Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

હવે સિદ્ધુ પર ચાલ્યો ચૂંટણી કમિશનનો દંડો,ધર્મના નામે મત માંગવા મામલે કેસ થયો

નવીદિલ્હી,તા.૧૭: કોગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ સામે બિહારના કટિહારમાં ચૂંટણી રેલી દરમિયાન આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનનો કેસ નોંધવામાં આવ્યો છે. પોતાના નિવેદનોના કારણે હંમેશા સમાચારોમાં રહેનાર પંજાબ સરકારમાં મંત્રી અને કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ મંગળવારે કટિહારમાં રેલી દરમિયાન મુસ્લિમોને એક થઈને કોંગ્રેસના પક્ષમાં મત આપવાની અપીલ કરી હતી.

નવજોત સિંહ સિદ્ધુના આ વિવાદિત નિવેદન બાદ આદર્શ આચાર સંહિતાના નોડલ અધિકારી અમિત કુમાર પાંડેયે આની નોંધ લઈને સ્થાનિક અધિકારી પાસે ભાષણની સીડી માંગી હતી. વળી, ભાજપે પણ સિદ્ધુના નિવેદન પર વાંધો વ્યક્ત કરીને ચૂંટણી કમિશનને આના સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

તમને જણાવી દઈએ કે નવજોત સિંહ સિદ્ધુની જેમ બસપા સુપ્રીમો માયાવતીએ દેવબંધની રેલીમાં મુસ્લિમો પાસે મહાગઠબંધનને મત આપવાની અપીલ કરી હતી જે બાદ ચૂંટણી કમિશને કડક પગલાં લઈને તેમના પ્રચાર પર ૪૮ કલાકની રોક લગાવી દીધી છે. કટિહાર રેલીમાં નવજોત સિદ્ધુએ કહ્યુ હતુ, 'હું તમને બધાને ચેતવવા આવ્યો છુ મુસ્લિમ ભાઈઓ. તમે ૬૪ ટકા વસ્તી છો અહીં, તમે મારી પાઘડી છો. તમે બધા લોકો પંજાબમાં કામ કરવા જાવ છો. તમને અમારે ત્યાં પ્રેમ મળે છે, આ લોકો વહેંચી રહ્યા છે તમને. મુસ્લિમ ભાઈઓ, આ અહીં ઓવેસી જેવા લોકોને ઉભા કરીને તમારા મતોને વહેંચીને જીતવા ઈચ્છે છે.'

સિદ્ધુએ કહ્યુ, '૬૪ ટકા તમારી વસ્તી છે. જો તમે ભેગા થયા અને એક થઈને મત આપ્યા તો બધુ પલટી જશે, મોદી ઉલટાઈ જશે. મોદીને બાઉન્ડ્રીને પાર કરી દો.' બિહારની ૪૦ લોકસભા સીટો પર ૭ તબક્કામાં મતદાન થઈ રહ્યુ છે. પહેલા તબક્કામાં રાજ્યની ૪ સીટો પર મતદાન ૧૧ એપ્રિલે થયો હતો. બાકીની સીટો પર બાકીના૬ તબક્કામાં મતદાન થશે. વળી, ચૂંટણી પરિણામ ૨૩ મેના રોજ ઘોષિત કરવામાં આવશે.

(3:59 pm IST)