Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

મોદીએ બેંકિંગની સિસ્ટમને ખતમ કરી : રાહુલનો આક્ષેપ

દેશમાં રોકડ કટોકટી અંગે રાહુલના પ્રહારોઃ ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટ અમારા ખિસ્સામાંથી કાઢીને નિરવ મોદીના ખિસ્સામાં મોદીએ નાંખી દીધી છે

નવીદિલ્હી, તા. ૧૭: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશના કેટલાક રાજ્યોમાં ચાલી રહેલી રોકડ કટોકટીને લઇને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પ્રહારો કર્યા હતા. રાહુલે કહ્યું હતું કે, મોદીએ દેશના બેંકિંગ સિસ્ટમને બરબાદ કરી દેવામાં ભૂમિકા ભજવી છે. રાહુલે કહ્યું હતું કે, વડાપ્રધાને અમારા ખિસ્સામાંથી ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટ કાઢી લીધી છે અને નિરવ મોદીના ખિસ્સામાં નાંખી દીધી છે. રાહુલે બેંકિંગ કૌભાંડ ઉપરાંત રાફેલ મામલાને લઇને પણ કેન્દ્ર ઉપર પ્રહાર કર્યા હતા. રાહુલે કહ્યું હતું કે, આ બંને મામલા પર તેમને સંસદમાં ૧૫ મિનિટ બોલવાની તક આપવામાં આવે તો મોદી ગૃહમાં ઉભા થઇ શકશે નહીં. ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગાણા સહિત કેટલાક રાજ્યોમાં કેશ કરન્સીની કટોકટી જોવા મળી રહી છે. આ સંબંધમાં નાણામંત્રી અરુણ જેટલી દ્વારા પણ નિવેદન કરવામાં આવી ચુક્યું છે. જેટલીએ કહ્યું છે કે, દેશમાં જરૂર કરતા વધારે નોટ સરક્યુલેશનમાં છે પરંતુ કેટલાક રાજ્યોમાં અભૂતપૂર્વરીતે નોટની માંગ વધી છે.

રાહુલ ગાંધીએ આ મુદ્દાને લઇને કેન્દ્ર સરકાર ઉપર પ્રહાર કર્યા હતા. રાયબરેલી-અમેઠીના પ્રવાસે પહોંચેલા રાહુલે કહ્યું હતું કે, મોદી સરકારે બેંકિંગ વ્યવસ્થાને બરબાદ કરી દીધી છે. પીએનબી સ્કેમના સંદર્ભમાં નિરવ મોદીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, નિરવ મોદી ૩૦ હજાર કરોડ રૂપિયા લઇને ભાગી ગયા છે પરંતુ મોદીએ કોઇ વાત કરી નથી. અમને લાઈનોમાં ઉભા રહેવાની ફરજ પાડી હતી. અમારા ખિસ્સામાંથી ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટ લઇને નિરવ મોદીના ખિસ્સામાં નાંખી દેવામાં આવી છે. રાહુલે આક્ષેપ કરતા કહ્યું હતું કે, રાફેલ સોદામાં પણ મોટાપાયે અનિયમિતતા થઇ છે. આ વિષય ઉપર તેમને ૧૫ મિનિટ બોલવાની તક અપાશે તો મોદી ગૃહમાં ઉભા રહી શકશે નહીં. બીજી બાજુ કેન્દ્રીય નાણામંત્રી શિવ પ્રસાદે કહ્યું છે કે, નોટની કટોકટીને દૂર કરી લેવામાં આવી છે.

(7:45 pm IST)