Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

રાહુલ ગાંધી-કોંગ્રેસ ન બની શકે મોદી-ભાજપનો વિકલ્પ

આતિશ તાહીરે ટાઇમ મેગેઝીનમાં લખ્યું: આ પહેલા આતિશે ટાઇમમાં મોદીને ભાગલાવાદીઓના સરદાર કહ્યા હતા

ન્યુયોર્ક, તા. ૧૭ : નરેન્દ્રભાઇ મોદીને ટાઇમ મેગેઝીનમાં 'ડીવાઇડર ઇન ચીફ' કહેનાર આતિશ તાહીરે રાહુલ ગાંધી પર પણ નિશાન તાકયું છે. તેમણે મેગેઝીનમાં એક લેખમાં રાહુલને એવો સરેરાશ માણસ ગણાવ્યો છે જેને કંઇ કંઇ શીખડાવી ન શકાય. તેમણે રાહુલને 'Unteachable Mediocrity' ગણાવ્યા હતા અને કહ્યું છે કે રાહુલ ગાંધી અને કોંગ્રેસ, નરેન્દ્ર મોદી અને ભાજપાનો વિકલ્પ ન બની શકે.

વંશવાદને આગળ વધારવાનો આરોપ મૂકીને તેમના પર લખવામાં આવ્યું છે કે, કોંગ્રેસ પક્ષ વંશવાદના સિદ્ધાંતને આગળ વધારવા સિવાય કંઇ નહિં આપી શકે. નહેરૂ-ગાંધી પરિવારના વધુ એક સભ્યને રાજકારણમાં ઉતારીને તેમણે એ જ કર્યું છે. આતિશ અનુસાર કોંગ્રેસમાં રાજકીય કલ્પનાશીલતાની કમી છે તે પ્રિયંકા ગાંધી વાડ્રાને રાજકારણમાં ઉતારીને તેમણે સાબિત કર્યું છે.

આતિશ અનુસાર, 'શકય છે કે અત્યારની સરકાર રાહુલ ગાંધીના નેતૃત્વવાળા વિપક્ષો સામે જીતી જાય જે એક 'અનટીચેબલ મીડીયો ક્રિટી' છે અને નેહરૂનો વંશ જ છે. રાહુલ અત્યારે ગડમથલમાં છે પણ મોદી ફરીથી ર૦૧૪ની આકાંક્ષાઓ અને સપનાઓ ફરીથી નહીં બતાવી શકે. ઉલ્લેખનીય છે કે ટાઇમ મેગેઝીનમાં જે આક્ષેપો કોંગ્રેસ અને નેહરૂ ગાંધી પરિવાર પર મૂકાયા છે, તેજ આક્ષેપો મોદી પણ તેમના પર કરી ચૂકયા છે.

આ પહેલા આતિશ તાસીરે નરેન્દ્ર મોદી પર લખેલી કવર સ્ટોરી પણ ઘણો વિવાદ થયો હતો. જેમાં મેગેઝીનના કવર પર નરેન્દ્ર મોદીને ભાગલાવાદીનો સરદાર (ડિવાઇડર-ઇન-ચીફ) લખ્યું હતું. ઘણા લોકોએ ત્યારે તેને એજન્ડા હેઠળ લખાયેલ સ્ટોરી ગણાવી હતી અને એમ પણ કહ્યું હતું કે આતિશ પાકિસ્તાની છે એટલે જાણી જોઇને ચૂંટણીના સમયે મોદી વિરૂદ્ધ લખી રહ્યો છે. 

(5:49 pm IST)