Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

બિઅંત હત્યા પ્રકરણ : કુખ્યાત ત્રાસવાદીને થયેલી કઠોર સજા

જગતાર સિંહ તારાને આજીવન કારાવાસની સજાઃ ક્રુર હત્યા કરવાને લઈને કોઈ દુઃખ હોવાનો ત્રાસવાદીનો ઇનકાર : ખાલિસ્તાન તરફી ત્રાસવાદીને સજાથી ચકચાર

નવી દિલ્હી,તા. ૧૭: પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બિઅંત સિંહની ઘાતકી હત્યામાં અપરાધી જાહેર કરવામાં આવેલા જગતાર સિંહ તારાને આજે આજીવન કારાવાસની સજા કરવામાં આવી હતી. ખાલિસ્તાન તરફી ત્રાસવાદીને આજીવન કારાવાસની સજા કરવામાં આવ્યા બાદ ચકચાર મચી ગઈ હતી. અગાઉ જગતાર તારાએ દાવો કર્યો હતો કે, તેના દ્વારા જે ક્રુત્ય કરવામાં આવ્યું છે તેને લઈને તેને કોઈ દુઃખ નથી. તારાએ એમ પણ કહ્યું હતું કે, દેશમાં સિખ લોકોની સ્વતંત્રતા માટે લડત જારી રાખશે. તારાએ કહ્યું હતું કે, જો તે કોઈ ક્રુર વ્યક્તિની હત્યા કરે છે તો હજારો નિદોષ લોકોની જાન બચે છે. તો તે કોઈ ખોટુ નથી. પોતાના વકીલ સિમરનજીત સિંહ તરફથી તારાએ આ મુજબની વાત કરી હતી. તેના સમર્થકોએ ખાલિસ્તાન તરફી સુત્રોચ્ચાર પણ કર્યા હતા. ખાલિસ્તાન તરફી ત્રાસવાદીને ગઈકાલે કોર્ટ દ્વારા અપરાધી જાહેર કરવામાં આવ્યો હતો. અપરાધી જાહેર કરવામાં આવ્યાના એક દિવસ બાદ તારાને આજે એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન જજ જેએસ સિંઘુ દ્વારા અપરાધી જાહેર કરીને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી. ૬ પાનાના પત્રમાં તારાએ પોતાના ગુનાની કબુલાત કરી હતી. કોર્ટમાં આ પત્ર સુપ્રત કરવામાં આવ્યો હતો. શુક્રવારના દિવસે તારાએ પ્રિજનર ઓફ વોર તરીકે તેને ગણવા કોર્ટમાં અપીલ કરી હતી. અને કહ્યું હતું કે, કબજે કરવામાં આવેલા સિખ રાજ્યની સ્વતંત્રા માટે લડવા બદલ તે આગળ આવ્યો હતો. તમામ લોકો જાણે છે કે, ૩૧મી ઓગસ્ટ ૧૯૯૫ના દિવસે તત્કાલિન મુખ્યમંત્રી બિઅંત સિંહની ચંદીગઢમાં સચિવાલયની બહાર ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ બનાવ બાદ ભારે ખળબળાટ મચી ગયો હતો. આ એક આત્મઘાતી હુમલો હતો. આ બનાવમાં પંજાબ પોલિસના કર્મચારી દિલાવર સિંહએ માનવ બોમ્બ તરીકે કામ કર્યું હતું. દિલાવરે માનવ બોમ્બ તરીકે ત્રાટકીને બિઅંત સિંહની હત્યા કરી હતી. કોર્ટે તેના માટે આજીવન કારાવાસની સજા કરી હતી.

જગતાર સિંહ તારાના વકીલે તર્કદાર દલીલો કરી હોવા છતાં કોઈ ફાયદો થયો ન હતો. બિઅંત સિંહની હત્યા કરવામાં આવી ત્યારે ુપંજાબમાં આતંકવાદી ગતિવિધિઓ ચાલી રહી હતી. પંજાબમાં વર્ષો સુધી આતંકવાદી ગતિવિધી ચાલી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા. એજ ગાળામાં પંજાબના ઓપરેશન બ્લુ સ્ટારની ઘટના પણ બની હતી. પંજાબમાં આતંકવાદી ગતિવિધીનો અંત લાવવા વર્ષો સુધી કઠોર પગલા લેવામાં આવ્યા હતા.

(7:52 pm IST)