Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

પીએનબી કાંડ : ૩૪૦૦૦ દાગીના કબજે કરી લેવાયા

ઇડી દ્વારા આક્રમક કાર્યવાહી કરવામાં આવીઃ મેહુલ ચોક્સીની કંપની ગીતાંજલિ ગ્રુપ પર સકંજો મજબૂત

નવીદિલ્હી,તા. ૧૭, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પંજાબ નેશનલ બેંકના ૧૩૦૦૦ કરોડ રૂપિયાના કૌભાંડમાં મેહુલ ચોક્સીની કંપની ગીતાંજલિ ગ્રુપના ૮૫ કરોડ રૂપિયાના ૩૪૦૦૦ દાગીના જપ્ત કર્યા છે. તપાસ સંસ્થાનું કહેવું છે કે, આ દાગીના દુબઈમાંથી ખરીદવામાં આવ્યા હતા. આ દાગીનાને મની લોન્ડરિંગ એક્ટ હેઠળ જપ્ત કરવામાં આવ્યા છે.

એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ઇડીએ મેહુલ ચોક્સીના નિયંત્રણવાળી ગીતાંજલિ ગ્રુપથી મની લોન્ડરિંગ હેઠળ ૮૫ કરોડ રૂપિયાના ૩૪૦૦૦ દાગીના જપ્ત કર્યા છે. ચોક્સીના સંબંધી નિરવ મોદી પીએનબી કૌભાંડમાં ઇડીની તપાસ હેઠળ છે. મોદી, ચોક્સી અને અન્યોની સામે ઇડી અને અન્ય તપાસ સંસ્થાઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સીબીઆઈ અને ઇડી દ્વારા આ મામલામાં બે-બે એફઆઈઆર દાખલ કરવામાં આવી ચુકી છે. સીબીઆઈએ આ સપ્તાહમાં જ મુંબઈની કોર્ટમાં બે ચાર્જશીટ દાખલ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે,  તપાસ સંસ્થા સીબીઆઈએ ગઇકાલે પંજાબ નેશનલ બેંકમાં હજારો કરોડ રૂપિયાના કૌભાંડના મામલામાં અબજોપતિ જ્વેલર મેહુલ ચોક્સી, તેમની કંપની સામે તેની પુરક ચાર્જશીટ આજે દાખલ કરી હતી. ગીતાંજલિ ગ્રુપ હેઠળની તેમની કંપની સામે પુરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. મુંબઈમાં ખાસ સીબીઆઈ કોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં તપાસ સંસ્થાએ ૧૬ અન્ય કંપનીઓના નામનો પણ ઉલ્લેખ કર્યો છે અને તેમની સામે આક્ષેપબાજી કરી છે. ચોક્સી અને તેમની કંપની ઉપરાંત તમામ પર ફોજદારી કાવતરા, છેતરપિંડી, પ્રવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ આરોપો મુકવામાં આવ્યા છે. મેહુલ ચોક્સી, ગીતાંજલિ ગ્રુપ સામે હવે દિનપ્રતિદિન સકંજો વધુને વધુ મજબૂત કરવામાં આવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કરોડો રૂપિયાના પંજાબ નેશનલ બેંક કૌભાંડના મામલામાં ઉંડી તપાસનો દોર જારી રહ્યો છે.

(9:32 pm IST)