Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

કોરોના વિરૂધ્ધના જંગમાં મોટું પગલું!

DRDO આજે લોન્ચ કરશે ૨-DG દવાના ૧૦,૦૦૦ ડોઝ

૨-DG દવાના ઉપયોગથી કોરોના દર્દી જલ્દી સાજા થઈ શકશે ઉપરાંત તેમની ઓકિસજન પર નિર્ભરતા પણ ઘટશે

નવી દિલ્હી,તા. ૧૭:  કોરોના વાયરસની સામે ચાલી રહેલા જંગમાં સાથ આપવા માટે ૨-DG માર્કેટમાં ઉતરવાની છે. ૨-DG ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવેલી એ દવા છે કોરોના સામેના જંગમાં ગેમચેન્જર બની શકે છે અને બહુરૂપ ધરાવતા વાયરસની ગેમઓવર કરી શકે છે. DRDOના વૈજ્ઞાનિકોના રિસર્ચ અને અથાગ મહેનત બાદ ભારતે કોરોનાની વિરુદ્ઘ આ દવા તૈયાર કરી લીધી છે, જેનાથી લોકોને રાહત મળવાની આશા છે. દવાના ૧૦ હજાર ડોઝની પહેલી ખેપ લોન્ચ કરવામાં આવશે, ત્યારબાદ તેને કોવિડ દર્દીઓને આપવામાં આવશે.

DRDOના અધિકારીઓએ જણાવ્યું કે, આ દવા દર્દીઓને ઝડપથી રિકવર કરવામાં મદદ કરે છે અને તેમની ઓકિસજન પર નિર્ભરતાને પણ ઘટાડી શકે છે. કોવિડ-૧૯ સંક્રિમત દર્દીઓના સારવાર માટે ૨-DG દવાના ૧૦ હજાર ડોઝની પહેલી ખેપ સપ્તાહના શરૂઆતમાં આવી જશે અને તેને દર્દીઓને આપવામાં આવશે. દવા નિર્માતા ભવિષ્યમાં ઉપયોગ માટે દવાના ઉત્પાદનમાં તેજી લાવવાનું કામ કરી રહ્યા છે. દવા ડોકટર અનંત નારાયણ ભટ્ટની સાથે વૈજ્ઞાનિકોની એક ટીમે બનાવી છે.

આ દવાએ ફેઝ-૨ અને ફેઝ-૩ની કિલનિકલ ટ્રાયલમાં ઘણું સારું પ્રદર્શન કર્યું છે. મેથી ઓકટોબરની વચ્ચે થયેલા ટ્રાયલમાં દવાએ કોવિડ દર્દીઓ પર કામ કર્યું અને તે સુરક્ષિત પણ રહી. દવાના ઉપયોગથી હોસ્પિટલમાં દાખલ થવાના દિવસો પણ ઓછા રહ્યા અને ઓકિસજન સપોર્ટ પણ ન લેવો પડ્યો. વિશેષજ્ઞોનું કહેવું છે કે આ દવા એક રીતે સૂડો ગ્લૂકોઝ મોલેકલ છે, જે કોરોના વાયરસને પ્રસરતા રોકે છે. આ દવા દુનિયાની એ ગણતરીની દવાઓમાં સામેલ છે જે ખાસ કોવિડને રોકવા માટે બનાવવામાં આવી છે.

DCGIએ ૮ મેના રોજ DRDO દ્વારા વિકસિત કોવિડ વિરોધી દવાના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી હતી. મોં દ્વારા લેનારી આ દવાને કોરોના વાયરસના મધ્યમથી ગંભીર લક્ષણના દર્દીઓની સારવારમાં ઉપયોગ કરવાની મંજૂરી સહાયક પદ્ઘતિના રૂપમાં આપવામાં આવી છે. ૨-DG દવા પાવડરના રૂપમાં પેકેટમાં આવે છે, તેને પાણીમાં ભેળવીને પીવાની હોય છે.

દવાની અસરની વાત કરવામાં આવે તો જે લક્ષણવાળા દર્દીઓને ૨-DGથી સારવાર કરવામાં આવી છે તેઓ SOCથી પહેલા સાજા થયા. ગયા વર્ષે શરૂઆતમાં મહામારી શરૂ થયા બાદ વડાપ્રધાન મોદી દ્વારા તૈયારીઓનું આહ્વાન કરવામાં આવ્યું. ત્યારબાદ DRDOએ આ પરિયોજના પર કામ શરૂ કર્યું હતું.

(10:23 am IST)