Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

રોકડ કટોકટી : ૫૦૦ રૂપિયાની નોટની પ્રિન્ટિંગ અનેક ગણી થઈ

નોટની કોઇપણ કમી નથી : દેશના લોકોને સરકારની ખાતરીઃ સરકારની પાસે હાલમાં આશરે બે લાખ કરોડ રૂપિયાનો ભંડાર છે : આગામી દિવસોમાં દરરોજ ૨૫૦૦ કરોડના મૂલ્યની ૫૦૦ની નોટની આવશે : ગર્ગ

નવી દિલ્હી,તા. ૧૭: દેશના જુદા જુદા ભાગોમાં હાલમાં ઓટોમેટેડ ટેલર મશીન અથવા તો એટીએમમાં રોકડની કટોકટીને લઇને ચિંતા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે આજે ખાતરી આપી હતી કે ૫૦૦ રૂપિયાની નોટની પ્રિન્ટિંગને વધારીને પાંચ ગણી કરવામાં આવી રહી છે. કોઇ પણ જગ્યાએ રોકડની તકલીફ ન રહે તેવા પગલા લેવામાં આવી રહ્યા છે. આર્થિક બાબતોના વિભાગના સેક્રેટરી એસસી ગર્ગે આજે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યુ હતુ કે ૧૦-૧૫ દિવસ પહેલા સુધી અમે દરરોજ ૫૦૦ રૂપિયાની નોટના ૫૦૦ કરોડની મુલ્યની નોટ પ્રિન્ટ કરી રહ્યા હતા. જો કે હવે ૫૦૦ રૂપિયાની નોટની પ્રિન્ટિંગને વધારી દેવામાં આવી છે. હવે ૫૦૦ રૂપિયાના દરની ૨૫૦૦ કરોડના મુલ્યની નોટ દરરોજ પ્રિન્ટ કરવા જઇ રહ્યા છીએ. એક મહિનાની અંદર સપ્લાયની સ્થિતી પણ સારી રહી છે. ગર્ગે કહ્યુ હતુ કે ૨૦૦ રૂપિયાની નોટ પ્રિન્ટ કરવાની ગતિ પણ સારી રહી છે. બીજી બાજુ ૧૦૦ રૂપિયા, ૫૦ રૂપિયા, ૨૦ રૂપિયાની નવી નોટ અમારી પાસે સ્ટોકમાં છે. તેમણે કહ્યુ હતુ કે નાની નોટ ઓછા પ્રમાણમાં છાપવામાં આવી રહી છે. તેમણે કહ્યુ હતુ કે નોટની માંગ કેટલી પણ કેમ ન હોય કોઇ કમી આવશે નહી. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યુ હતુ કે હવે ૨૦૦૦ રૂપિયાની નોટ પ્રિન્ટ કરવામાં આવી રહી નથી. કેટલાક રાજ્યોમાં એટીએમ ખાલીખમ હોવાની વાત પર ગર્ગે કહ્યુ હતુ કે દેશભરમાં દર મહિને ૨૦ હજાર કરોડ રૂપિયાની નોટની સામાન્ય માંગ રહે છે. જો કે છેલ્લા થોડાક દિવસમાં કેટલાક વિસ્તારોમાં નોટની માંગ અભૂતપૂર્વ રીતે વધી ગઇ છે. ગર્ગે કહ્યુ છે કે આ મહિનામાં ૧૨-૧૩ દિવસમાં જ ૪૫ હજાર કરોડન કરેન્સીનો ઉપયોગ વધ્યો છે. નોટની એકાએક વધી ગયેલી માંગના કારણનો ઉલ્લેખ કરતા ગર્ગે કહ્યુ હતુ કે લોકો અફવાનો શિકાર થઇને ઉતાવળમાં પૈસા ઉપાડી રહ્યા છે. તેમને એવી દહેશત છે કે આગામી દિવસોમાં નાણાંની કટોકટી સર્જાનાર છે. ગર્ગે કહ્યુ હતુ કે અમે દેશના લોકોને ખાતરી આપવા માંગીએ છીએ કે નોટની કોઇ કમી નથી. નોટબંધી વેળા ૧૭.૫૦ લાખ કરોડ મુલ્યના નોટ સર્ક્યુલેશનમાં આવ્યા હતા. પરંતુ  હાલમાં ૧૮ લાખ કરોડની નોટ છે. એટલે કે ૯૦ કરતા પણ વધારે નોટ બજારમાં છે. સહિત કેટલાક રાજ્યોમાં ફરી એકવાર રોકડ કટોકટી જોવા મળી રહી છે. રોકડ કટોકટીના કારણે લોકો પરેશાન દેખાઇ રહ્યા છે. નોટબંધી વેળા દેશભરમાં લોકોને લાઇનમાં ઉભા રહેવાની ફરજ પડી હતી. હજુ એ દિવસો દુર થયા નથી ત્યારે ફરી એકવાર વિકટ સમસ્યા સર્જાઇ રહી છે.

