Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

ભારે કરી ... પહેલા હરખપદુડા થઇને રસીની નિકાસ કરી : હવે આયાત કરવી પડે તેવી સ્થિતી

૧૨ દિવસમાં જ પલ્ટાઇ ગઇ સ્થિતી : નિકાસકારને બદલે આયાતકાર બન્યું ભારત

નવી દિલ્હી,તા. ૧૭: દુનિયાભરમાં લાખો કોરોના વેકસીન મોકલ્યા પછી ભારત અત્યારે પોતે રસીની અછતનો સામનો કરી રહ્યુ છે. ભારતમાં હાલતમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. પરિસ્થિતીઅ છે કે દેશમાં કોરોનાના રોજના ૨ લાખથી વધારે કેસો આવી રહ્યા છે. ત્યારે સરકાર ઇચ્છે છે કે જેમ બને તેમ જલ્દી લોકોનું રસીકરણ કરવામાં આવે.

દેશમાં વધતા કોરોના કેસ અને હોસ્પિટલોમાં ઓછા પડતા બેડ વચ્ચે સરકાર અત્યારે વિદેશથી રસી આયાત કરી રહી છે. સરકારે હાલમાં જ સ્પુતનીક -૫ના ઉપયોગની મંજુરી આપી હતી. કેન્દ્ર સરકાર રશીયાથી તેની આયાત પણ કરી રહી છે. આયાત કરાઇ રહેલી રસીઓમાં ફાઇઝરની રસીનું નામ પણ છે. રસીની આ અછતથી ભારતની કોરોના સામેની લડાઇ પરતો અસર પડી જ છે એટલુ જ નહીં પણ દુનિયામાં કેટલાય દેશોને રસી ઉપલબ્ધ કરાવનાર ભારતનો રસીકરણ કાર્યક્રમ પણ તેનાથી અસરગ્રસ્ત થયો છે.

ભારત વિશ્વભરમાં રસીનું સૌથી મોટુ સપ્લાયર છે. ભારતે આ મહીને ફકત ૧૨ લાખ ડોઝની આયાત કરી છે. જ્યારે તે પહેલા જાન્યુઆરી અને માર્ચ વચ્ચે તેણે ૬ કરોડથી વધારે રસી નિકાસ કરી હતી. દેશની રસીકરણ નીતિના જાણકાર જણાવે છે કે દેશમાં હાલમાં રસીનો ઉપયોગ ઘરેલુ વપરાશ માટે જ કરાશે.

વિશ્વના કેટલાય દેશ જે ભારત પર નિર્ભર હતા તેઓ પણ આના લીધે બહુ ચિંતીત છે. ખાસ કરીને કેટલા આફ્રિકન દેશ આ વાતથી બહુ પરેશાન છે. જાણકારોનું કહેવુ છે કે કોરોના રસીનું ઉત્પાદન ઓછુ થવું અને કોરોનાની બીજી લહેર અચાનક આવી જવાના કારણે આ પરિસ્થિતી ઉભી થઇ છે.

(10:54 am IST)