Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

કોલંબોમાં પોર્ટ સીટી સામે કોર્ટમાં ડઝન અરજીઓ

કોલંબોમાં ચીન દ્વારા પોર્ટ સિટી બનાવવાનો વિરોધ : રાજપક્ષે સરકારે ગત સપ્તાહે સંસદમાં કોલંબો પોર્ટ સિટી ઈકોનોમિક કમિશન નામનું એક બિલ રજૂ કર્યું હતું

નવી દિલ્હી, તા.૧૭ : શ્રીલંકામાં ચીન વિરૂદ્ધ બળવો શરૂ થઈ ગયો છે. શ્રીલંકાની રાજધાની કોલંબો ખાતે ચીન દ્વારા પોર્ટ સિટી બનાવવાના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં અનેક ડઝન અરજીઓ દાખલ કરવામાં આવી છે. શ્રીલંકાના વિપક્ષી દળો, સિવિલ સોસાયટી અને મજૂર સંઘ વગેરે ચીન સમર્થિત પરિયોજનાને પડકારવા કોર્ટ પહોંચ્યા છે. કોર્ટમાં સોમવારે આ મામલે સુનાવણી થવાની છે.

હકીકતે શ્રીલંકાની રાજપક્ષે સરકારે ગત સપ્તાહે સંસદમાં કોલંબો પોર્ટ સિટી ઈકોનોમિક કમિશન નામનું એક બિલ રજૂ કર્યું હતું. તેમાં કોલંબોના દરિયા કિનારે ૧.૪ અબજ ડોલરના ખર્ચે 'પોર્ટ સિટી' બનાવવાનો પ્રસ્તાવ છે. શ્રીલંકાની વિપક્ષી પાર્ટી યુનાઈટેડ પીપલ્સ ફ્રન્ટ (એસજેબી), જનતા વિમુક્તિ પેરમૂના (જેવીપી), યુનાઈટેડ નેશનલ પાર્ટી (યુએનપી), કોલંબોના એનજીઓ સેન્ટર ફોર પોલિસી ઓલ્ટરનેટિવ્સ અને શ્રમિક સંગઠનોએ પોર્ટ સિટીની બંધારણીય માન્યતા સામે સવાલ કરીને આ બિલને કોર્ટમાં પડકાર્યું છે. જો કે, શ્રીલંકાની સરકાર તેને વિદેશી રોકાણનું માધ્યમ ગણાવી રહી છે.

પોર્ટ સિટી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મહત્વાકાંક્ષી પરિયોજના છે. સપ્ટેમ્બર ૨૦૧૪માં જિનપિંગના શ્રીલંકાના પ્રવાસ દરમિયાન આ પરિયોજનાની જાહેરાત કરવામાં આવી હતી. તે સમયે મહિંદા રાજપક્ષે શ્રીલંકાના રાષ્ટ્રપતિ હતા. જો કે, આ જાહેરાતના થોડા સમય બાદ મૈત્રિપાલ સિરિસેના રાષ્ટ્રપતિ બની ગયા હતા. જ્યારે રાજપક્ષે ફરી સત્તામાં આવ્યા તો તેમણે આ પરિયોજના પર કામ શરૂ કરવાનું વચન આપ્યું હતું. રાજપક્ષે પ્રશાસનના કહેવા પ્રમાણે આ પ્રોજેક્ટ દ્વારા શ્રીલંકામાં ૧૫ અબજ ડોલરનું વિદેશી રોકાણ આવશે.

(7:24 pm IST)