Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

કોંગ્રેસની મુશ્કેલીઓ વધશે

CBI બોફોર્સ કૌભાંડના દાટેલા મડદા ઊખાડશે

નવી દિલ્હી તા. ૧૭ : બોફોર્સ કેસની વધુ તપાસ કરવાની અરજી પાછી ખેંચવામાં સીબીઆઈએ ગુરુવારે ભાંગરો વાટયો હતો. જો કે સોશિયલ મીડિયા સહિત રાજકીય મંચ પર આ અહેવાલનાં ઘેરા પ્રત્યાઘાતો પડયા પછી સીબીઆઈને મામલામાં કંઈક કાચુ કપાયાનો અહેસાસ થયો હતો. આ પછી થોડા કલાકોમાં જ સીબીઆઈએ ફેરવી તોળ્યું હતું અને સ્પષ્ટતા કરી હતી કે, ટ્રાયલ કોર્ટમાં બોફોર્સ કૌભાંડમાં રૂ. ૬૪ કરોડની કટકી લેવાનાં મામલે તે તપાસ ચાલુ રાખશે.

અગાઉ સીબીઆઈએ બોફોર્સ કેસમાં વધુ તપાસ કરવા કોર્ટની મંજૂરી માગી હતી. જો કે રોઝ એવન્યુ કોર્ટનાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે સીબીઆઈને પુછયું હતું કે, આ મામલે તમારે શા માટે કોર્ટની મંજૂરી લેવાની જરૂર પડી? વધુ તપાસ કરવા કોર્ટની પરવાનગી લેવાની જરૂર નથી. ફકત કોર્ટને જાણ કરવામાં આવે તે જરૂરી છે. આમ સીબીઆઈ હવે કૌભાંડની તપાસ આગળ ચાલુ રાખશે.

સીબીઆઈનાં પ્રવકતા નીતિન વકનકરે કહ્યું હતું કે, મિશેલ હાર્શમેન દ્વારા કરવામાં આવેલા ખુલાસાને આધારે સીબીઆઈએ ટ્રાયલ કોર્ટમાં કેસની વધુ તપાસ કરવાની માગણી કરી હતી. ૮ મે ૨૦૧૯નાં રોજ કોર્ટે જણાવ્યું હતું કે, સીબીઆઈને આ કેસમાં વધુ તપાસ કરવાનો અધિકાર છે.

બોફોર્સ કેસની વધુ તપાસ માટે કોર્ટની મંજૂરી માગતી અરજી પાછી ખેંચ્યા પછી સીબીઆઈએ ખુલાસો કર્યો હતો કે, બોફોર્સ કૌભાંડની તપાસ ચાલુ રહેશે. સીબીઆઈએ કોર્ટ પાસેથી ૧ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ પોતાની અરજી પાછી ખેંચવાની માગણી કરી હતી.

(10:16 am IST)