Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

૩ દિવસમાં નાણાની અછત થશે પૂરીઃ કેન્દ્ર સરકારની ખાતરી

સરકારે દેશમાં કરન્સીની સ્થિતિ અંગે સમીક્ષા કરી છેઃ અચાનક રોકડની માંગ વધતા રોકડની અછત સર્જાય છેઃ જેટલીનું ટ્વિટ

નવી દિલ્હી તા. ૧૭ : કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલીએ કેટલાંક રાજયોમાં ઉભી થયેલ રોકડની અછત અંગેનું કારણ જણાવ્યું કે 'અચાનક કેશની માંગ વધતા' થયું છે. તેમણે કહ્યું કે દેશમાં જરૂરિયાત કરતાં વધુ નોટ સર્કુલેશનમાં છે અને બેન્કોમાં પણ પૂરતી નોટ ઉપલબ્ધ છે. નાણાં મંત્રીએ ટ્વીટ કરીને કહ્યું કે સરકારે દેશમાં કરન્સીની સ્થિતિ અંગે સમીક્ષા કરી છે.

બીજીબાજુ કેન્દ્રીય નાણાં રાજયમંત્રી શિવ પ્રસાદ શુકલે કહ્યું કે જે રાજયોમાં રોકડની અછત છે ત્યાં બીજા રાજયોની મુકાબલે ઓછી નોટ પહોંચી છે. તેમણે કહ્યું કે સરકાર જરૂરિયાત પ્રમાણે રાજયોની વચ્ચે નોટોનું યોગ્ય વિતરણ કરવાની દિશામાં પગલાં ઉઠાવી રહી છે.

'એક સમસ્યા છે કે કેટલાંક રાજયોની પાસે ઓછી કરન્સી છે જયારે બીજા રાજયોની પાસે વધુ. અમે ત્રણ દવિસમાં એ રાજયોમાં નોટ ટ્રાન્સફર કરી દઇશું જયાં હજુ મુશ્કેલી છે.' – શિવ પ્રસાદ શુકલ, કેન્દ્રીય નાણાં રાજયમંત્રી

શુકલએ કહ્યું કે અત્યારે અમારી પાસે ૧ લાખ ૨૫ હજાર કરોડની રોકડ કરન્સી છે. એક સમસ્યા છે કે કેટલાંક રાજયોની પાસે ઓછી કરન્સી છે જયારે બીજા રાજયોની પાસે વધુ છે. સરકારે રાજય સ્તર પર સમિતિની રચના કરી છે. ત્યાં આરબીઆઈએ પણ નોટોને એક રાજયમાંથી બીજા રાજયમાં મોકલવા માટે કમિટીની રચના કરી છે. નાણાં રાજયમંત્રીએ વિશ્વાસ વ્યકત કરાવ્યો છે જે રાજયોમાં નોટોની તંગી છે ત્યાં ત્રણ દિવસમાં જ નવો જથ્થો પહોંચી જશે.

વાત એમ છેકે આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મધ્યપ્રદેશમાં ગયા સપ્તાહે કેટલીય જગ્યાએ રોકડની અછત સર્જાતા ઉહાપોહની સ્થિતિ પેદા થઇ હતી. ગુજરાતમાં પણ છેલ્લાં બે દિવસથી રોકડની અછત સર્જાઇ છે. લોકો સમજી રહ્યા છે કે આખરે નવી નોટ ગઇ તો કયા ગઇ? પ્રશ્નો થઇ રહ્યા છે કે શું હજુ પણ કાળાનાણાંનો વેપાર ચાલી રહ્યો છે કે રિઝર્વ બેન્કે જ નોટોની સપ્લાય ઘટાડી દીધી છે.

રોકડની અછતના લીધે લોકોના અગત્યના કામ રોકાઇ ગયા છે. ઉત્તરપ્રદેશના વારાણસીમાં એક વ્યકિતએ મંગળવારે સવારે ૫-૬ એટીએમના ચક્કર લગાવ્યા બાદ કહ્યું કે તેમના બાળકોને એડમિશન કરાવા માટે પૈસા મળી રહ્યા નથી. સાથો સાથ રોજીદીં વસ્તુઓ અને શાકભાજી ખરીદવાના પણ પૈસા નથી.(૨૧.૨૩)

 

(3:55 pm IST)