Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

ચૂંટણી મહાપર્વના અંતિમ ચરણનું કાઉન્ટડાઉન શરૂ

આજે સાંજથી પ્રચાર પડઘમ શાંત પડી જશેઃ ૧૯મીએ ૮ રાજ્યોની ૫૯ બેઠકો ઉપર મતદાન થશેઃ સૌનુ ધ્યાન વડાપ્રધાન મોદીની વારાણસીની બેઠક ઉપરઃ આજે પ્રચારના અંતિમ દિવસે મોદી, રાહુલ, પ્રિયંકા, અખિલેશ, માયાવતી, અજીત સિંહ સહિતના નેતાઓની સભાઓ અને રોડ શોઃ તમામ પક્ષોએ પોતાની તમામ તાકાત કામે લગાડી

નવી દિલ્હી, તા. ૧૭ :. લોકસભાની ચૂંટણીના અંતિમ અને સાતમા તબક્કાના જાહેર પ્રચાર પડઘમનો આજે સાંજે અંત આવશે. તમામ પક્ષો આજે રેલીઓ અને રોડ શો થકી પોતપોતાની તાકાત કામે લગાડી રહ્યા છે. અંતિમ ચરણમાં ૧૯મીએ ૮ રાજ્યોની ૫૯ બેઠકો પર મતદાન થશે. જેમાં વડાપ્રધાન મોદીની વારાણસીની બેઠકનો પણ સમાવેશ થાય છે. આ ચરણમાં યુપીની ૧૩, બિહારની ૮, પ.બંગાળની ૯, પંજાબની ૧૩, મધ્ય પ્રદેશની ૮, ઝારખંડની ૩, હિમાચલની ૪ અને ચંદીગઢની ૧ બેઠક પર મતદાન થશે.

પ્રચારના અંતિમ દિવસે આજે પીએમ મોદી મધ્યપ્રદેશના મેદાનમાં ઉતર્યા છે. આજે તેઓ ખરગોનમાં સભા સંબોધી રહ્યા છે તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હિમાચલના સોલનમાં પ્રચાર કરી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી આજે ફરી યુપી પહોંચ્યા છે જ્યાં તેઓ મિરઝાપુર અને કુશીનગરમાં રોડ શો કરી રહ્યા છે. જ્યારે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ૩ સભાઓ સંબોધી રહ્યા છે. બલીયા અને ગોરખપુરમાં તેઓ સભા સંબોધશે. મહાગઠબંધનના નેતાઓ માયાવતી, અખિલેશ અને અજીત સિંહ પણ મિરઝાપુર અને ચંદોલીમાં પણ પ્રચાર કરી રહ્યા છે.

આજે પ્રચારના અંતિમ દિવસે પ.બંગાળમાં કોઈ પ્રચાર થતો નથી. હિંસક ઘટના બાદ ચૂંટણી પંચે પ્રચાર પર મનાઈ ફરમાવી છે. ન તો રેલી યોજાઈ રહી છે કે ન તો બીજી કોઈ રીતે પ્રચાર કાર્ય થાય છે.

વડાપ્રધાન મોદી આજે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી પણ જઈ રહ્યા છે જ્યાં તેઓ સભા અને રોડ શો પણ કરવાના છે.

(11:38 am IST)