Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

મુંબઇના દરિયામાં ૧૩-૧૩ ફુટ ઉંચા મોજા ઉછળ્યાઃ ૧૮૫ કિમીની ઝડપે પવન ફુંકાયો : ભારે વરસાદ

એરપોર્ટ બંધ - વર્લી સી-લીંક બંધ : દાદર - વર્લી - પરેલ - માટુંગા - માહિમ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ

મુંબઇ તા. ૧૭ : દેશના દક્ષિણ પશ્ચિમ રાજ્યો પર વાવાઝોડું તૌકતેનું સંકટ મંડરાય રહ્યું છે. કેરળ, કર્ણાટક અને ગોવામાં તબાહી મચાવ્યા બાદ વાવાઝોડાની અસર મુંબઇમાં જોવા મળી. મુંબઇને વાવાઝોડાએ ધમરોળી નાખ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, વાવાઝોડું તેના સૌથી ઉગ્ર સ્વરૂપે મુંબઈ પહોંચ્યું છે. આ દરમિયાન અહીં ૧૮૫ કિમી પ્રતિકલાકની ઝડપથી પવન ફુંકાઈ રહ્યો છે અને ભારે વરસાદ પણ છે. મુંબઈમાં પણ કોરોના વેકિસનેશન રોકવામાં આવ્યું છે. જરૂર પડી ત્યાં કોરોનાના દર્દીઓને અન્ય જગ્યા પર શિફટ કરવામાં આવ્યા છે. એરપોર્ચ ૧૧થી ૨ વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. મુંબઈ વર્લી સી લિંકને પણ બંધ કરવામાં આવ્યો છે. હાઈટાઈડની શંકા જાહેર કરવામાં આવી છે.

મુંબઈના દાદર, વરલી, લોઅર પરેલ, માટુંગા અને માહિમ સહિતના મુંબઇના પશ્ચિમ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મુંબઈમાં વર્લી સી ફેસ, શિવાજી પાર્ક, મરીન ડ્રાઇવ પર દરિયામાં ઊંચા મોજા ઉછળીરહ્યા છે. કેટલાક વિસ્તારોમાંમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ પડી રહ્યો છે.

તાઉ-તે ચક્રવાતી વાવાઝોડાના કારણે સોમવારે બપોરે દરિયામાં હાઈ ટાઈડ સમયે અંદાજે ૧૦.૯૯ ફૂટ, સવારે ૮.૨૪ વાગે લો-ટાઈડ સમયે ૩.૨૮ ફૂટ ઉંચી લહેરો જોવા મળી હતી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બપોરે ૩.૩૧ મિનિટે આવનાર હાઈટાઈડમાં દરિયામાં ૧૩.૨૬ ફૂટ ઉંચા મોજા ઉછળી શકે છે અને રાતે ૯.૩૭ વાગે આવનાર હાઈટાઈ઼માં ૬.૭૦ ફૂટ ઉંચા મોજા ઉછળવાની શકયતા છે. મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને મુંબઇ ૧૦૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. હાલમાં મુંબઇમાં NDRFની ત્રણ ટીમો તૈનાત કરવામાં આવી છે અને ૫ ટીમો એલર્ટ પર છે. મુંબઈમાં ૫ સ્થાનો પર અસ્થાયી આશ્રય ઘરો બનાવવામાં આવ્યા છે, જેથી લોકોને જરૂર પડે તો અહીં સ્થળાંતર કરી શકાય. વેસ્ટર્ન મુંબઈમાં NDRFની ત્રણ ટીમો અને પૂરથી સુરક્ષા માટે ફાયર બ્રિગેડની ૬ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. અહીં બપોરે ૨ વાગ્યા સુધી એરપોર્ટ પણ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

દક્ષિણ મુંબઈના લગભગ તમામ વિસ્તારોમાં સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડાની અસર આસપાસના જિલ્લાઓમાં પણ જોવા મળી રહી છે.

અરબી સમુદ્રમાંથી ચક્રવાત 'તૌકતે' નો ખતરો ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક સહિત ૭ રાજયો પર યથાવત છે. ૫ રાજયોમાં અત્યાર સુધી ૧૧ લોકોનાં મોત નીપજયાં છે. વાવાઝોડાના કારણે મહારાષ્ટ્રમાં મુંબઇ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોના ઘણા જિલ્લાઓમાં વેકિસનેશન બંધ કરવું પડ્યું છે. અહીં મુંબઇ સહીત ઘણા શહેરોમાં એલર્ટ જાહેર છે. મંગળવારે સવારે વાવાઝોડું પોરબંદર અને મહુવા (ભાવનગર)ની વચ્ચે ગુજરાત કાંઠે ટકરાશે. આ દરમિયાન વાવાઝોડાગતિ પ્રતિ કલાક ૧૮૫ કિલોમીટર સુધી હોય શકે છે.

(3:05 pm IST)