Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

ર૦ર૧ સુધીમાં પ૦ ટકા સ્માર્ટફોનમાં ત્રણ કે તેથી વધારે કેમેરા હશે

નવી દિલ્હી, તા. ૧૭ : મોબાઇલ ફોન અને સમાર્ટફોનની દુનિયામાં અત્યારે મેગાપિકસેલ વોર ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં કંપનીઓ કેટલો વધારે સારો કેમેરા આપી શકે તેની વિચારણા કરાઇ રહી છે. ત્યારે કાઉન્ટર પોઇન્ટ નામની રિસર્ચ સંસ્થાના એક અહેવાલ અનુસાર વિશ્વમાં ર૦ર૧ સુધીમાં જેટલા સ્માર્ટફોન વેચાશે તેમાં ત્રણ કે તેથી વધુ કેમેરાવાળા અરધોઅરધ ફોન હશે.

કંપનીના મતે માર્ચ ર૦૧૮ સુધીમાં વિશ્વના કુલ સ્માર્ટફોન વેચાણમાં છ ટકા ફોનમાં ત્રણ કે તેથી વધારે કેમેરા લાગેલા હતા. ચાલુ કેલેન્ડર વર્ષમાં આવા ફોનનું પ્રમાણ ૧પ ટકા થશે અને ર૦ર૦ સુધીમાં ત ૩પ ટકા થઇ જશે એવી આગાહી રિસર્ચમાં કરવામાં આવી છે.

ચાલુ વર્ષે એપ્રિલ સુધીમાં ૪૦ જેટલા સ્માર્ટફોન એવા રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ફોનના રીઅરમાં ત્રણથી વધારે કેમેરા ફિટ કરવામાં આવ્યા છે, જયારે ડયુઅલ કેમેરા આવ્યા ત્યારે માત્ર મોંઘા ફોનમાં જ તેનો ઉપયોગ થતો હતો. એવી જ રીતે અત્યારે ત્રણ કેમેરાના ઉપયોગ માત્ર મોંઘા અને પ્રીમીયમ ફોનમાં જ થઇ રહ્યો છે. જોકે, એકાદ વર્ષમાં બજેટ ફોન પણ આવા ત્રણ કેમેરા સાથે મળતા થઇ જશે, એમ રિસર્ચ નોંધે છે.

ત્રણ કેમેરાની સાથે લેન્સ પણ વધારે શકિતશાળી બનશે. ૩ર મેગાપિકસેલ બાદ હવે કંપનીઓ ૬૪ મેગાપિકસેલના ફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. વર્ષ ર૦ર૦ સુધીમાં બજારમાં ૧૦૦ મેગાપિકસેલના કેમેરાવાળા ફોન આવતા થઇ જશે.

(11:35 am IST)