Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

બંગાળમાં ચૂંટણીમાં હિંસા : મતદાન કેન્દ્ર બહાર વિસ્ફોટ

પથ્થરમારાની પણ ઘટના બની : બીજેપી - ટીએમસીના કાર્યકરો વચ્ચે અથડામણ

નવી દિલ્હી, તા. ૧૭ : કોરોનાના સંકટ વચ્ચે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે. પાંચમા તબક્કાના મતદાન અંતર્ગત શનિવાર સવારથી જ રાજયની ૪૫ વિધાનસભા બેઠકો ખાતે મતદારોની લાઈન લાગી છે. મતદાનના સમય દરમિયાન બૂથના ૨૦૦ મીટરના ક્ષેત્રમાં કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે.

મતદાન વચ્ચે તૃણમૂલ કોંગ્રેસે મિનાખાના ખાતે બૂથ નંબર ૧૧૪ પર બોમ્બ વડે હુમલો થયો હોવાનો દાવો કર્યો છે. ટીએમસીએ ફોટો શેર કરીને આઈએસએફ કેડર પર બોમ્બમારાનો આરોપ લગાવ્યો છે અને તેમના બે કાર્યકરો ઘાયલ થયા હોવાનું જાહેર કર્યું છે.આ તરફ વર્ધમાન ખાતે ભાજપે ટીએમસી પર પોતાના એજન્ટ સાથે મારપીટનો આરોપ લગાવ્યો છે.

ટીએમસી પોતાના કાર્યકરો પર હુમલાની અને તેમને મતદાન કરતા રોકવામાં આવતા હોવાની ફરિયાદ કરી છે. વર્ધમાન ખાતે ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી. બંને પક્ષના કાર્યકરોએ ભારે પથ્થરમારો કર્યો હતો અને એકબીજા પર ફોલ્સ વોટિંગનો આરોપ લગાવ્યો હતો.

પાંચમા તબક્કાના મદતદાનમાં ૪૫ વિધાનસભા બેઠકો માટે કુલ ૩૪૨ ઉમેદવારો મેદાનમાં છે. આ તમામ બેઠકો ઉત્તર ૨૪ પરગણા, પૂર્વ વર્ધમાન, નાદિયા, જલપાઈગુડી, દાર્જિલિંગ અને કાલિમ્પોંગ જેવા જિલ્લાઓની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે ટ્વીટ કરીને પશ્ચિમ બંગાળના મતદારોને ભારે સંખ્યામાં મતદાન કરવા વિનંતી કરી હતી.

કોરોના વાયરસના કારણે વણસી રહેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે નવા આકરા આદેશો જાહેર કર્યા છે. આદેશ પ્રમાણે હવેથી કોઈ પણ પોલિટિકલ પાર્ટી સાંજે ૭ કલાક બાદ બંગાળમાં રેલી કે પ્રચાર નહીં કરી શકે. એટલું જ નહીં, હવેથી મતદાનના ૭૨ કલાક પહેલા જ ચૂંટણી પ્રચાર પૂરો કરી દેવો પડશે. અગાઉ આ સમય મર્યાદા ૪૮ કલાકની હતી.

પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધીમાં ૧૩૫ ક્ષેત્રની ચૂંટણી થઈ ચુકી છે અને બાકીની ૧૫૯ બેઠકો પર ૧૭થી ૨૯ એપ્રિલ દરમિયાન ૪ તબક્કામાં મતદાન થશે. શનિવારે પશ્ચિમ બંગાળ ઉપરાંત ૬ રાજયોમાં પણ મતદાન થશે જયાં ૯ વિધાનસભા બેઠકો અને એક લોકસભા બેઠક માટે પેટાચૂંટણી છે.

(3:59 pm IST)