Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ચાર રૂપિયાનો વધારો કરવા તૈયારી

કર્ણાટક ચૂંટણીથી પહેલાની માર્જિન સ્થિતિ હાસલ કરવા પ્રયાસ : ૧૯ દિવસના બ્રેક બાદ પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો કરવાની ફરીવાર શરૂઆત થઇ : ક્રૂડની કિંમત બેરલદીઠ ૮૦ ડોલરની ઉંચી સપાટી પર પહોંચી

નવીદિલ્હી,તા. ૧૭ : તીવ્ર મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય લોકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કારણ કે, પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પ્રતિલીટર ૪ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. બ્રોકરેજ કંપનીના કહેવા મુજબ જો સરકારી તેલ કંપનીઓને કર્ણાટક ચૂંટણીથી પહેલાની માર્જિન સ્થિતિમાં પહોંચવું છે તો પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં ચાર રૂપિયા સુધીનો વધારો કરવો પડશે. કર્ણાટકમાં ચૂંટણી પ્રક્રિયા ખતમ થઇ ગયા બાદ સરકારી તેલ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, હિન્દુસ્તાન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડને ૧૯ દિવસ બાદ સોમવારના દિવસે ફરીથી દરરોજના આધાર પર કિંમતોમાં વદારો કરવાની શરૂઆત કરી હતી. ત્યારથી લઇને અત્યાર સુધી ૬૯ પૈસા પ્રતિલીટરનો વધારો કરવામાં આવી ચુક્યો છે. આજે ૨૨ પૈસાનો વધારો કરાયો હતો જેનો આમા સમાવેશ કરવામાં આવી ચુક્યો છે. દિલ્હીમાં ગુરુવારના દિવસે પેટ્રોલ ૭૫.૩૨ રૂપિયા પ્રતિલીટરના ભાવે વેચાયુ હતું જે પાંચ વર્ષમાં સૌથી ઉંચી સપાટી છે. ડીઝલની કિંમતમાં આ સપ્તાહમાં હજુ સુધી ૮૬ પૈસાનો વધારો થઇ ચુક્યો છે. દિલ્હીમાં ગુરુવારના દિવસે પ્રતિલીટર ૬૬.૭૯ રૂપિયા ભાવ રહ્યો હતો. કોટક ઇન્સ્ટીટ્યુશનલ ઇક્વિટીના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઓઇલ માર્કેટિંગ કંપનીને આવનાર સપ્તાહમાં પેટ્રોલની રિટેલ કિંમતો ૩.૫૦થી ૪ રૂપિયા અને ડીઝલ કિંમતમાં ૪થી ૪.૫૦ સુધી વધારવાની જરૂર છે. જો આવું કરશે તો જ ૨.૭ રૂપિયા પ્રતિલીટરના ગ્રોસ માર્કેટિંગ માર્જિનને હાસલ કરી શકશે. જાણકાર લોકોનું કહેવું છે કે, આ વધારાનો અંદાજ રૂપિયા ડોલરના દર ઉપર આધારિત રહેશે. ગયા સપ્તાહમાં જ જણાવવામાં આવ્યું હતું કે, વાહન ફ્યુઅલ માટે નેટ માર્કેટિંગ માર્જિન ૩૧ પૈસા પ્રતિલીટરના નીચા સ્તર પર છે. કારણ કે, ૨૪મી એપ્રિલ બાદ કિંમતોમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો કરવાના મામલામાં જોરદાર હિલચાલ શરૂ થઇ ચુકી છે. ગયા સપ્તાહમાં આઈસીસીઆઈસી સિક્યુરિટીએ કહ્યું હતું કે, ઓટો ફ્યુઅલ નેટ માર્કેટિંગ માર્જિન ભાવ વધારો નહીં કરવાના કારણે ૨૪મી એપ્રિલ બાદ પ્રતિલીટર ૦.૩૧ રૂપિયા સુધી પહોંચ્યો હતો. ૧૪મી મે બાદથી ઓએમસી દ્વારા ફરીવાર કિંમતોમાં વધારો કરવાની શરૂઆત કરવામાં આવી હતી. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીને લઇને ભાવ વધારો કરી રહી ન હતી. આંતરરાષ્ટ્રીય તેલ કિંમતોમાં વધારો થવાના પરિણામ સ્વરુપે ઉંચા ખર્ચને વહન કરવાના લીધે તેમને ૫૦૦ કરોડનું નુકસાન થઇ ચુક્યું છે. ૨૪મી એપ્રિલના દિવસે સુધારવામાં આવેલા રેટ માટે ઉપયોગ કરવામાં આવતા પેટ્રોલ માટે બેંચમાર્ક ઇન્ટરનેશનલ રેટનો આંકડો ૧૪મી મેના દિવસે ૮૨.૯૮ ડોલર સુધી પહોંચી ગયો હતો. આવી જ રીતે બેંચમાર્ક ઇન્ટરનેશનલ ડીઝલનો રેટ બેરલદીઠ ૮૮.૯૩ ડોલર સુધી પહોંચી ગયા છે. આવી સ્થિતિમાંપેટ્રોલ ડીઝલની કિંમતમાં ભાવ વધારા માટેનો તખ્તો તૈયાર થઇ ગયો છે. આજે પેટ્રોલની કિંમતમાં ૨૨ પૈસાનો વધારો કરાયો હતો.

(9:24 pm IST)