Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

પંજાબ બેંક લોન કૌભાંડ કેસઃ વેટ વિભાગે પણ નિરવ - મેહુલને નોટીસ ફટકારી દીધી

કૌભાંડની તપાસ CBI, ED અને DRI સહિતની એજન્સીઓ કરી રહી છેઃ ભાગેડુ પરત આવવાના નથી, તો તેમની પ્રોપર્ટીની હરાજીમાં વસૂલાત થાય તેવા પ્રયાસ

નવી દિલ્હી તા. ૧૭ : પંજાબ નેશનલ બેંક(PNB)ને રૂપિયા ૧૧૫૦૦ કરોડનો ચુનો લગાવનાર મામા-ભાણેજની ટાંચમાં લીધેલી મિલકતોની હરાજી થાય તો પોતાનું પણ લેણું પણ નીકળી જાય તેના માટે હવે વેટ વિભાગે પણ મહાઠગ નિરવ મોદી અને મેહુલ ચોકસીના યુનિટને બાકી નીકળતા લેણાં માટે નોટિસો ફટકારી દીધી છે. વેટ(હાલનું GST) દ્વારા મોદી અને ચોકસીના યુનિટોની જૂન -૨૦૧૮ સુધીના લેણાંની ઉઘરાણી માટેની નોટિસ આપી તેની તપાસ શરૂ કરી દીધી છે. કૌભાંડમાં CBI ,ED તથા DRI જેવી સેન્ટ્રલ એજન્સીઓ બાદ વેટ પણ તપાસમાં જોડાઇ જતાં તપાસમાં લગભગ તમામ એજન્સીઓના પ્રયાસ શરૂ થઇ ગયા છે. વેટના અધિકારીઓએ અગમચેતીના ભાગરૂપે રીઢા ડિફોલ્ટરો કે જેઓ વેટ ચૂકવ્યા વગર જ ભાગી જાય તેવી સંભાવના છે. તેવા તમામને પણ લેણાંની નોટિસો ફટકારી દીધી છે. હવે જોવાનું એ રહ્યું કે વેટ વિભાગની આ કવાયત કેટલી કારગત નીવડે છે?

મહાઠગ નિરવ મોદી અને મેહુલ ચોકસીઓ PNBના અધિકારીઓેને ફોડીને રૂપિયા ૧૧૫૦૦ કરોડની લોન લઇ લીધી હતી. હવે આ ઠગ જોડી લોન ભર્યા વગર જ વિદેશ ભાગી ગઇ છે. બેંકની ફરિયાદને આધારે CBIના સિનિયર અધિકારીઓએ તપાસ શરૂ કરી દીધી છે. જેમાં બેંકના ઘણા ફુટેલા મેનેજરોની પણ ધરપકડ થઇ છે. નિરવ અને મેહૂલની પ્રોપર્ટી સીઝ કરવા માટે EDના અધિકારીઓ પણ મેદાને પડી ગયા છે. EDનો દાવો છે કે તેમણે દેશભરમાંથી આ મહાઠગ મામા- ભાણેજની સાતેક હજાર કરોડની મિલકતો ટાંચમાં લઇ લીધી છે. છેલ્લે DRIના અધિકારીઓ પણ નિરવ અને મેહુલના અમદાવાદ-વડોદરાના ચાર યુનિટ પર દરોડા પાડીને તપાસ કરી હતી.

અધિકારીઓ જણાવી રહ્યા છે કે મેહુલની ડાયમંડ શોપ પરથી જેટલા હીરા કબજે લેવાયા છે. તેની કિંમત ચોપડે નોંધાયેલી રકમ મુજબ છે. ખરેખર તેની કિંમત તો ખૂબ જ ઓછી હોવાની સંભાવના છે. હવે જયારે પણ બેંક પોતાના લેણાંની વસૂલાત માટે ટાંચમાં લેવાયેલી મિલકતોની હરાજી કરશે. ત્યારે ખૂબ જ ઓછી રકમ ઉપજે તેવી સંભાવના છે. ત્યારે જ વેટના અધિકારીઓ પણ એકશનમાં આવી ગયા છે. છેલ્લા ચારેક વર્ષથી મેહુલ અને નિરવના જે યુનિટોની વેટની ચૂકવણી બાકી હતી. તેની વસૂલાત માટે નોટિસો ફટકારવામાં આવી છે. અધિકારીઓ વર્ષ ૨૦૧૮ના જૂન મહિના સુધી ( વેટ- GST)ની જેટલી વસૂલાત બાકી છે. તેની ઉઘરાણીની નોટિસો ફટકારી દીધી છે. સાથે સાથે વસૂલાત માટે તપાસ પણ શરૂ કરી દેવાઇ છે. વેટના અધિકારીઓ સ્પષ્ટ પણે માની રહ્યા છે કે, જો વેરાની વસૂલાત માટે નોટિસ ફટકારાઇ હોય અને તપાસ કરાઇ હોય તો જયારે મેહુલ-નિરવની મિલકતોની હરાજી થાય તો પોતાના લેણાં વસૂલી શકાય.(૨૧.૭)

(11:45 am IST)