આંધ્રપ્રદેશ, તેલંગણા અને મધ્યપ્રદેશમાં પણ રોકડની કટોકટી હવે જોવા મવી રહી છે. જુદા જુદા વિસ્તારોમાં એટીએમમાં પૈસા નથી તેવા બોર્ડ લાગી ગયા છે. એટીએમ પર આવા બોર્ડના કારણે શહેરી વિસ્તારોમાં રહેતા લોકોની સાથે સાથે ગ્રામીણ વિસ્તારમાં લોકોની હાલત વધારે ખરાબ થઇ રહી છે. પૂર્વીય મહારાષ્ટ્ર, બિહાર અને ગુજરાતમાં પણ કેશની કટોકટી જોવા મળી રહી છે. નોટબંધી બાદ મોટા પાય.ે નોટો સર્કુયલેશનમાં આવી ગયા બાદ કેશની આ કટોકટી ચિંતા ઉપજાવે તેવી છે. નોટબંધી બાદ આશરે પાંચ લાખ કરોડ રૂપિયાની ૨૦૦૦ રૂપિયાની નોટ બજારમાં લાવવામાં આવી હતી. જેના કારણે આ સમસ્યા મોટા ભાગે દુર થઇ ગઇ હબતી. પરંતુ હવે ફરી એકવાર રોકડ કટોકટી સર્જાઇ રહી છે. આ સંબંધમાં બેંકોનુ કહેવુ છે કે આ સકંટ જમાખોરીના કારણે સર્જાયુ છે. આરબીઆઇના ડેટા મુજબ છઠ્ઠી એપ્રિલના દિવેસ ૧૮.૨ લાખ કરોડ રૂપિયાની કરેન્સી સર્કુયલેશનમાં હતી. આ આંકડો નોટબંધી પહેલા જે સ્થિતી હતી તેટલો હતો. નોટબંધી બાદ ફરી એકવાર કેશ પુરવઠો પહેલા જેવો થઇ ગયો હતો. ત્યારબાદ ડિજીટાઇજેશનના કારણે આનો ઉપયોગ પણ ઓછો થઇ ગયો હતો. પરંતુ કરેન્સીની અછત ચિંતા ઉપજાવે તેવી છે. આંધ્રપ્રદેશ અને તેલંગણામાં માર્ચમાં આ ફરિયાદ ઉઠી હતી. એ વખતે એવા હેવાલ આવ્યા હતા કે ફાયનાન્સિયલ રિઝોલ્યુશન એન્ડ ડિપોઝિટ બિલને લઇને ભ્રમની સ્થિતી સર્જાઇ હતી. જેથી નાણાં જમા કરનાર લોકોએ નાણાં ઉપાડી લીધા હતા. ગયા વર્ષની તુલનામાં વર્ષ ૨૦૧૮માં વિડ્રોલમાં ૧૦.૩ ટકાનો વધારો થયો છે.

(7:46 pm IST)