Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

ઉજૈનનાં મહાકાલ બાબાના મંદિરના ગર્ભગૃહમાં એલઇડી લાગી : એક્સપર્ટ કમિટીએ મંદિર સમિતિને આપ્યા સૂચનો

 

ઉજૈન :જ્યોતિર્લિંગનો ક્ષય થવા બાબતે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરાઈ હતી ક્ષયનું કારણ જાણવા માટે અને તેને રોકવાના ઉપાય માટે બનાવાયેલ એક્સપર્ટ ચારવાર મંદિરની મુલાકાત લઈને અનેક તપાસ કરી હતી અને મંદિર સમિતિને અનેક સૂચનો આપ્યાં હતાં. જેમાંથી એક સૂચન મંદિરના તાપમાનને નિયંત્રિત કરવાનું પણ હતું. સૂચનના કારણે બાર જ્યોતિર્લિંગમાંથી એક એવું મહાકાલ બાબાના મંદિરના ગર્ભગૃહમાં નવી એલઈડી લાઈટો લગાવવામાં આવી રહી છે ટૂંક સમયમાં મહાકાલ બાબાનો દરબાર દૂધિયા રોશનીથી ઝળહળી ઉઠશે.

   મંદિર સહાયક પ્રશાસક સતીશ વ્યાસે જણાવ્યું કે ગર્ભગૃહમાં એલઈડી લગાવવામાં આવી રહી છે. જેનાથી ઉર્જા બચત થશે અને તાપમાન પણ નિયંત્રણમાં રહેશે. વર્તમાનમાં ગર્ભગૃહમાં 60 વોટના ચાર અને 18 વોટની 15 સીએફએલ લાઈટ લાગી છે. તેના સ્થાને 15 વોટની એલઈડી લગાવવામાં આવી રહી છે.

   સીએફએલ (કોમ્પેક્ટ ફ્લોરેસન્ટ લાઈટ) 8 હજાર કલાક સુધી ચાલી શકે છે. એલઈડી (લાઈટ એમિટિંગ ડાયોડ) 50 હજાર કલાક સુધી કામ આપે છે. 60 વોટના સામાન્ય બલ્બ જેટલી રોશની મેળવવા માટે 6થી 8 વોટની એલઈડી પૂરતી હોય છેજ્યારે 60 વોટની બલ્બ જેટલી રોશની માટે 15 વોટનો સીએફએલ બલ્બ લગાવવો પડે છે. એલઈડીથી ઉર્જા બચત થાય છે. સીએફએલની સરખામણીએ તેનાથી ઓછી ગરમી થાય છે. જેથી સંબંધિત સ્થાનના તાપમાનમાં પણ અંતર આવે છે.

   ડેપ્યુટી એડમિનિસ્ટ્રેટિવ પ્રીતિ ચૌહાણે જણાવ્યું કે એક્સપર્ટ કમિટિએ ગર્ભગૃહનું તાપમાન 20 ડિગ્રીથી ઓછું રાખવાનું સૂચન આપ્યું હતું. જેને જોતાં સીએફએલના બદલે એલઈડી લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગર્ભગૃહમાં ઠંડક પ્રસરી રહે તે માટે પહેલાથી એરકુલિંગ સિસ્ટમ લગાવાઈ છે.

(11:07 pm IST)