાઃ PM મોદીના નામથી કરવામાં આવી પહેલી પૂજા

વહેલી સવારે પાંચ વાગ્યે પૂરેપૂરી વિધિ વિધાનથી આગામી છ મહિના માટે ખોલી નાખવામાં આવ્યા છે

રુદ્રપ્રયાગ તા.૧૭:ભગવાન કેદારનાથના કપાટ આજે ૧૭જ્રાક મેના રોજ વહેલી સવારે પાંચ વાગ્યે પૂરેપૂરી વિધિ વિધાનથી આગામી છ મહિના માટે ખોલી નાખવામાં આવ્યા છે. આજથી ભગવાન કેદારનાથની પૂજા-અર્ચના ધામમાં શરૂ થઈ જશે. પ્રાચીન પરંપરા મુજબ દર વર્ષે મહાશિવરાત્રિના રોજ ઓમકારેશ્વર મંદિર ઉખીમઠમાં કેદારનાથ ધામના કપાટ ખોલવાનું શુભ મુહૂર્ત કાઢવામાં આવે છે. હવે આવનારા છ મહિના સુધી અહીં ભગવાનની પૂજા સંપન્ન થશે. કેદારનાથ ભગવાનના કપાટ ખુલ્યા બાદ પહેલી પૂજા પ્રધાનમંત્રીના નામથી કરવામાં આવી.

કોરોના સંક્રમણના કારણે કપાટ ખોલવાના અવસરે કેદારનાથના રાવલ ભીમાશંકર લિંગ જિલ્લા પ્રશાસન તરફથી જિલ્લાધિકારી તીર્થી પુરોહિત હક્ક-હક્કુધારી તીર્થી પુરોહિત ને પંડા સમાજના લોકો ઉપસ્થિત હતા. હાલ મંદિરમાં ભકતોના દર્શન પર સરકારે રોક લગાવી છે. મુખ્ય પૂજારી જ ફકત નિત પૂજાઓ સંપન્ન કરાવશે. આ બાજુ પ્રથમ પૂજા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નામ પર મંદિરમાં કરવામાં આવી.

કોરોના મહામારીના કારણે સતત બીજીવાર ડોલીને પ્રશાસનની નિગરાણીમાં વાહનથી પહોંચાડવામાં આવી. બાબા કેદારની ડોલી શનિવારે પોતાના ધામ પહોંચી ગઈ. કપાટ ખુલ્યા બાદ છ મહિના સુધી ધામમાં જ આરાધ્યની પૂજા અર્ચના કરાશે. શીતકાળના છ મહિના સુધી પંચગદ્દીસ્થળ ઓમકારેશ્વર મંદિર ઉખીમઠમાં વિશ્રામ કર્યા બાદ ગત ૧૪ મેના રોજ કેદાર બાબાની ઉત્સવ ડોલી ધામ માટે રવાના થઈ હતી.

મંદિરના કપાટ ખુલ્યા બાદ મુખ્ય પૂજારી બાગેશ લિંગે સ્વયંભૂ શિવલિંગને સમાધિથી જાગૃત કર્યું અને નિર્વાણ દર્શનો પછી શ્રૃંગાર તથા રુદ્રાભિષેક પૂજાઓ કરવામાં આવી. કોરોના મહામારીને જોતા ચારધામ જાત્રા અસ્થાયી રીતે સ્થગિત છે. ધામોમાં ફકત પૂજાપાઠ થઈ રહ્યા છે. મુસાફરોને આવવાની મંજૂરી નથી. કેદારનાથના કપાટ ખુલવાના સમયે પૂજાવિધિ સાથે સંકળાયેલા કેટલાક ગણતરીના લોકો જ હાજર રહ્યા હતા.

