Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

ગોડસેના ગુણગાન ગાવા બદલ ભાજપના નેતાઓને આખરે પાર્ટીએ ફટકારી નોટિસ

સાધ્વી પ્રજ્ઞા ઠાકુર, અનંતકુમાર હેગડે અને નલિન કટીલે વિવાદી નિવેદન અપાતા ભાજપની કાર્યવાહી

નવી દિલ્હી ;ભાજપના નેતા સાધ્વી પ્રજ્ઞા ઠાકુર, અનંતકુમાર હેગડે અને નલિન કટીલે આપેલા વિવાદિત નિવેદન પર ભાજપ અધ્યક્ષ અમિતભાઈ  શાહે કહ્યુ કે પાર્ટીએ તેમના નિવેદનોને ગંભીરતાથી લીધા છે અને આ નિવેદનોને અનુશાસનાત્મક સમિતિને મોકલી દેવામાં આવ્યો છે. આ સમિતિ ત્રણે નેતાઓ પાસેથી સ્પષ્ટીકરણ માંગશે અને 10 દિવસની અંદર પાર્ટીને રિપોર્ટ સોંપશે.

   અત્રે ઉલ્લેખનીય છે કે ભોપાલ લોકસભા સીટથી ભાજપ ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુરે કહ્યુ કે મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવી દીધા હતા. સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કહ્યુ હતુ કે તે દેશભક્ત હતા, દેશભક્ત છે અને દેશભક્ત રહેશે. ભાજપના નેતા અને સાંસદ નલિન કુમાર કટીલે રાજીવ ગાંધી વિશે વિવાદિત નિવેદન આપ્યુ છે. તેમણે દેશના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની તુલના ગોડસે અને કસાબ સાથે કરી છે. તેમણે રાજીવ ગાંધીને 'સૌથી ક્રૂર' ગણાવીને કહ્યુ કે તેમણે 17000 લોકોને માર્યા. કટીલ કર્ણાટકથી ભાજપના સાંસદ છે. વર્તમાન લોકસભા ચૂંટણીમાં તે દક્ષિણ કન્નડથી ચૂંટણી લડી રહ્યા છે.

કેન્દ્રીય મંત્રી અનંત કુમાર હેગડેએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, "ગાંધી પ્રત્યે વિચારસરણી બદલવાની જરૂર છે." જોકે, થોડા સમયમાં તેમના ટ્વિટર એકાઉન્ટમાંથી તમામ ટ્વિટ્સ હટાવી લેવામાં આવ્યા હતા. બાદમાં એવું કહેવામાં આવ્યું હતું કે તેમનું ટ્વિટર હેક કરવામાં આવ્યું હતું.

(2:09 pm IST)