Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

પાણીનો ડખ્ખો : પાડોશણે મહિલાના કાન કાપી નાખ્યા!

કેમ વધારે ભર્યુ ? બ્લેડથી કાપી નાખ્યા કાન : ફરિયાદ : ૫ની ધરપકડ

કોલાર તા. ૧૭ : કર્ણાટકના કોલારમાં પીવાના પાણીના મુદ્દે બે પાડોશીઓ વચ્ચે થયેલો વિવાદ એટલી હદે વકર્યો કે બાદમાં તેણે હિંસક રૂપ ધારણ કર્યું. અહીં બે મહિલાઓ વચ્ચેનો વિવાદ એટલી હદે વધી ગયો કે એક મહિલાએ બીજી મહિલાના કાન કાપી નાખ્યા. આ ઘટનામાં એફઆઈઆર નોંધાયા બાદ પોલીસે ૫ આરોપીઓની ધરપકડ કરી છે. ઘાયલ મહિલાના કાનની સર્જરી કરવામાં આવી છે, અને હવે તેની હાલત સ્થિર જણાઈ રહી છે.

કોલારના એનજી હુલકૂર ગ્રામ પંચાયતની નિવાસી મહિલા તારીખ ૭ મેના રોજ પાણી ભરવા માટે ગઈ હતી. ગામના નિયમ મુજબ પ્રત્યેક વ્યકિતને ૪ વાસણ જેટલું પાણી ભરવા માટેની જ પરવાનગી છે. પરંતુ, ઈંદ્રાણીએ એવો દાવો કર્યો છે કે તેની પાડોશણે કુલ ૮ વાસણમાં પાણી ભર્યું. આ વાતનો ઈંદ્રાણીએ વિરોધ કર્યો તો યશોદમાએ ગુસ્સામાં તેના વાસણો ફેંકી દીધા અને તેમની વચ્ચે વિવાદ શરૂ થયો.

આ લડાઈ દરમિયાન યશોદમાએ ઈંદ્રાણીના કાન પકડી લીધા, તો ઈંદ્રાણીએ યશોદમાનું ગળું પકડી લીધું. એટલી વારમાં યશોદમાનો પતિ ત્યાં આવી ગયો અને તેણે ઈંદ્રાણીની સાથે મારામારી કરી. આ દરમિયાન યશોદમાના કાનમાં ઈજા પહોંચી અને ગામના લોકોએ વચ્ચે પડીને સ્થિતિને કાબૂમાં લીધી.

ત્યારબાદ તારીખ ૯ મેના રોજ ઈંદ્રાણી જયારે સવારે ગૌશાળાથી પરત ફરી રહી હતી ત્યારે યશોદમા સહિત ૫ લોકોએ તેના પર હુમલો કર્યો અને બ્લેડ વડે તેના બંને કાન કાપી નાખ્યા. ઈંદ્રાણીની ચીસ સાંભળીને તેનો પતિ રઘુપતિ મદદ માટે આવ્યો તો તેના પર પણ હુમલો કરવામાં આવ્યો. ઈંદ્રાણીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી કે જયાં તેના બંને કાનની સર્જરી કરવામાં આવી. પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધીને પાંચેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

(10:21 am IST)