પ્રદેશના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે કેદારનાથ ધામના કપાટ ખુલવા પર ખુશી વ્યકત કરી. તેમણે કહ્યું કે કોરોના મહામારીના કરાણે અસ્થાયી હીતે યાત્રા સ્થગિત છે પરંતુ તમામ લોકો વર્ચ્યુઅલી દર્શન કરે અને પોતાના ઘરોમાં પૂજા અર્ચના કરે. પર્યટનમંત્રી સતપાલ મહારાજે કહ્યું કે કોરોના મહામારી સમાપ્ત તશે અને જલદી ચારધામ જાત્રા શરૂ થશે. ઉલ્લેખનીય છે કે પર્યટન મંત્રી સતપાલ મહારાજની પહેલ પર પીએમ નરેન્દ્રભાઇ મોદીના નામથી જનકલ્યાણની ભાવના સાથે તમામ ધામોમાં પ્રથમ પૂજા સંપન્ન કરાવવામાં આવી રહી છે.

શ્રી કેદારનાથ ધામના કપાટ ખુલવાના અવસરે ઋષિકેશના દાનીદાતા સૌરભ કાલરા ગ્રુપ દ્વારા શ્રી કેદારનાથ મંદિરને ૧૧ કિવન્ટલ ફૂલોથી સજાવવામાં આવ્યું હતું.

કપાટ ખુલવા દરમિયાન કોરોના ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું. માસ્ક, સેનેટાઈઝર, થર્મલ સ્ક્રિનિંગ જરૂરી કરાયા. ઉત્તરાખંડ ચારધામ દેવસ્થાનમ મેનેજમેન્ટ બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી રવિનાથ રમને કપાટ ખોલવા માટે એસઓપી દ્વારા વ્યાપક દિશા નિર્દેશ આપ્યા.

તૃતીય કેદાર તુંગનાથજીના કપાટ આજે બપોરે ખુલી રહ્યા છે જયારે ચતુર્થ કેદાર રુદ્રનાથજીના કપાટ પણ આજે ખુલી રહ્યા છે. દ્વિતીય કેદાર મદમહેશ્વરજીના  કપાટ ૨૪ મેના રોજ ખુલી રહ્યા છે. જયારે ગુરુદ્વારા શ્રી હેમકુંડ સાહિબ અને શ્રી લક્ષ્મણ મંદિરના કપાટ ખુલવાની તિથિ હજુ નિશ્યિત નથી.

દેવસ્થાનમ બોર્ડના મીડિયા પ્રભારી ડો. હરીશ ગૌડે જણાવ્યું કે શ્રી બદ્રીનાથ ધામના કપાટ ૧૮ મે સવારે ૪.૧૫ મિનિટ પર ખુલી રહ્યા છે. આજે શ્રી યોગધ્યાન બદ્રીમંદિર પાંડુકેશ્વરથી આદિ ગુરુ શંકરાચાર્યજીની ગાદી સાથે શ્રી ઉદ્ઘવજી, શ્રી કુબેરજી તથા તેલકળશ શ્રી બદ્રીનાથ ધામ પહોંચશે.

વૈશ્વિક મહામારી કોરોના સંક્રમણના કારણે શાસન દ્વારા ચારેય ધામની યાત્રા સ્થગિત કરવામાં આવતા આ વખતે પણ ભગવાન કેદારનાથના કપાટ સાદગીથી ખોલવામાં આવ્યા. જયારે કેટલાક જ તીર્થ પુરોહિતોને કેદારનાથ ધામ જવાની મંજૂરી મળી. કોરોનાના કારણે આ વખતે પણ કેદારપુરીમાં સન્નાટો છે. અત્રે જણાવવાનું કે ગત વર્ષે પણ કોરોના સંક્રમણના કારણે કેદારનાથની ડોલી રથથી રવાના થઈને ગૌરીકુંડ પહોંચી હતી. આ વર્ષે પણ કોરોનાની બીજી લહેરના કારણે ડોલી ફરીથી રથથી જ લઈ જવી પડી.

કેદારનાથ સહિત ચાર ધામના કપાટ દર વર્ષે ઓકટોબર-નવેમ્બર એટલે કે શીયાળાની ઋતુમાં બંધ કરી દેવાય છે. ત્યારબાદ પછીના વર્ષે એપ્રિલ-મે મહિનામાં ભકતોના દર્શન માટે ખોલી નાખવામાં આવે છે.

(3:17 pm IST)