Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

૩૧મી મે સુધી બેંક ખાતામાં રાખો રૂ. ૩૪૨ : નહીં તો થશે રૂ. ૪ લાખનું નુકસાન!

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના અંતર્ગત કુલ ચાર લાખનો વીમો મળે છે

નવી દિલ્હી તા. ૧૭ : જો તમે કેન્દ્ર સરકારની બે યોજના પ્રધાનમંત્રી જીવન જયોતિ બીમા યોજના (Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana) અને પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના (Pradhan Mantri Suraksha Bima Yojana) લીધી છે તો તમારે તમારા બેંક ખાતામાં રૂ. ૩૪૨ રાખવા પડશે. જો ૩૧મી મે સુધી આ બેલેન્સ નહીં હોય તો તમારો વીમો રદ થઈ જશે. PMJJBY અને PMSBY અંતર્ગત વીમાની સુવિધા મળે છે.

પ્રધાનમંત્રી જીવન જયોતિ બીમા યોજના (PMJJBY) અને પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના (PMSBY) અંતર્ગત કુલ ચાર લાખનો વીમો મળે છે. PMJJBYમાં ૫૫ વર્ષની ઉંમર સુધી લાઇફ કવર મળે છે. કોઈ કારણસર વીમો લેનાર વ્યકિતનું મોત થઈ જાય છે તો તેને રૂ. બે લાખનું કવર મળે છે. આ યોજના દર વર્ષે રિન્યૂ થાય છે. આનું વાર્ષીક પ્રિમિયમ રૂ. ૩૩૦ છે. ૧૮થી ૫૫ વર્ષની કોઈ પણ વ્યકિત આ વીમાનો લાભ લઈ શકે છે.

જયારે PMSBY અંતર્ગત વીમો લેનાર વ્યકિતનું અકસ્માતમાં મોત થવા પર અથવા સંપૂર્ણ રીતે વિકલાંગ થવા પર રૂ. ૨ લાખનો દુર્ઘટના વીમો મળે છે. હંમેશ માટે આંશિક વિકલાંગ થવાના કેસમાં રૂ. ૧ લાખનું વીમા કવર મળે છે. ૧૨ વર્ષથી ૭૦ વર્ષના કોઈ પણ ભારતીય નાગરિક તેનો લાભ લઈ શકે છે. આનું વાર્ષિક પ્રિમિયમ રૂ. ૧૨ છે.

PMJJBY અને PMSBYનું વાર્ષિક પ્રિમિયમ મે મહિનામાં કપાય છે. PMJJBYનું વાર્ષિક પ્રિમિયમ રૂ. ૩૩૦ અને PMSBYનું વાર્ષિક પ્રિમિયમ રૂ. ૧૨ છે. બંને વીમા માટે રૂ. ૩૪૨ ચુકવવા પડે છે. જો મે મહિનાના અંતમાં તમારા ખાતામાં આટલું પ્રિમિયમ જમા નહીં હોય તો તમારો વીમો રદ થઈ જશે.

યોજનાની શરતો

બેંક ખાતામાં નિર્ધારિત રકમ નહીં હોય તો વીમો રદ થઈ જશે.

બેંક ખાતું બંધ થવાના કેસમાં વીમો રદ થઈ જશે.

આ યોજનાનો લાભ ફકત બેંક ખાતાથી જ લઈ શકાશે.

પ્રીમિયમ જમા નહીં થાય તો વીમો રિન્યૂ નહીં થાય.

(12:13 pm IST)