Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

મોદીને રોકવા કેન્દ્રમાં પણ કર્ણાટક મોડલ અપનાવવા કોંગ્રેસ તૈયાર

ચૂંટણીના પરિણામો પહેલા જ જોડતોડની રાજનીતિનો પ્રારંભઃ ભાજપ વિરોધી પક્ષો રણનીતિઓ ઘડવામાં વ્યસ્તઃ કોંગ્રેસ બધા વિપક્ષોને એક કરવાના પ્રયાસમાં: કોંગ્રેસ પીએમ પદના મામલે પણ બાંધછોડ કરવા તૈયારઃ કોંગ્રેસનો એક જ ઈરાદો છે કે ભાજપ અને એનડીએ સત્તા પર આવવા ન જોઈએ

નવી દિલ્હી, તા. ૧૭ :. લોકસભાની ચૂંટણીના પરિણામો પહેલા જ જોડતોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધી વિપક્ષોને એક કરવા સક્રિય બન્યા છે અને તેલંગણાના મુખ્યમંત્રી કેસીઆર ત્રીજા મોરચાની સરકારની કવાયતમાં લાગી ગયા છે. આ દરમિયાન મોદીને ફરીથી સત્તા પર આવતા રોકવા માટે કોંગ્રેસ કર્ણાટક મોડલની જેમ પણ કેન્દ્રમાં સરકાર રચવાનો દાવો ખેલી શકે છે. જો કે કોંગ્રેસનો પહેલો પ્રયાસ વિપક્ષો સાથે ખુદની સરકાર બનાવવાને લઈને છે.

ચૂંટણીના છેલ્લા તબક્કા પહેલા કોંગ્રેસના મહામંત્રી ગુલાબનબી આઝાદે એક મોટા રાજકીય સંકેતો આપ્યા છે. તેઓ પહેલા કોંગી નેતા છે જેમણે કહ્યુ છે કે પરિણામો બાદ જો તેમના પક્ષને પીએમ પદની ઓફર નહી કરાય તો કોંગ્રેસ તેને મુદ્દો નહી બનાવે. એટલુ જ નહિ અમે કોઈ અન્ય નેતાને પીએમ બનવામાં આડા નહિ આવીએ. કોંગ્રેસનુ લક્ષ્યાંક છે કે, ખેડૂત અને જનવિરોધી ભાજપ સરકારને ફરી ન આવવા દેવી. તેમણે કહ્યુ છે કે જો કેન્દ્રમાં એક ગઠબંધન સરકાર બનશે અને તે ભાજપ વિરોધી પક્ષોના સહકારથી બનશે. કોંગ્રેસ સરકારમાં સામેલ થશે તો પક્ષ તેને પ્રતિષ્ઠાનો વિષય નહિ બનાવે. તેમણે દાવો કર્યો છે કે અમે ન તો ભાજપને કે ન તો એનડીએને સત્તામાં આવવા દેશુ. તેના નિવેદનથી સમજી શકાય છે કે કોંગ્રેસ પીએમ પદ માટે બહુ ધમપછાડા નહી કરે. એટલુ જ નહિ મોદીને રોકવા માટે વિપક્ષોને સહયોગ આપી સરકાર બનાવવાની રણનીતિ પર કામ કરી શકે છે.

કોંગ્રેસ ભાજપને રોકવા માટે કર્ણાટક મોડલ અપનાવી શકે છે. કર્ણાટકમાં ભાજપને સૌથી વધુ બેઠકો મળી હતી અને પછી કોંગ્રેસ અને જેડીએસનો ક્રમ હતો. પ્રદેશમાં કોઈને બહુમતી નહોતી મળી. એવામા કોંગ્રેસે ભાજપને રોકવા માટે જેડીએસની ઓછી સીટ હોવા છતા સીએમ પદ આપીને સરકાર બનાવી હતી. જો કે રાજ્યપાલે સરકાર બનાવવા ભાજપને તક આપી હતી પરંતુ ભાજપ બહુમતી મેળવી શકયુ નહોતું.

ચૂંટણીમાં વિપક્ષોએ જે રીતે મોદી વિરૂદ્ધ જંગ છેડી છે કોંગ્રેસમાં નેતૃત્વમાં અનેક પક્ષો નથી આવ્યા ત્યાં તેણે એકલા હાથે ઝંપલાવ્યુ પડયુ છે પણ તેને આશા છે કે બીજા પક્ષો સહકાર આપશે.

એવુ મનાય છે કે ચૂંટણીમાં કોઈ પક્ષને બહુમતી નહિ મળે. એવામાં સૌ પોતપોતાની રણનીતિ ઘડી રહ્યા છે. દિલ્હીમાં ૨૧મી પછી બેઠકોના દૌર શરૂ કરશે.

(11:38 am IST)