Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

હિન્દુત્વ જ ભારતની ઓળખઃ ડો. મનમોહન વૈદ્ય

ભારતની જીવનદ્રષ્ટિ દુનિયાથી અલગઃ આ ધર્મ બધાને જોડવામાં માને છે કોઈને તરછોડવામાં નહીં

આરએસએસના સહ સરકાર્યવાહક ડો. મનમોહન વૈદ્ય લખે છે કે ધર્મ બધાને જોડે છે એવી ભારતીય જીવનદ્રષ્ટિએ દુનિયામાં હિન્દુ જીવનદ્રષ્ટિના નામથી ઓળખવામાં આવે છે. ભારતીય લોકોની તે ઓળખ બની ગઈ છે. કોઈની ભાષા, જાતિ કે પ્રાર્થના કોઈપણ હોય પણ બધા આ એકાત્મ જીવનદ્રષ્ટિને પોતાની માને છે એટલે જ ભારતમાં રહેતા દરેક જણની ઓળખ હિન્દુ તરીકે બની છે.

ભારતની જીવનદ્રષ્ટિ દુનિયામાં વિશિષ્ઠ છે અને તેનો આધાર છે આધ્યાત્મિકતા, એટલે જ આ દ્રષ્ટિ એકાત્મ છે અને સર્વાંગી પણ છો. આ કારણે ભારત સત્યના અનેકરૂપ જોવે છે, તેના સુધી પહોંચવાના રસ્તાઓ અલગ હોવા છતાં પણ એક જ છે એવું માને છે એટલે જ તે અનેકતામાં એકતા જોવે છે અને વિવિધતામાં ઐકયની સ્થાપના કરી શકે છે. ભારત માને છે કે દરેક વ્યકિતમાં, ચરાચરમાં એક જ આત્મતતા વિદ્યમાન છે એટલે આપણે બધા એકબીજા સાથે જોડાયેલા છીએ. આ જોડાણની અનુભૂતિ કરવી, તેનો વિસ્તાર વધારવો અને પોતાપણાની લાગણી વધારતા જઈને બીજા માટે કંઈક કરવું તેને જ આપણે ત્યાં ધર્મ કહે છે.

આ ધર્મ (જે રીલીજીયનથી અલગ છે) બધાને જોડે છે, કોઈને તરછોડતો નથી. ભારતની આ જીવનદ્રષ્ટિને દુનિયામાં હિન્દુ જીવનદ્રષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે એટલે જ તે ભારતના બધા લોકોની ઓળખ બની ગઈ છે. આ હિન્દુ હોવુ એટલે કે હિન્દુત્વ ભારતના બધા લોકોને પરસ્પર જોડે છે અને એકતાની અનુભૂતિ કરાવે છે.

આરએસએસના સ્થાપક ડો. કેશવ બલિરામ હેડગેવારે ભારતની વિભીન્ન ભાષા, જાતિ, ઉપાસનાનો માર્ગ અને પ્રદેશના લોકોમાં એકતા જગાવવા માટે આ હિન્દુત્વને આધાર બનાવ્યો અને બધાને આ હિન્દુત્વના આધારે જોડીને સંગઠિત કરવાનું કાર્ય શરૂ કર્યુ હતું, પરંતુ પોતપોતાના રાજકીય અને અંગત સ્વાર્થ માટે જે લોકો આ સમાજને જાતિ, ભાષા, પ્રદેશ અથવા રીલીજીયનના નામે અલગ જ રાખવા ઈચ્છતા હતા તે બધાએ આ હિન્દુત્વને સાંપ્રદાયિક, પ્રતિગામી, વિભાજનકારી, લઘુમતિ વિરોધી વગેરે વગેરે કહીને હિન્દુત્વનો જોરશોરથી વિરોધ કરવાનું શરૂ કર્યુ. સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી જેવા હિન્દુત્વના માનનારા સંતો પર આવા વિશેષણો લગાડીને તેમના કાર્યને નકારવાનું, વિરોધ કરવાનું શરૂ થયું.

પરંતુ હિન્દુત્વનો શાશ્વત આધાર લઈને ચાલતુ સંઘનું કામ આ બધા વિરોધ છતા વધતુ ગયુ અને વ્યાપક બનતુ ગયું, પછી આ વિરોધીઓએ પોતાનો સ્વાર્થ સાધવા માટે પોતાની ભૂમિકામાં થોડો ફેરફાર કરીને એવું કહેવાનું શરૂ કર્યુ કે હિન્દુત્વ બે પ્રકારના છે, એક નરમ હિન્દુત્વ અને બીજુ ગરમ હિન્દુત્વ. સ્વામી વિવેકાનંદનું હિન્દુત્વ નરમ હિન્દુત્વ છે જે યોગ્ય છે પણ સંઘનું હિન્દુત્વ ગરમ છે જે નિંદનિય છે. આ લોકોની છાવણીમાંથી એ પુસ્તક પણ લખાયું 'વ્હાય આઈ એમ નોટ હિન્દુ', પણ હિન્દુત્વનો પ્રસાર અને સ્વીકાર સમાજમાં વધતો જ ગયો કારણ કે તે ભારતનો આત્મા છે અને મનની વાત છે.

પછી આ જ અત્યંત સ્વાર્થી તત્વોએ એવો ભ્રમ ફેલાવવાનુ શરૂ કર્યુ કે હિન્દુઈઝમ તો સારો છે પણ હિન્દુત્વ ખરાબ છે કેમ કે તે સાંપ્રદાયિક, પ્રતિગામી અને લઘુમતિ વિરોધી છે. એક મીડીયા સંસ્થાએ મને પ્રશ્ન પૂછયો કે હિન્દુઈઝમ અને હિન્દુત્વમાં શું ફેર છે ? મેં કહ્યુ બન્ને એક જ છે એક અંગ્રેજી છે અને બીજું હિન્દી છે. ગુલાબ અને રોઝમાં જે ફેર છે તે જ આમાં છે. ડોકટર રાધાકૃષ્ણનનું પુસ્તક હિન્દુ વ્યુ ઓફ લાઈફ અંગ્રેજીમાં હોવાથી તેમણે હિન્દુઈઝમ કહ્યું તેમનુ પુસ્તક જો હિન્દીમાં લખાયુ હોત તો તેઓ પણ હિન્દુત્વ શબ્દ પ્રયોગ કરત. પણ મારૂ અંગત રીતે માનવુ છે કે હિન્દુત્વનું સાચુ અંગ્રેજી હિન્દુઈઝમ નહીં પણ હિન્દુનેસ હોવું જોઈએ. (લેખક આરએસએસના સહ સરકાર્યવાહક છે)

(3:34 pm IST)