Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

મોદી સરકાર એટલે જાસૂસ સરકારઃ કોંગીની રમઝટ

પ્રાઇવસીનો સતત ભંગ કર્યો છેઃ એટ્રોસીટી કાયદો યથાવત કરવા વટહુકમ પણ નથી લાવ્યાઃ રણદીપ સુરજેવાલના પ્રહારો

નવી દિલ્હી તા. ૧૭ : કોંગ્રેસ દ્વારા મોદી સરકારને 'જાસૂસ સરકાર'નું નવું નામ આપવામાં આવ્યું છે. રણદીપ સૂરજેવાલે જણાવ્યું હતું કે, સરકારે ટીવીના સેટ ટોપ બોકસમાં ચીપ બેસાડવાની વાત મુકી છે, જેના દ્વારા વ્યૂઅરશીપના આંકડા મેળવી શકાશે. આ પગલું લોકોની પ્રાઇવસીના ગંભીર ભંગ સમાન છે અને સરકારનું જાસુસીનું બીજુ પગલું છે.ઙ્ગ

આ ઉપરાંત તેમણે વધુ જણાવ્યું હતું કે, મોદી સરકાર એટ્રોસિટીનો કાયદો યથાવત કરવાનો વટહુકમ નહીં લાવીને રાષ્ટ્રની પીઠમાં ખંજર ભોંકે છે. કોંગ્રેસના પ્રવકતા સૂરજેવાલે મોદી સરકાર પર આકાર પ્રહાર કરતા જણાવ્યું કે, માહિતી પ્રસારણ મંત્રી સ્મૃતિ ઇરાની લોકો પોતાના ટીવી પર કયા શો જુએ છે તે જાણવા માગે છે. મોદી સરકાર જાસુસની સરકાર છે કે જેણે પ્રાઇવસીનો સતત ભંગ કર્યો છે. 'અબ કી બાર સર્વેલન્સ સરકાર' તેમ જણાવી તેમણે સરકાર પર લોકોની પ્રાઇવસીનો ભંગ કરવાનો આક્ષેપ કર્યો હતો.ઉલ્લેખનીય છે કે, માહિતી પ્રસારણ મંત્રાલયે લોકો ટીવીમાં કયા શો વધુ જુવે છે તે જાણવા સેટ ટોપ બોકસમાં ચીપ બેસાડવાની દરખાસ્ત મુકી છે. માહિતી પ્રસારણ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, દરેક ચેનલના વ્યૂહવરશીપના આંકડા ચોકસાઇપૂર્વક મેળવવા આ દરખાસ્ત મુકી છે. ટ્રાઇએ પણ જણાવ્યું હતું કે, DTH ઓપરેટરને પણ નવા સેટ અપ બોકસમાં ચીપ બેસાડવાની દરખાસ્ત છે.ઙ્ગ

કોંગ્રેસના નેતા પીએલ પુનિયાએ જણાવ્યું હતું કે, છત્તીસગઢ સરકારે નવા એટ્રોસીટીના કાયદાનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન મોદીએ આંબેડકર જયંતિના રોજ એટ્રોસિટીના કાયદાકીય ફેરફાર નહીં કરવાનું વચન આપ્યું હતું તેનું પાલન થયું નથી. સરકારે એટ્રોસિટી એકટમાં સુપ્રીમે સુચવેલા સુધારા પાછા ખેંચવા તાત્કાલિક વટહુકમ બહાર પાડવો જોઈએ તેમ નહીં કરીને મોદી સરકાર દેશની પીઠ પાછળ ખંજર ભોંકી રહી છે.(૨૧.૧૩)

(11:27 am IST)