Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

રાજધાની દિલ્હીમાં ૨૪ મે સુધી લોકડાઉન લંબાવાયુ

દિલ્હીમાં ચોથી વાર લૉકડાઉન લંબાવી દેવાયું : દિલ્હીમાં કોરોના વાયરસના પોઝિટિવિટી રેટમાં ત્યારથી લઈને અત્યાર સુધી ૨૪ ટકા ઘટાડો જોવા મળ્યો છે

નવી દિલ્હી,તા.૧૬ : દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસમાં પાછલા થોડાક દિવસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલે ચોથી વાર આ લૉકડાઉન વધાર્યું છે.

         દિલ્હીમાં પાછલા મહિનામાં પહેલી વાર લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી ત્યારપછી સતત તેને લંબાવવામાં આવ્યું છે. દિલ્હીમાં કોરોનાના પોઝિટિવિટી રેટમાં ત્યારથી લઈને અત્યાર સુધી ૨૪ ટકા ઘટાડો જોવા મળ્યો છે પરંતુ સરકાર કોઈ પણ પ્રકારની ઢીલ આપવા માંગતી નથી. જે પ્રતિબંધો પાછલા ત્રણ અઠવાડિયાથી લાગુ છે, તે આગામી અઠવાડિયામાં પણ લાગુ રહેશે. ઉલ્લેખનીય છે કે પાછલી જાહેરાતમાં મુખ્યમંત્રી કેજરીવાલે મેટ્રો સેવાઓ પર પ્રતિબંધની જાણકારી આપી હતી. દિલ્હીમાં અત્યારે લગ્ન સમારોહ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ છે. ગાઈડલાઈન્સ અનુસાર, લોકડાઉન દરમિયાન મેટ્રો સેવાઓ બંધ રહેશે. સાર્વજનિક સ્થળો જેમ કે હોટલ, સમુદાયના કેન્દ્રો, બેંક્વેટ હોલ વગેરે પર લગ્ન સમારોહનું આયોજન નહીં થઈ શકે. લગ્નની મંજૂરી આપવામાં આવશે પરંતુ તેની પરમિશન કોર્ટ પાસેથી લેવી પડશે. આ સિવાય ઘરે લગ્ન પ્રસંગનું આયોજન થઈ શકે છે. લગ્નમાં ૨૦થી વધારે લોકોને હાજર રહેવા પર પ્રતિબંધ છે. આ સિવાય ટેન્ટ, ડીજે, મ્યુઝિક સિસ્ટમ, કેટરિંગ વગેરેનું બુકિંગ શક્ય નથી. શનિવારના આંકડા અનુસાર, દિલ્હીમાં પાછલા ૨૪ કલાકમાં ૬૫૦૦ નવા કેસ સામે આવ્યા છે જે ૭મી એપ્રિલ પછી સૌથી ઓછો આંકડો છે. દિલ્હીમાં લગભગ બે અઠવાડિયાથી દરરોજ પોઝિટિવ કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

(12:00 am IST)