Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

ટીએમસી ગુંડાઓ બંગાળને નરક બનાવી ચુક્યા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આક્ષેપો

બંગાળમાં ભારે અરાજકતા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા : ટીએમસી ગુંડાઓએ રાત્રિ ગાળામાં સમાજ સુધારક ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તોડી પાડી હતી : ઘુસણખોરો અને તસ્કરોને મમતા બેનર્જીએ ખુલ્લી છુટ આપી

મથુરાપુર, તા. ૧૬ : પશ્ચિમ બંગાળના જુદા જુદા વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરીવાર ઝંઝાવતી પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. આ ગાળા દરમિયાન મોદીએ ફરીવાર મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તૃણમુલ કોંગ્રેસ સરકાર ઉપર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, છેલ્લા ત્રણ ચાર દિવસ દરમિયાન બંગાળમાં જે કંઇ પણ ઘટનાઓ બની રહી છે તેને તમામ લોકો જોઈ રહ્યા છે. ટીએમસીના ગુંડાઓએ બંગાળમાં નરકની સ્થિતિ સર્જી દીધી છે. જે રીતે હિંસા ફેલાઈ રહી છે તેનાથી જનતંત્ર બદનામ થયું છે. ટીએમસીના ગુંડાતત્વોએ મોડી રાત્રે મહાન શિક્ષણશાસ્ત્રી અને સમાજ સુધારક ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમાને પણ તોડી પાડી હતી. કોલેજમાં સીસીટીવી કેમેરા લાગેલા હતા. સરકાર નારદા શારદા કૌભાંડમાં પુરાવાની જેમ જ તેના પણ પુરાવા નષ્ટ કરી રહી છે. મોદીએ કહ્યું હતું કે, આજે ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર જ્યાં પણ હશે ત્યાંથી જોઇને તેમને પીડા થઇ રહી હશે. તેઓ બંગાળના ગૌરવની રક્ષા માટે લડી રહ્યા હતા અને આજે ઘુસણખોરોનું શાસન આવી ગયુંછે.

ગઇકાલે તેઓ મિડિયામાં જોઈ રહ્યા હતા કે, મમતા બેનર્જીએ ભાજપની ઓફિસ ઉપર કબજો જમાવવાની પણ ધમકી આપી હતી. મમતા બેનર્જી સતત ધમકીઓ આપી રહ્યા છે. વોટ બેંકની રાજનીતિ માટે મમતા બેનર્જી કઈ હદ સુધી પહોંચી રહ્યા છે તે તમામ લોકો જોઇ રહ્યા છે. બંગાળની પુત્રીઓને વારંવાર જેલ ભેગી કરવામાં આવે છે પરંતુ ઘુસણખોરો અને તસ્કરોને મમતા બેનર્જીએ ખુલ્લી છુટ આપી દીધી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી ભારતના વડાપ્રધાનને પોતાના વડાપ્રધાન તરીકે ગણતા નથી પરંતુ પાકિસ્તાની વડાપ્રધાનની પ્રશંસા કરતા થાકતા નથી. પોતાના ભત્રીજાની સાથે મળીને ટોળાબાજી અને તસ્કરોની સિન્ડિકેટ ચલાવવામાં આવી રહી છે જેના લીધે પશ્ચિમ બંગાળના માનુષ ભારે પરેશાન છે. રાજ્યના વિકાસ ઉપર સ્પીડ બ્રેકરની સ્થિતિ જોવા મળી રહી છે. મમતાને બંગાળના સામાન્ય લોકોની ચિંતા દેખાઈ રહી નથી. માત્ર સત્તાની ચિંતા રહેલ છે. મોદીએ ફરી એકવાર સ્વામી વિવેકાનંદથી લઇને શ્યામાપ્રસાદ મુખર્જી સુધી ભાજપના ચિંતનને ગઢમાં બંગાળની સંસ્કૃતિની વાત કરી હતી. બંગાળના ગૌરવની રક્ષા કરવાની ભાજપની પ્રાથમિકતા છે. મોદીએ ઉપસ્થિત લોકોને ફરીવાર ચુપચાપ કમલછાપ અને બુથ બુથથી ટીએમસી સાફના નારા લગાવ્યા હતા.મોદીએ ઇશ્વરચંદની પ્રતિમાને નુકસાન પહોંચાડનાર સામે કઠોર પગલા લેવાની વાત કરી હતી. તમામ કેન્દ્રીય યોજનાઓ ઉપર મમતા પોતાના સ્ટીકર લગાવીને લોકોને ગેરમાર્ગે દોરે છે. સમગ્ર દેશમાં રસ્તા બની રહ્યા છે પરંતુ બંગાળની હાલત કફોડી બનેલી છે. સમગ્ર દેશમાં ખેડૂતોના બેંક ખાતામાં પૈસા જમા થઇ રહ્યા છે પરંતુ બંગાળમાં મમતા બેનર્જી રોકવાનું કામ કરી રહ્યા છે. ગરીબોની ભલાઈના દરેક કામમાં મમતાએ લુંટના રસ્તા શોધી કાઢ્યાછે.

(12:00 am IST)