Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

કાંચી કામકોટી પીઠના શંકરાચાર્ય સ્વામી ચંદ્રશેખર સરસ્વતીના આદેશ બાદ ઇન્દીરા ગાંધીએ કોંગ્રેસના નિશાન તરીકે 'પંજા'ને જાહેર કર્યો હતો

નવી દિલ્હીઃ જુદા જુદા રાજકીય પક્ષો દ્વારા પોતાના પક્ષના નિશાન તરીકે અલગ-અલગ ચિન્હો મુકવામાં આવે છે ત્યારે કોંગ્રેસના પંજાના નિશાન અંગેની કથા ઘણી રોચક છે. કાંચી કામકોટી પીઠના શંકરાચાર્ય સ્વામી ચંદ્રશેખર સરસ્વતીના આશીર્વાદથી કોંગ્રેસ દ્વારા પંજાનું નિશાન અમલમાં મુકવામાં આવ્યું છે.

દેશની રાજધાની દિલ્હીમાં હાલ કોંગ્રેસનું ૬૪મું રાષ્ટ્રીય અધિવેશન મળી રહ્યું છે. આજે કોંગ્રેસ પક્ષનું રાજકીય ચિન્હ હાથ છે. જો કે તેની પૂર્વે બે બળદની જોડી, કયારેક ચરખો તો કયારેક ગાય અને વાછરડુ હતું.

કોંગ્રેસ પક્ષનું વર્તમાન ચિન્હ કોની દેન છે. તે બહું ઓછા લોકો જાણતા હશે. દેશની સૌથી જૂની પાર્ટીનો આ લોગો દિવંગત વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને તત્કાલીન કાંચી કામકોટી પીઠના શંકરાચાર્ય સ્વામી ચંદ્રશેખર સરસ્વતીના આશીર્વાદ છે. માનવામાં આવે છે કે શ્રીમતી ગાંધી જયારે તે સત્તામાં ન હતા ત્યારે તેમના આશીર્વાદ લેવા માટે ગયા હતા. તેમના આશીર્વાદથી ઇન્દિરા ગાંધી કોંગ્રેસ પક્ષ ફરી સત્તામાં પણ આવ્યો અને તેની સાથે કોંગ્રેસ પક્ષ પોતાના જુના અસ્તિત્વને પણ પરત લાવવામાં સફળ થઈ હતી.

લાંબા સમય સુધી બે બળદની જોડી કોંગ્રેસ પક્ષનું ચુંટણી ચિન્હ રહ્યું હતું. જયારે વર્ષ ૧૯૬૯માં વિભાજન બાદ ચુંટણી પંચે તેની પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જેમાં કામરાજના નેતુત્વવાળી કોંગ્રેસને તિરંગા અને ચરખાનું જયારે નવી કોંગ્રેસને ગાય અને વાછરડાનું ચિન્હ મળ્યું હતું.

વર્ષ ૧૯૯૭માં કટોકટી સમાપ્ત થવા બાદ કોંગ્રેસ પક્ષના ખરાબ દિવસો શરૂ થયા હતા. આ દરમ્યાન જ ચુંટણી પંચે ગાય અને વાછરડાનું ચિન્હ જપ્ત કરી લીધું હતું. રાયબરેલીમાં કારમી હાર બાદ સત્તાથી બહાર થયેલી કોંગ્રેસની હાલત જોઈને ઇન્દિરા ગાંધી પરેશાન થયા હતા. તેવા સમયે જ દિવંગત વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને તત્કાલીન કાંચી કામકોટી પીઠના શંકરાચાર્ય સ્વામી ચંદ્રશેખર સરસ્વતીના આશીર્વાદ લેવા પહોચ્યા હતા.

ઇન્દિરા ગાંધીની વાત સાંભળીને પહેલા તો શંકરાચાર્ય મૌન રહ્યા હતા. પરંતુ થોડા સમય બાદ તેમણે પોતાનો હાથ ઉઠાવીને આશીર્વાદ આપ્યા હતા અને પંજાને પક્ષનું નિશાન બનાવવાના માટે જણાવ્યું હતું. તે સમયે આંધ્રપ્રદેશ સહિત ચાર રાજયોમાં ચુંટણી યોજાવવાની હતી. તે સમયે ઇન્દિરા ગાંધીએ કોંગ્રેસ( આઈ) ની સ્થાપના કરી હતી અને ચુંટણી આયોગને જાણ કરી કે તેમનું ચુંટણી ચિન્હ પંજો હશે. જો કે શંકરાચાર્યના આશીર્વાદ બાદ કોંગ્રેસ પક્ષ પુન: જીવિત થઈ અને ચાર રાજયોમાં કોંગ્રેસની જીત થઈ હતી.આ ઉપરાંત પણ કોંગ્રેસને પંજાનું નિશાન પસંદ કરવા અંગેની અનેક બાબતો પણ ચર્ચામાં છે.

(6:49 pm IST)