Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

જનતા ખુદ કોંગ્રેસ કલ્ચરથી મુકત થઇ રહી છેઃ ર૦૧૯માં સાથી પક્ષો વધશેઃ અમિત શાહ

મોદી સરકારની સાથે પ્રદેશ અધ્યક્ષ પદે ૪ વર્ષ પુરા કરી રહેલા અમિત શાહની રસપ્રદ મુલાકાતઃ વધુ બેઠકો હોય તો સમર્થનવાળી સરકાર બનાવવામાં અનેૈતિક કંઇ નથી

રાજકોટ, તા., ૧૭: ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને ગુજરાતી થીંક ટેંક અમિત શાહ મોદી સરકારની સાથે રાષ્ટ્રીય અધ્યક્ષના હોદ્દા પર ચાર વર્ષ પુરા કરી રહયા છે. ત્યારે દૈનિક ભાસ્કર જુથને આપેલી મુલાકાતના અંશો અમો વાંચકો માટે રજુ કરી રહયા છીએ.

સવાલઃ શું બીજેપીનો સ્વર્ણિમ યુગ આવી ગયો છે? અથવા તો જેવો તમે દાવો કરો છો કે કોંગ્રેસના સફાયા પછી એવું થશે?

જવાબઃ જુઓ, કોંગ્રેસના સફાયાની અમે કયારેય કોઇ વાત નથી કરી. હા, અમે કોંગ્રેસ કલ્ચરથી દેશને મુકત કરવાની વાત જરૂર કરી છે. જનતા આ જ દિશામાં આગળ વધી રહી છે કે દેશ કોંગ્રેસ કલ્ચરથી મુકત થાય.

સવાલઃ વર્તમાન ગઠબંધનમાં તિરાડ પડતી જોવા મળી રહી છે. ટીડીપી તો તમારો સાથ છોડી જ ચૂકી છે. શિવસેના પણ દુઃખી રહે છે તમારાથી. પાસવાન પણ પીડા જાહેર કરતા રહે છે. તમને શું લાગે છે, એવામાં કેટલી પાર્ટીઓ ૨૦૧૯ સુધી તમારો સાથ આપી શકશે?

જવાબઃ અમે ૨૦૧૯ની ચૂંટણીમાં ૨૦૧૪થીક વધુ સાથીઓ સાથે જઇશું.

સવાલૅં એવું માનવામાં આવે છે કે મોદીજીની કામ કરવાની શૈલીમાં દ્યણી બધી પાર્ટીઓને સાથે લઇને ચાલવાનું મુશ્કેલ થશે.

જવાબઃ અરે ભાઈ, ચાલી જ રહ્યા છીએ, ચાર વર્ષ થઇ ગયા.

સવાલઃ અનેક જગ્યાઓએ સીટ્સ ઓછી જીત્યા છો, તો પણ સરકાર બનાવી લો છો?

જવાબઃ કયાં?

સવાલઃગોવા, મણિપુર, મેદ્યાલય, નાગાલેન્ડ

જવાબઃ મણિપુરમાં સૌથી મોટી પાર્ટી કઇ છે? મેદ્યાલયમાં સૌથી મોટી પાર્ટી કઇ છે? અમારી છે ભાઈ. તો જે સૌથી મોટી પાર્ટી છે, તેને બીજા લોકો સમર્થન કરે છે, તો સરકાર બનશે જ. મને એક વાત જણાવો, અમે મણિપુરમાં સરકાન ન બનાવત તો કોણ સરકાર બનાવત? કોંગ્રેસની સરકાર બનત. તેમની પાસે પણ બહુમત છે? તો તેઓ પણ ખોટું જ કરતા. બધા ખોટું કરતા. સરકાર તો કોઇની ને કોઇની બને જ છે. આ જોવાનો દ્રષ્ટિકોણ યોગ્ય નથી. જે પાર્ટીને સૌથી વધુ સીટ્સ મળે છે, તેને કોઇને કોઇ સમર્થન કરે છે અને સ્ટ્રેન્થથી વધુ તેમના ગઠબંધનની સીટ હોય છે તો સરકાર તેમની જ બને છે. તેમાં અનૈતિક શું છે?

