Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

કોરોના સંકટને જોતા કુંભને પ્રતિકાત્મક રાખો

વડાપ્રધાન મોદીની સાધુ સંતોને અપીલ : શાહીસ્નાન હવે ખતમ કરો

નવી દિલ્હી તા. ૧૭ : હરિદ્વારમાં ચાલી રહેલા કુંભમાં સાધુ સંતો અને શ્રદ્ઘાળુઓમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યુ છે. આ ઘટના બાદ પ્રશાસન આખરે હરકતમાં આવ્યુ છે. કેટલાય અખાડા પહેલાથી કુંભમાંથી વાપસી કરી રહ્યા છે. જેને લઈને આજે પ્રધાનમંત્રી મોદીનું પણ મોટુ નિવેદન આવ્યુ છે.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ હતું કે, આચાર્ય મહામંડલેશ્વર પૂજય સ્વામી અવધેશાનંદ ગિરીજી સાથે આજે ફોન પર વાત કરી. તમામ સંતોના હાલચાલ જાણ્યા. તમામ સંતગણ પ્રશાસનને દરેક પ્રકારે સહયોગ કરે છે. મેં તેના માટે સંત જગતનો આભાર વ્યકત કર્યો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યુ હતું કે, મેં પ્રાર્થના કરી છે કે, શાહી સ્નાનને ખતમ કરવામાં આવે, અને હવે કુંભમાં કોરોનાના સંકટને જોતા પ્રતિકાત્મક જ રાખવામાં આવે. તેનાથી આ સંકટની લડાઈમાં વધુ એક તાકાત મળશે.

તો વળી વડાપ્રધાન મોદીના નિવેદન બાદ મહામંડલેશ્વર અવધેશાનંદ ગિરીએ કહ્યુ હતું કે, માનનીય પ્રધાનમંત્રીજીના આહ્વાનનું અમે સન્માન કરીએ છીએ. સ્વયં અને અન્યોની જીવની રક્ષા એક પુણ્ય છે. મારુ ધર્મ પરાયણ જનતાથી આગ્રહ છે કે, કોવિડની પરિસ્થિતીને જોતા તમામ પ્રકારના નિયમોનું પાલન કરો.

(11:41 am IST)