Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

BSPની ચિંતાઃ 'હાથી' અને 'સાઇકલ'ની મિત્રતા કયાં સુધી?

ગઠબંધનથી બંને રાજકીય પક્ષોના સમર્થકોમાં ઉત્સાહ યથાવત્ રહેશે?

લખનૌ તા. ૧૭ : ઉત્તર પ્રદેશની ગોરખપુર અને ફૂલપુર લોકસભા સીટની પેટાચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટીના સમર્થનથી સમાજવાદી પાર્ટીના ઉમેદવારે વિજય હાંસલ કર્યા બાદ આ ગઠબંધનથી બંને રાજકીય પક્ષોના સમર્થકોમાં ઉત્સાહ છે. સમાજવાદી પાર્ટી તરફથી આ જોડાણને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી સુધી યથાવત રાખવાના સંકેત આપી દેવામાં આવ્યાં છે, પરંતુ બીએસપીએ આ મામલે મૌન ધારણ કર્યું છે. બીએસપી હજી પણ એ વાતને લઈને આશ્વાસ્ત નથી કે તેમના વોટ આ પેટાચૂંટણીમાં તો સમાજવાદીને ટ્રાંસફર થઈ ગયાં હતાં, પરંતુ ભવિષ્યમાં સમાજવાદી પાર્ટીના વોટ તેમના માટે ટ્રાંસફર થઈ શકશે કે કેમ.

એ જ કારણ છે કે બીએસપી પહેલા એ વાત સુનિશ્ચિત કરી લેવા માંગે છે કે ભવિષ્યમાં સમાજવાદી પાર્ટીના વોટ તેને ટ્રાન્સફર થઈ શકે. ત્યાર બાદ જ બીએસપી લોકસભાની ચૂંટણી માટે બેઠકોની ફાળવણી પર કોઈ સહમતિ સધાશે. બીએસપી કેડર આધારીત પાર્ટી છે અને માનવામાં આવે છે કે ગઠબંધની સ્થિતિમાં તેના વોટ ખુબ જ સરળતાથી અન્ય પાર્ટીને ટ્રાંસફર થઈ જાય છે. આમ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીનું ગણિત એસપી અને બીએસપીની એકતાના પક્ષમાં બેસે છે, પરંતુ મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે, શું એસપી તેના વોટને બીએસપીમાં કેટલા ટ્રાન્સફર કરાવી શકશે.

પોતાના વોટ અન્ય સહયોગી પાર્ટીમાં ટ્રાન્સફર કરાવવાની ક્ષમતાને બીએસપીએ ગોરખપુર અને ફૂલપુરની પેટાચૂંટણીમાં સાબિત કરી બતાવી છે. ગોરખપુરના એસપીના ઉમેદવાર પ્રવીણ નિષાદ અને ફૂલપુરમાં પટેલ ઉમેદવારના વિજય પાછળ બીએસપી સમર્થક વોટોનું મહત્વપૂર્ણ યોગદાન માનવામાં આવે છે. બીએસપીના એક સૂત્રએ કહ્યું હતું કે, ઉત્ત્।ર પ્રદેશમાં આ એક નવી જ રાજનૈતિક પરિસ્થિતિ છે. બીએસપી-એસપીની સંભવિત એકતા પર હાલ તો ચર્ચા ચાલી રહી છે. નિચલા સ્તર પર ઘણું બધું બદલાઈ ચુકયું છે. પરંતુ જો ગઠબંધનને લઈને સહમતિ બને તો બીએસપીએ એ વાતની ખાતરી કરવામાં વાર નહીં લાગે કે કઈ સીટ પર એસપીના ફસાયેલા વોટ તેને ટ્રાન્સફર નહીં થઈ શકે.

જોકે બીએસપીના સૂત્રએ કેટલીક બેઠકો પર બીએસપી અને એસપી વચ્ચે ફ્રેન્ડલી મુકાબલાની શકયતા નકારી નથી. પરંતુ એસપી સાથે ગઠબંધનમાં બીએસપીને સૌથી વધારે લાભ દેખાતો હોય તો તે છે મુસ્લિમ વોટોનું સમર્થન. બીએસપીને લાગે છે કે, આનાથી તેના મુસ્લિમ અને પછાત વર્ગની વોટબેંકમાં વધારો થશે. જોકે બીએસપી તેના કોર વોટર (અનૂસુચિત જાતિ)ને નજરઅંદાજ કરી શકે તેમ પણ નથી.

અન્ય એક બીએસપી નેતાએ કહ્યું હતું કે, બીએસપી આંદોલનમાંથી બનેલી પાર્ટી છે. એસપી સાથેના ગઠબંધન માટે થઈને અમે દલિત વોટરોના મૂડની વિરૂદ્ઘમાં ન જઈ શકે. બહેનજી ગઠબંધન પર વિચાર કરતા પહેલા ગ્રાઉન્ડ લેવલ પરના ફિડબેકને ધ્યાનમાં રાખશે.(૨૧.૨૬)

(3:47 pm IST)