સવાલઃ ટુંક સમયમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્ત્।ીસગઢમાં ચૂંટણી થશે. એન્ટિ ઇન્કમ્બન્સીનો પડકાર સામે હશે?

જવાબઃ ૧૦ વર્ષ, ૫ વર્ષ અથવા કેટલા વર્ષની એન્ટિ ઇન્કમ્બન્સી માનો છો તમે. ૧૦ વર્ષમાં કેમ ન આવી એન્ટિ ઇન્કમ્બન્સી? બે સરકારો તો ૧૦ વર્ષથી ચાલી રહી છે ને! તો ૧૫ પણ નહીં આવે.

સવાલઃ યુપીમાં આ વખતે જો બીએસપી અને એસપી સાથે આવે છે તો તમારા માટે બહુ મુશ્કેલી થઇ શકે છે.

જવાબઃ અમારી પાસે હજુ એક વર્ષ છે. અમે ૫૦ ટકાની લડાઇ માટે ટીમને તૈયાર કરી રહ્યા છીએ. આ વખતે પણ દિલ્હીનો રસ્તો યુપી થઇને જ જશે.

સવાલઃ તમે યુપી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્ત્।ીસગઢ અને ગુજરાત જેવા રાજયોમાં બહુ સારા નંબર્સ સાથે છો. માનવામાં આવી રહ્યું છે કે આ રાજયોમાં તમારી સીટ્સ ઓછી હશે. ભરપાઇ કયાંથી કરશો?

જવાબઃ દેશમાં ૨૦૦ સીટ્સ એવી છે જે બીજેપીએ નથી જીતી. ત્યાંથી ભરપાઇ કરીશું.

સવાલઃ અમિતજી એક તરફ આપણે બધા બહુ આગળ જવાની વાત કરીએ છીએ... સાયન્સ- ટેકનોલોજીની વાત કરીએ છીએ. બીજી બાજુ ચૂંટણીપ્રચારમાં મુદ્દા બને છે - શાહ જૈન છે કે હિંદુ... રાહુલ બ્રાહ્મણ છે કે નહીં. તેને તમે કેવી રીતે જુઓ છો?

જવાબઃ આ પ્રચાર કોણે કર્યો? આ બંને સવાલ કોણે ઉઠાવ્યા? અમે નથી ઉઠાવ્યા. તો તમારા સવાલનું એડ્રેસ ખોટું છે. મારા પક્ષે આ સવાલ નથી ઉઠાવ્યા.

સવાલઃ હાલ ન્યાયપાલિકામાં જે સંદ્યર્ષ ચાલી રહ્યો છે તેને તમે કેવી રીતે જુઓ છો?

જવાબઃ જુઓ, કોંગ્રેસની કમિટેડ જયુડિશરીની આદત છે, ઈન્દિરાજીના સમયથી. વારસાગત આદત છે અને પહેલી વખત જજોની સિનિયોરિટીને બદલીને ચીફ જસ્ટિસ બનાવવાનું કામ પણ ઈન્દિરાજીએ જ કર્યું હતું. જયારે તેમણે બંધારણ તોડવા-મરોડવાનું શરૂ કર્યું ત્યારે કેશવાનંદ ભારતીનું ઐતિહાસિક જજમેન્ટ સુપ્રીમકોર્ટે આપવું પડ્યું હતું. પરંતુ વિપક્ષમાં રહીને પણ કમિટેડ જયુડિશરી માટે કેવા પ્રયત્નો કરી શકાય તેનું નવું ઉદાહરણ કોંગ્રેસે દેશની લોકશાહીમાં રજૂ કર્યું છે.

