Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

મક્કા મસ્જિદ કેસમાં અસીમાનંદ સહિત બધા આરોપી નિર્દોષ જાહેર

૧૧ વર્ષના લાંબા ગાળા બાદ એનઆઈએ કોર્ટ દ્વારા ચુકાદો અપાયોઃ પુરાવાના અભાવે નિદોર્ષ જાહેર કરાયા : પ્રોસિક્યુશન દ્વારા કરવામાં આવેલા આક્ષેપો પુરવાર થઈ શક્યા નહીં : ૨૨૬ સાક્ષીઓની તપાસ કરવામાં આવી

હૈદરાબાદ,તા. ૧૬: સમગ્ર દેશને હચમચાવી મુકનાર હૈદરાબાદની લોકપ્રિય મકકા મસ્જિદ બ્લાસ્ટ કેસના મામલે આજે ૧૧ વર્ષના લાંબા ગાળા બાદ ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. આ મામલામાં ખાસ એનઆઈએ મામલાની ચોથી વધારાની મેટ્રોપોલિટન ખાસ કોર્ટે ચુકાદો આપતા મુખ્ય આરોપી સ્વામી અસીમાનંદ સહિત તમામ આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા. ફેસલો આવ્યો ત્યારે કોર્ટ રૂમની બહાર મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. આરોપી અસીમાનંદને નમાપલ્લી કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. સવામી આ મામલે મુખ્ય આરોપી પૈકી એક હતા. ૧૮મી મે ૨૦૦૭ના દિવસે થયેલા આ બ્લાસ્ટમાં નવ લોકોના મોત થયા હતા અને ૫૮ લોકો ઘાયલ થયા હતા. મોડેથી દેખાવકારોએ દેખાવો કર્યા હતા. જેમાં પોલીસને ગોળીબાર કરવાની ફરજ પડી હતી. તેમાં પણ કેટલાક લોકોના મોત થઇ ગયા હતા. આ મામલામાં ૧૦ આરોપી પૈકી આઠ લોકોની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. તમામ પાંચ આરોપીને કોર્ટે આજે નિર્દોષ જાહેર કર્યા હતા. આ તમામને મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસના સંબંધમાં પકડી લેવામાં આવ્યા હતા. આ કેસ મોડેથી સીબીઆઇને સોંપી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ ૨૦૧૧માં એનઆઇએની પાસે મામલો પહોંચી ગયો હતો. ૧૧ વર્ષ પહેલા શક્તિશાળી પાઈપ બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. ૧૮મી મેં ૨૦૦૭ના દિવસે જુમાની નમાઝના દિવસે મુસ્લિમ સમાજની મસ્જિદમાં આ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. બ્લાસ્ટ બાદ દેશભરમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. આ વર્ષે માર્ચ મહિનામાં એવા અહેવાલ આવ્યા હતા કે આ મામલાના આરોપી સ્વામી અસીમાનંદના ડિસ્ક્લોઝર રિપોર્ટ કોર્ટથી ગાયબ થઈ ગયા છે ત્યારબાદ સનસનાટી મચી ગઈ હતી. જોકે, એક દિવસ બાદ દસ્તાવેજો મળી આવ્યા હતા. ૨૦૦૭માં થયેલા આ બ્લાસ્ટમાં સ્થાનિક પોલીસે શરૂઆતમાં તપાસ કરી હતી. મોડેથી હોબાળો થયા બાદ આ મામલાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. સીબીઆઈએ એક ખાસ આરોપપત્ર દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ ૨૦૧૧માં સીબીઆઈ પાસેથી આ મામલો રાષ્ટ્રીય તપાસ સંસ્થા (એનઆઈએ)ને સોંપી દેવામાં આવ્યો હતો. બ્લાસ્ટ બાદ પોલીસે દેખાવકારોને રોકવા માટે હવામાં ગોળીબાર કર્યો હતો. સાથે સાથે ટોળાને કાબુમાં લેવા ગોળીબાર કર્યો હતો. જેમાં અનેક લોકોના મોત થયા હતા. આ ઘટનામાં ૧૬૦ સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા હતા. આ નિવેદનમાં ભોગ બનેલા લોકોની સાથે સાથે સંઘના પ્રચારક સહિત કેટલાક લોકો શામિલ થઈ ગયા હતા. મામલાના આરોપી અસીમાનંદને એપ્રિલ ૨૦૧૭માં કોર્ટે એવી શરત ઉપર જામીન આપ્યા હતા કે તેઓ હૈદરાબાદ અને સિકંદરાબાદ છોડીને જશે નહીં. ગયા મહિને અસીમાનંદ સાથે જોડાયેલા દસ્તાવેજો ગાયબ થઈ ગયાના અહેવાલ આવ્યા હતા. મામલાનો ખુલાસો એ વખતે થયો હતો જ્યારે કોર્ટની સામે મંગાવવામાં આવેલા દસ્તાવેજો સીબીઆઈના મુખ્ય તપાસ અધિકારી એસપીટી રાજેશે નિહાળ્યા હતા. અલબત્ત મોડેથી દસ્તાવેજો મળી આવ્યા હતા. સીબીઆઈએ જે સાક્ષીઓના નિવેદન નોંધ્યા હતા. તે પૈકી ૫૪ સાક્ષીઓ ફરી ગયા હતા. જેમાં ડીઆરડીઓના વૈજ્ઞાનિક વદલામની વેંકટ રાવ પણ શામેલ છે. બપોરે ૧.૨૫ વાગ્યે મોબાઇલ મારફતે ૨૦૦૭માં શુક્રવારની નમાઝ વેળા પાઈપ બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. આમા બ્લાસ્ટ વેળા ૫ હજારથી વધુ લોકો ઉપસ્થિત હતા. મોડેથી મક્કા મસ્જિદમાં બીજા ત્રણ બોમ્બ મળી આવ્યા હતા. એનઆઈએ દ્વારા અસીમાનંદ અને અન્યોને પકડી લેવાયા હતા. ડિફેન્સ વકીલે કહ્યું હતું કે, જજે પોતાના ચુકાદામાં કહ્યું છે કે, પ્રોસિક્યુશન દ્વારા મુકવામાં આવેલા કોઈપણ આક્ષેપ સાબિત થઈ શક્યા નથી જેથી તમામને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આ કેસમાં દસ લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા પરંતુ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં લોકેશ શર્મા, સ્વામી અસીમાનંદ ઉર્ફે નાબા કુમાર સરકાર, દેવેન્દ્ર ગુપ્તા, ભરત મોહનલાલ, રાજેન્દ્ર ચૌધરીનો સમાવેશ થાય છે. આ કેસના બે આરોપી સંદિપ ડાંગે અને રામચન્દ્ર ફરાર છે. જ્યારે અન્ય આરોપી સુનિલ જોષીનું મોત થઈ ચુક્યુ છે. એનઆઈએ દ્વારા ટ્રાયલ દરમિયાન ૨૨૬ સાક્ષીઓની ચકાસણી કરી હતી અને ૪૧૧ દસ્તાવેજોમાં તપાસ કરવામાં આવી હતી. સ્વામી અસીમાનંદ અને ભારત મોહનલાલ જામીન પર હતા. જ્યારે અન્ય ત્રણ જેલમાં હતા. માર્ચ ૨૦૧૭માં રાજસ્થાન કોર્ટે અજમેર દરગાહ કેસમાં ગુપ્તા અને અન્યને અપરાધી ઠેરવીને આજીવન કારાવાસની સજા ફટકારી હતી.

