Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ વખતે ભાજપના અધ્‍યક્ષપદે વજુભાઇ વાળા હતાં અને વડાપ્રધાનપદે દેવગૌડા હતાં: જેમણે ગુજરાત વિધાનસભાને વિખેરી નાખવા રાષ્‍ટ્રપતિને સલાહ આપી હતી

બેંગ્લુરૂઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ રાજકીય ઉથલપાથલનો માહોલ જોવા મળ્યો હતો. આવો જ કંઇક માહોલ ૨૨ વર્ષ પહેલા વજુભાઇ વાળા જ્યારે પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ તરીકે ગુજરાતમાં કામગીરી કરી રહ્યા હતા તેવા સમયે વડાપ્રધાનપદે અેચ.ડી. દેવગૌડા હતાં, જેમણે ગુજરાત વિધાનસભાને વિખેરવાની સલાહ રાષ્‍ટ્રપતિને આપી હતી.

સત્તાની ખેંચાખેંચ વચ્ચે કર્ણાટકનું રાજકારણ ખૂબ જ અનોખા સંજોગોમાંથી પણ પસાર થઇ રહ્યું છે. આજની સ્થિતિમાં કર્ણાટકના રાજકારણમાં બે મહત્વના પાત્ર છે પૂર્વ પીએમ એચ.ડી.દેવગૌડા જેમની પાર્ટી જેડીએસ કૉંગ્રેસના સમર્થન બાદ કિંગમેકરમાંથી કિંગની ભૂમિકામાં છે. અને બીજી બાજુ છે રાજ્યપાલ વજુભાઈ વાળા, જે નક્કી કરશે કે સરકાર બનાવાનો પહેલો હક કોને મળવો જોઈએ.

રસપ્રદ વાત એ છે કે ઠીક 22 વર્ષ પહેલાં આ બંને પાત્રોની હાજરીમાં રાજકારણમાં કંઇક આવી જ સ્થિતિ સર્જાઈ હતી. જોકે, આ સ્થિતિ ત્યારની સ્થિતિથી તદ્દન ઉલટી છે. ત્યારે દેવગૌડા દેશના વડાપ્રધાન હતા અને વજુભાઇ ગુજરાત ભાજપના અધ્યક્ષ. ત્યારે પીએમ દેવગૌડાની ભલામણ પર ગુજરાતમાં ભાજપની સરકારે સત્તા ગુમાવી હતી. સોશિયલ મીડિયા પર રાજકારણનો આ સંજોગ ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જાણો શું થયું હતું તે સમયે

1996માં ગુજરાતમાં પૂર્વ ભારતીય જનતા પાર્ટી નેતા શંકર સિંહ વાઘેલાએ પાર્ટી છોડતા સુરેશ મહેતાનું નેતૃત્વ કરતી ભાજપ સરકાર પર સંકટ આવી ગયું હતું. ગૃહમાં પાર્ટીને પોતાની બહુમતી સાબિત કરવાની હતી, પરંતુ ત્યારે હિંસા સુદ્ધાં થવા લાગી હતી. પાર્ટીએ પોતાની બહુમતી રજૂ કરી પરંતુ સ્પીકરે વિપક્ષને સસ્પેંડ કરી દીધો. તેના એક દિવસ પછી રાજ્યપાલે રાષ્ટ્રપતિને પત્ર લખીને રાજ્ય વિધાનસભાનું વિસર્જન કરવાની ભલામણ કરી દીધી.

રાષ્ટ્રપતિએ તત્કાલીન વડાપ્રધાન દેવગૌડાની સલાહ પર ગૃહનું વિસર્જન કરી દીધું. ત્યારબાદ વાઘેલા એક વર્ષ માટે સીએમ બન્યા અને ત્યાર બાદ કૉંગ્રેસે તેમને સમર્થન પાછું લઇ લીધું, આખરે ફરીથી ચૂંટણી થઇ અને ભાજપ ફરીથી સરકારમાં આવી ગઇ. દિલચસ્પ વાત એ છ કે જે સમયે આ ઉથલપાથલ ગુજરાતમાં થઇ રહી હતી ત્યારે રાજ્યના ભાજપના અધ્યક્ષ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા હતા અને તે વખતના પીએમ દેવગૌડાને ગુજરાતની વિધાનસભાને વિખેરી નાખવાની સલાહ રાષ્ટ્રપતિને આપી હતી.

હવે 22 વર્ષ બાદ કર્ણાટકમાં એવી સ્થિતિ બની છે કે દેવગૌડાના નાના દીકરા કુમારસ્વામીની પાસે મુખ્યમંત્રી બનવાની તક છે અને આ વાતનો નિર્ણય એ વ્યક્તિને કરવાનો છે જેના પક્ષને સત્તામાંથી બહાર કરવા માટે દેવગૌડાએ 22 વર્ષ પહેલા દાવ રમ્યો હતો. સૌશિયલ મીડિયા પર ઇતિહાસની આ ઘટનાની ખૂબ ચર્ચા અને શેર થઇ રહી છે. લોકો આને કૉંગ્રેસનું કર્મ ગણાવે છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ માધવે પણ આ ઘટનાનો ઉલ્લેખ ફેસબુક પર કર્યો છે.

કર્ણાટકમાં એકેય પક્ષને બહુમતી ન મળતા રાજકીય નાટક હજુય ચાલુ જ છે. ભાજપના વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટી કઢાયેલા યેદિયુરપ્પાએ સરકાર બનાવવાનો દાવો કર્યો છે, ત્યારે ચૂંટણી બાદ એક થયેલા કોંગ્રેસ અને જેડીએસ પણ નીતિ બનાવવામાં લાગેલા છે. બંને પક્ષોએ ભાજપ પર તેમના ધારાસભ્યોને તોડવાનો આરોપ લગાવ્યો છે.

(12:00 am IST)