સવાલઃ સીજેઆઇ વિરુદ્ઘ મહાભિયોગ આવે છે, પહેલીવાર...

જવાબઃ (સવાલ વચ્ચે જ કાપતા...) હું એ જ કહી રહ્યો છું... આ બધું કોંગ્રેસના કમિટેડ જયુડિશરી માટે ડેસપ્રેટ એફર્ટ છે.

સવાલઃ જજોના નામ પાછાં મોકલાઈ રહ્યા છે?

જવાબઃ અનેક સરકારોએ પાછાં મોકલ્યાં છે. આ ચૂંટાયેલી સરકારનો બંધારણીય અધિકાર છે. ઈન્દિરાજીના સમયે તો સુપ્રીમકોર્ટના ત્રણ જજોનાં રાજીનામાં જ અપાઈ ગયાં હતાં.

સવાલઃ છેલ્લી લોકસભા ચૂંટણીના ઢંઢેરામાં ભાજપે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાની વાત કરી હતી પરંતુ પક્ષ કહે છે કે હવે એવો કોઈ ઈશ્યુ નથી.

જવાબઃ પક્ષે નથી કહ્યું કે આવો ઈશ્યુ નથી. જમ્મ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા છે. સરકાર કોમન મિનિમમ પ્રોગ્રામથી ચાલી રહી છે.

સવાલઃ એવું કેમ લાગે છે કે દલિત સમાજ સાથે સંકળાયેલા મુદ્દા મોદી સરકાર બાદ ચર્ચામાં આવ્યાં?

જવાબઃ તેનાં બે કારણ છે. પહેલું મોદીજીએ દલિતોના કલ્યાણ માટે અનેક યોજનાઓ ચલાવી છે. ઉજ્જવલાની યોજના હેઠળ અમે ગેસ આપીએ છીએ તો દલિતોને સ્વાભાવિકરૂપે ફાયદો મળે છે, કારણ કે ગરીબી ત્યાં વધુ છે. શૌચાલય બનાવીએ છીએ તો તેનો લાભ પણ દલિતોને સૌથી વધુ મળે છે. મુદ્રા બેન્ક અને સ્ટેન્ડઅપની લોન તો એકસકલુઝિવ ગરીબો માટે જ છે. મુદ્રા બેન્કમાં પ્રાથમિકતા દલિતોને અપાય છે. તેના કારણે દલિતોનો મુદ્દો ચર્ચામાં આવ્યો. આ તો પોઝિટિવ કારણ છે. બીજું કારણ એ છે કે ૨૦૧૪ બાદ કોંગ્રેસની દેશમાં ૧૧ રાજયોમાંથી સરકારો જતી રહી છે. તેના કારણે ડેસપ્રેટ થઈ જાતિવાદી રાજકારણ કરવા માટે કોંગ્રેસે આ બધા પ્રયાસ કર્યા છે. આ બે કારણોથી દલિત ચર્ચામાં છે. અમે આંબેડકરજીનું સ્મારક બનાવીએ છીએ, તેમના માટે વિશેષ સત્ર બોલાવીએ છીએ, આંબેડકરજીના નામ પર સિક્કા બહાર પાડીએ છીએ તો દલિતનો મુદ્દો આવે જ છે.

સવાલઃ આગામી સવાલ જે હું કરવા જઈ રહ્યો છું તેના કોઈ સીધા પુરાવા નથી મારી પાસે અને તમે ધારણાઓ માનતા નથી, પરંતુ એક વાત ખૂબ જ ચર્ચામાં છે કે... તમે જવાબ આપવાનું પસંદ ન કરો તો કોઈ વાત નહીં... વિપક્ષને, મીડિયાને અને જયૂડિશરીને ખૂબ જ સપ્રેસ કરાઈ રહ્યા છે.

જવાબઃ તેમાં કોઈ હકીકત નથી. કોંગ્રેસનો દુષ્પ્રચાર છે.

(3:50 pm IST)