Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

આચારસંહિતા ભંગ અંગે કોમ્પ્યુટર બાબા સામે કેસ

ભોપાલ, તા.૧૭: લોકસભા ચૂંટણી માટે અમલી આચારસંહિતાના ભંગ અંગે જીલ્લા ચુંટણી અધિકારોની સૂચના પછી કોમ્પ્યુટર બાબા ઉર્ફે નામદેવ દાસ ત્યાગી વિરૂધ્ધ કેસ નોંધાવામાં આવ્યો છે.

કોમ્પ્યુટર બાબાએ ભોપાલ લોકસભા બેઠકના કોંગ્રેસી ઉમેદવાર અને પક્ષના દિગ્ગજ નેતા દિગ્વીજયસિંહને જીતાડવા માટે ભોપાલમાં ઘૂણી ધખાવીને અનુષ્ઠાન કર્યુ હતું. જેમાં કોમ્પ્યુટર બાબાની આગેવાની હેઠળ સેંકડો સાધુ-સંતો હઠયોગ પર બેઠા હતા અને તે અનુષ્ઠાનમાં દિગ્વીજયસિંહ પોતાની પત્નિ અમૃતાસિંહ સાથે પૂજા અને હવન કરતા દેખાયા હતા.

ભોપાલ બેઠક પર દિગ્વીજયની મુખ્ય હરીફાઇ ભાજપા ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર સાથે છે. આ બેઠક પર ૧૨મે એ મતદાન થઇ ચૂકયું છે. પ્રજ્ઞા ૨૦૦૮ના માલેગાંવ વિસ્ફોટ કેસમાં આરોપી છે અને અત્યારે જામીન પર છે.કોહેફીજા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અમરેશ બોહરે એ ગુરૂવારે કહ્યું કે નાયબ જીલ્લા ચૂંટણી અધિકારીના આદેશો પર કોમ્પ્યુટર બાબા વિરૂધ્ધ આચાર સંહિતાના ઉલ્લંઘન કરવા માટે કલમ ૧૮૮ હેઠળ બુધવારે એફ આર આર નોંધવામાં આવી છે.

તેમણે કહ્યું કે નાયબ જીલ્લા ચુંટણી અધિકારી તરફથી ફરીયાદ કરવામાં આવી હતી કે બાબા દ્વારા આચાર સંહિતાનો ભંગ કરીને શિબીર લગાવીને ઘૂણી ધખાવીને અનુષ્ઠાન કરવાની સાથે સાથે રેલી કાઢીને દિગ્વીજયસિંહની તરફેણમાં પ્રચાર કરાયો હતો. બાબાએ આના માટેની પરવાનથી લેતી વખતે આ નહોંતુ જણાવ્યુ કે આમાં ભોપાલ બેઠકના ઉમેદવાર દિગ્વીજયસિંહ પણ જોડાવાના છે.

(12:08 pm IST)