Gujarati News

Gujarati News

News of Sunday, 17th May 2020

પ્રવાસી મજૂરોના મુદ્દા પર હું સોનિયા ગાંધીને હાથ જોડીને અપીલ કરુ છું કે આ મુદ્દા પર રાજનીતિ ન કરે : નિર્મલા સીતારમન

નવી દિલ્હીઃ પ્રવાસી મજૂરોના મુદ્દા પર આપણે મળીને કામ કરવું પડશે અને હું સોનિયા ગાંધીને હાથ જોડીને અપીલ કરુ છું કે આ મુદ્દા પર રાજનીતિ ન કરે. નાણામંત્રી નિર્મલા સીતારમને રાહત પેકેજની જાહેરાત કરતા ચાલીને ઘરે જઈ રહેલા પ્રવાસી મજૂરોના મુદ્દા પર વિપક્ષ પર હુમલો કર્યો છે. તેમણે રાહુલ ગાંધીની તે તસવીર પર પણ સવાલ ઉઠાવ્યા જેમાં તેઓ રસ્તા પર બેસીને પ્રવાસી મજૂરો સાથે વાત કરી રહ્યાં છે. નિર્મલાએ કહ્યું કે, રાહુલે આમ કરીને મજૂરોનો સમય ખરાબ કર્યો છે.

નાણામંત્રી નિર્મલા સીતારમને કહ્યું, વિપક્ષી પાર્ટીએને કહેવા ઈચ્છું છું કે પ્રવાસી મજૂરોના મુદ્દા પર આપણે સાથે મળીને કામ કરવું પડશે. તમામ રાજ્ય સરકારોની સાથે મળીને કામ કરી રહ્યાં છીએ. હાથ જોડીને સોનિયા ગાંધીને કહુ છું કે અમારી સાથે વાત કરે અને પ્રવાસી મજૂરો પ્રત્યે પોતાની જવાબદારી સમજે.

નિર્મલા સીતારમનને પ્રવાસી મજૂરો સાથે જોડાયેલો એક સવાલ પૂછવામાં આવ્યો કે પીડીએસ અને મનરેગા હેઠળ જે જાહેરાત થઈ છે તેનો ફાયદો પ્રવાસી મજૂરોન મજૂરો પોતાના ઘરે પહોંચીને ઉઠાવી શકશે. પરંતુ મોટા ભાગના લોકો હજુ રસ્તામાં છે. તેના પર નાણામંત્રી આક્રમક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે મજૂરોને અપીલ કરી હતી કે તે લોકો ત્યાં રહે જ્યાં પર છે. સરકાર તેના ભોજન માટે દરેક પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું પરંતુ જ્યારે મજબૂર લોકો ઘરે જવા ઈચ્છતા હતા તો કેન્દ્ર અને રેલવેએ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી હતી. રેલવેએ સ્પષ્ટ કહ્યું કે, ટ્રેન તૈયાર છે જે રાજ્ય જેટલી ટ્રેન માગશે તેટલી આપવામાં આવશે.

(3:59 pm IST)