Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

મુંબઇથી દિલ્હી ૧૨ કલાકમાં પહોચાશે

મહત્વનો એકસપ્રેસ-વે ગુજરાતના દાહોદથી પસાર થશેઃ ગુરૂગ્રામથી મુંબઇ એકસપ્રેસ-વે રૂ. ૬૦,૦૦૦ કરોડના ખર્ચે ત્રણ વર્ષમાં બની જશેઃ મુંબઇ-દિલ્હીનું અંતર ૧૪૫૦ કિ.મી. ઘટીને ૧૨૫૦ થઇ જશે

નવી દિલ્હી તા. ૧૭ : રાજધાની દિલ્હીથી જે કોઇને પણ રસ્તા માર્ગે મુંબઇ જવાનું હોય તો અત્યારે ૨૪ કલાકનો સમય લાગે છે, પરંતુ ટૂંક સમયમાં જ આ મુસાફરી તમે માત્ર ૧૨ કલાકમાં જ પૂરી કરી શકશો. સરકાર સાઇબર સિટી ગુરૂગ્રામથી મુંબઇની વચ્ચે એકસપ્રેસવે બનાવાની તૈયારી કરી રહ્યું છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે ૬૦,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ત્રણ વર્ષમાં બની જશે. આ એકસપ્રેસવે દેશના સૌથી પછાત જિલ્લા હરિયાણા અને મેવાત અને ગુજરાતના દાહોદમાંથી પસાર થશે.

આ એકસપ્રેસવે બનાતા દિલ્હીથી મુંબઇ વચ્ચેનું અંતર ૧૪૫૦ કિલોમીટરથી ઘટીને ૧૨૫૦ કિલોમીટર થઇ જશે. એટલું જ નહીં ૨૪ કલાકની જગ્યાએ અંદાજે ૧૨ કલાકમાં પહોંચી જવાશે. આ અંગે ગડકરીએ જણાવ્યું કે આ એકસપ્રેસવે માટે ડિસેમ્બર મહિનામાં કામ શરૂ થઇ જશે અને આવતા ત્રણ વર્ષની અંદર પૂરું થઇ જશે. આ એકસપ્રેસવે ગુરૂગ્રામના રાજીવ ચોકથી શરૂ થશે. ગડકરીએ કહ્યું કે આ સોહના બાઇપાસના હાલના અલાઇનમેંટ પર બનશે અને વડોદરા સુધી જશે.

ગડકરીએ કહ્યું કે આ એકસપ્રેસવેને બનાવા માટે વડોદરાથી સુરતની વચ્ચે કામ માટે ટેન્ડર રજૂ થઇ ચૂકયું છે, જયારે સુરતથી મુંબઇ માટે ટેન્ડર ટૂંક સમયમાં રજૂ થશે. તેમણે કહ્યું કે આ એકસપ્રેસવે રાજસ્થાન, હરિયાણા, અને મધ્યપ્રદેશના પછાત જિલ્લાઓના વિકાસની દ્રષ્ટિથી બનશે. કેટલાંય પછાત વિસ્તારો ગુરૂગ્રામની જેમ ચમકી શકશે. આ વિસ્તારોમાં ઔદ્યોગિક અને નાણાંકીય વિકાસથી નોકરીઓની તકો ઉભી થશે. અત્યારે અમે હાલના હાઇવને પહોળા કરવાની જગ્યાએ નવા રસ્તાનું નિર્માણ કરવામાં લાગ્યા છીએ.

તદઉપરાંત ગડકરીએ કહ્યું કે દિલ્હી-મુંબઇ એકસપ્રેસવે પ્રસ્તાવિત ચંબલ એકસપ્રેસવે ને પણ કનેકિટવિટી મળી શકશે. આ સિવાય જયપુર, કોટા, સવાઇ માધોપુર, ઉજ્જૈન, ગોધરા અને અમદાવાદ જેવા ડઝનબંધ શહેરોની કનેકિટવિટીને પણ શ્રેષ્ઠ કરશે. ગડકરીએ કહ્યું કે આ સિવાય ગુરૂગ્રામ અને વડોદરાની વચ્ચે હાઇ-સ્પીડ રેલવે કોરિડોર બનાવાની પણ તૈયારી છે.(૨૧.૨૩)

(4:47 pm IST)