Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

ચૂંટણી પરિણામો મોડેથી મળવાની સંભાવના

ચુંટણી અધિકારી મતગણતરી કેન્દ્ર ખાતે વાઇફાઇ ઇન્ટરનેટનો ઉપયોગ કરી નહી શકેઃ EVMના વોટ અને VVPATની ચિઠ્ઠીની ગણતરી પણ બે અલગ અલગ ટીમો કરશે

નવીદિલ્હી, તા.૧૭: ચુંટણી પંચ આ વખતે મત ગણત્રી બાબતે વધુ ચોકસાઇ રાખશે. મતગણત્રીના સ્થળે આ વખતે ચુંટણી અધિકારી વાઇફાઇ દ્વારા નેટનો ઉપયોગ નહીં કરી શકે. ઇવીએમના મત અને વીવીપેટની ચીઠ્ઠીઓની ગણત્રી બે અલગ અલગ ટીમો કરશે. જેથી કોઇ પણ પ્રકારની ગરબડની શંકા ન રહે. જો કે, આના કારણે અંતિમ ચુંટણી પરિણામ માટે બહુ વાર જોવી પડશે.

દિલ્હીમાં સાત લોકસભા બેઠકો માટે કુલ સાત મતગણત્રી કેન્દ્ર તે જ લોકસભા વિસ્તારમાં બનાવાયા છે મતદાન પછી સ્ટ્રોગરૂમમાં મુકાયેલા ઇવીએમ ત્રિસ્તરીય સુરક્ષામાં રખાયા છે. આખું મકાન સીસીટીવી કમેરાની નિગરાણીમાં છે, ત્યાર પછી મતગણત્રીના દિવસે પણ ઇવીએમમાં કોઇ પણ પ્રકારની ગરબડને રોકવાની સાથે જ આરોપીથી બચવા માટે દિલ્હી મુખ્ય ચુંટણી અધિકારીએ પ્રશિક્ષણ દરમ્યાન પોતાના મતગણત્રી કર્મચારીઓ અને ચુંટણી અધિકારીઓને ઘણા દિશા નિર્દેશો આપ્યા છે.

ચુંટણી અધિકારી ઓફીશ્યલ કામ માટે જે ઇન્ટરનેટ સેવા લેશે, તે વાઇફાઇ કનેકશન ન હોવું જોઇએ, વાયર દ્વારા જ ઇન્ટરનેટ કનેકશન લેવાનું રહેશે. એક મતગણત્રી કેન્દ્ર પર ઇન્ટરનેટ સેવા આપતી બે કંપનીઓ હોવી જોઇએ. ઇવીએમમાં મતગણત્રી કરનારી ટીમ અલગ હશે જયારે વીવીપેટની ચીઠ્ઠીઓની ગણત્રી કરનાર ટીમ પણ અલગ હશે.

દિલ્હીની સાત લોકસભા બેઠકોના દરેક બેઠકના ૫૦ પોલીંગ બુથના વીવીપેટની ચીઠ્ઠીઓને ઇવીએમમાં પડેલા મત સાથે મેળવવામાં આવશે. આ રીતે આખા દિલ્હીમાં કુલ ૩૫૦ પોલીંગ બૂથના વીવીપેટની ચીઠીઓની ગણત્રી થશે. આના કારણે પરીણામો જાહેર થવામાં મોડું પણ થઇ શકે છે.

(12:08 pm IST)