Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

પ.બંગાળમાં BJP નેતાઓ પર ફરી હુમલો : ગાડીઓ પર પથ્થરમારો

અંતિમ તબક્કાના વોટીંગ પહેલા જ પશ્ચિમ બંગાળમાં બીજેપી અને ટીએમસીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ

કોલકાતા તા. ૧૭ : પશ્ચિમ બંગાળમાં ફરી એક વખત બીજેપીના નેતાઓના કાફલા પર પથ્થરમારો થયો છે. દમદમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાંથી પરત ફરી રહેલા દમદમ લોકસભા વિસ્તારના બીજેપી ઉમેદવાર સમિક ભટ્ટાચાર્ય અને પાર્ટી નેતા મુકુલ રોયની ગાડી પર નાગરબજાર ચૂંટણી વિસ્તારની નજીક અમુક લોકોએ પથ્થરમારો થયો હતો. જોકે, જે સમયે ગાડીઓ પર હુમલો થયો ત્યારે અંદર કોઈ જ ન હતું. ઘટનાની જાણકારી મળ્યાં બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.

નોંધનીય છે કે ૧૯મી મેના રોજ લોકસભાની ચૂંટણી માટે અંતિમ તબક્કાનું મતદાન યોજાશે. વોટિંગ પહેલા જ પશ્ચિમ બંગાળમાં બીજેપી અને ટીએમસીની કાર્યકરો વચ્ચે ઘર્ષણના અનેક બનાવો સામે આવ્યા છે. બે દિવસ પહેલા જ અમિત શાહના રોડ શો દરમિયાન ઘર્ષણ થયું હતું. બનાવ બાદ પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારોમાં હિંસા ફાટી નીકળી હતી. અમિત શાહની રેલી બાદ ફરી એક વખત બીજેપીના નેતાઓના કાફલાને નિશાન બનાવવામાં આવ્યાં છે. કહેવામાં આવી રહ્યું છે કે દમદમમાં વડાપ્રધાન મોદીની સભામાં હાજર રહ્યા બાદ પરત ફરી રહેલા દમદમના બીજેપીના ઉમેદવાર સમિક ભટ્ટાચાર્ય અને પાર્ટી નેતા મુકુલ રોયના વાહનો પર હુમલો થયો હતો. હુમલામાં કાફલાની અનેક ગાડીઓની નુકસાન પહોંચ્યું હતું. તોફાની તત્વોએ તેમની ગાડીઓ પર પથ્થરો ફેંકયા હતાં, જેના કારણે ગાડીના કાચ તૂટી ગયા હતા.

સદનસિબે હુમલો થયો ત્યારે ગાડીઓમાં કોઈ સવાર ન હતું. ઘટનાની જાણકારી મળ્યાં બાદ બીજેપીના કાર્યકરો ત્યાં પહોંચી ગયા હતા અને હુમલો શરૂ કરી દીધો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

(11:39 am IST)