Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

પાકિસ્તાનમાં હિંદુ સહિત લઘુમતી કોમો પર સતત હિંસક હુમલા

ત્રાસવાદને લગતા મોતની સંખ્યા કદાચ ઘટી હોય પરંતુ ધાર્મિક લઘુમતી કોમને નિશાન બનાવીને કરાતી હિંસા અને સરકારી સંસ્થાઓ પર હિંસા વધી છે

ઇસ્લામાબાદ તા. ૧૭ : માનવ હક માટેના સ્વતંત્ર નિરીક્ષકના જણાવ્યા અનુસાર પાકિસ્તાનમાં હિંદુ, ખ્રિસ્તી, શીખ, અહમદી અને હઝારા સહિતની લઘુમતી કોમ પર સતત હિંસક હુમલા થતા રહે છે. નિરીક્ષકે લઘુમતી કોમનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહેલી સરકારની સખત શબ્દોમાં ટીકા કરી હતી.

હ્યુમન રાઇટ્સ કમિશને જાહેર કરેલા ૨૦૧૭ના રિપોર્ટમાં જણાવાયું હતું કે પાકિસ્તાનમાં લોકો ગુમ થતા રહે છે, અમુક વખત એમણે દેશની શકિતશાળી સેનાની ટીકા કરી હોવાથી અથવા તો એમણે ભારત સાથે સારા સંબંધો રાખવાની તરફેણ કરી હોય માટે. આ રિપોર્ટ માનવ હકના સમર્થક અસ્મા જહાંગીરને અર્પણ કરાયો હતો. તેઓ માનવ હકના પ્રખર સમર્થક હતા અને ફેબ્રુઆરીમાં એમનું અવસાન થયું હતું.

કમિશને રિપોર્ટમાં લોકોના ગુમ થવા, હત્યાની સંખ્યામાં થયેલો વધારો અને સૈન્ય કોર્ટને આપવામાં આવેલી વધુ સત્ત્।ાનો ખાસ ઉલ્લેખ કર્યો છે. નિંદાના ખોટા આરોપ અને હિંસા, જીવલેણ કામમાં રોકાયેલાં બાળકોની સંખ્યા અને મહિલાઓ સાથે કરાતી હિંસા સરકારની સૌથી નબળી બાજુ છે. રિપોર્ટમાં જણાવાયું છે કે જો હિંદુઓ સામેના અત્યાચાર આ રીતે ચાલુ રહ્યા તો, એમની ભારત તરફની હિજરત ચાલુ રહેશે.

ત્રાસવાદને લગતા મોતની સંખ્યા કદાચ ઘટી હોય, પણ ધાર્મિક લઘુમતી કોમને નિશાન બનાવીને કરાતી હિંસા અને સરકારી સંસ્થાઓ પર હિંસા વધી છે.

પત્રકારો અને બ્લોગરોને ધમકી, એમના પર હુમલા તથા અપહરણ અને નિંદાના કાયદોનો ઉપયોગ લોકોનું મોઢું બંધ કરવા માટે કરવામાં આવે છે. લોકોની સામાજિક સાંસ્કૃતિક પ્રવૃત્તિને અસહિષ્ણુતા અને કટ્ટરવાદથી પ્રતિબંધિત કરવામાં આવે છે અને સરકાર આ મામલે નિષ્ક્રિય રહે છે. ૨૯૬ પાનાના રિપોર્ટમાં જણાવાયું છે કે વર્ષ દરમિયાન પાકિસ્તાનમાં વિચાર, વ્યકિતત્વ અને ધર્મની સ્વતંત્રતાને દબાવવામાં આવી હતી, નફરત વધી હતી, અસહિષ્ણુતામાં હજુ વધારો થયો હતો, લઘુમતીને રક્ષણ આપવામાં સરકાર સદંતર નિષ્ફળ ગઇ હતી અને પોતાની ફરજ ચૂકી હતી.

લઘુમતી કોમ પર થઇ રહેલા અત્યાચાર અને હિંસામાં વધારો થયો હતો. લઘુમતી કોમની સંખ્યા ઘટી રહી હોવાની વાતથી કમિશનને કોઇ આશ્ર્ચર્ય નથી થયું. સ્વતંત્રતા વખતે પાકિસ્તાનમાં વીસ ટકા લઘુમતી કોમની વસતિ હતી. ૧૯૯૮ના સેન્સસ પ્રમાણે લઘુમતી કોમની વસતિ ઘટીને ત્રણ ટકાથી ઓછી થઇ ગઇ છે. હાલના સેન્સસના આંકડા જાહેર નથી કરાયા, પણ એમાં લઘુમતી કોમની સંખ્યા હજુ વધારે ઘટી હશે.(૨૧.૭)

 

(10:12 am IST)