 

મક્કા બ્લાસ્ટ પ્રોફાઇલ

         ૨૦૦૭માં મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસમાં આજે એનઆઈએની ખાસ અદાલત દ્વારા ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. ૧૧ વર્ષ લાંબા ગાળા બાદ ચુકાદો જાહેર થયો હતો. મક્કા બ્લાસ્ટ કેસ નીચે મુજબ છે.

બ્લાસ્ટની તારીખ............................ ૧૮મી મે ૨૦૦૭

બ્લાસ્ટનો સમય.......................... બપોરે ૧.૨૫ વાગ્યે

બ્લાસ્ટ સ્થળ...................... હૈદરાબાદમાં મક્કા મસ્જિદ

બ્લાસ્ટનો પ્રકાર......................... પાઈપ બોમ્બ બ્લાસ્ટ

બ્લાસ્ટમાં મોત.................................................. ૦૯

બ્લાસ્ટમાં ઘાયલ................................................ ૫૮

બ્લાસ્ટમાં કુલ આરોપી........................................ ૧૦

સાક્ષીઓની ચકાસણી....................................... ૨૨૬

દસ્તાવેજોની ચકાસણી..................................... ૪૧૧

આરોપી નિર્દોષ છુટ્યા........................................ ૦૫

આરોપી હજુ ફરાર.............................................. ૦૨

આરોપીનું મોત.................................... સુનીલ જોષી

(7:54 pm IST)