Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

મને ૧૫ મિનિટ બોલવા દેવામાં આવે તો સંસદમાં ઉભા નહિ રહિ શકે વડાપ્રધાન મોદીઃ રાહુલ ગાંધી

રાહુલનું તડ ને ફડઃ નીરવ મોદી અને મેહુલ ચોકસી માટે 'અચ્છે દિન' આવ્યાઃ ખેડૂતો - મજુરો માટે નહિ

નવી દિલ્હી તા. ૧૭ : દેશમાં એક વાર ફરી રોકડનું સંકટ છે, એટીએમ અને બેંકોની બહાર ફરી લાંબી - લાંબી કતારો જોવા મળી રહી છે. સરકાર અને આરબીઆઇ અચાનક આવેલા આ સંકટથી અવાચક છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મુદ્દા પર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પર નિશાન સાધ્યું છે.

અમેઠીની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાને 'અચ્છે દિન'ના વાયદા કર્યા હતા પરંતુ દેશ એકવાર ફરી લાઇનમાં ઉભો છે. શું આ જ અચ્છે દિનના વાયદા કરવામાં આવ્યા હતા. રાહુલે કહ્યું કે, અમને સંસદમાં બોલવા દેવામાં આવતા નથી. શું આ જ અચ્છે દિનની વાત કરવામાં આવી રહી હતી. રાહુલે કહ્યું કે, અમને સંસદમાં બોલવા દેતા નથી, જો હું ૧૫ મિનિટ સંસદમાં ભાષણ આપુ તો વડાપ્રધાન અમારી સામે ઉભા નહિ રહિ શકો.

રાહુલે કહ્યું કે, અચ્છે દિન ફકત નિરવ મોદી અને મેહુલ ચોકસી માટે આવ્યા છે. ખેડૂતો અને મજુરો માટે ફકત બુરે દિન જ આવ્યા છે. રાહુલે કહ્યું કે, નિરવ મોદી લોકોના પૈસા લઇને ફરાર થઇ ગયો. વડાપ્રધાને ગરીબોના ૫૦૦ - ૧૦૦૦ની નોટ લઇને નીરવ મોદીને આપી પરંતુ તેઓએ એક શબ્દ પણ કહ્યો નથી.

ઉલ્લેખનીય છે કે, દેશના કેટલાક રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસથી નાણાની અછતના લીધે ફરી નોટબંધી જેવી સમસ્યા ઉભી થઇ છે. લોકોની વધતી જતી મુશ્કેલીને જોઇને અંતે રિઝર્વ બેંક અને સરકારને આગળ આવવું પડયું.(૨૧.૨૪)

 

(3:54 pm IST)