Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

રાફેલ સોદા દ્વારા ૩૬૦૦૦ કટકટાવી જવાયાઃ રાહુલ ગાંધીના ભાજપ સરકાર ઉપર જબરા આક્ષેપો

સૈન્ય પાસે પૈસા નથી ને મોદી પોતાના માનિતાઓને ફાયદો પહોંચાડવા ચારગણા વધુ ભાવે રાફેલ ખરીદે છે

નવી દિલ્હી તા. ૧૭ : કેન્દ્ર સરકાર વિરુદ્ઘ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને રાફેલ વિમાનોની કિંમતો ઉપર ફરી એકવાર સવાલ ઉઠાવ્યો છે.

તેમણે લખ્યું છે કે એક તરફ લશ્કર આધુનિકરણ માટે પૈસા માંગી રહેલ છે તો બીજી તરફ કેન્દ્ર સરકારે રાફેલ ડીલનાં નામ ઉપર ૩૬,૦૦૦ કરોડ પોતાના ખિસ્સામાં નાખી દીધા છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં આજે દિલ્હીમાં કોંગ્રેસનું મહાઅધિવેશન શરૂ થઈ રહ્યું છે ત્યારે ગઇરાત્રે તેમણે ટ્વિટ કરી રાફેલ વિમાન સોદા અંગે કેન્દ્રની મોદી સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા છે.

તેમણે કહ્યું કે ભારત અત્યારે પ્રત્યેક રાફેલ વિમાન ઉપર ૧૧૦૦ કરોડ રૂપિયા વધુ આપી રહેલ છે. એટલે કે આ સમગ્ર સોદા માટે છત્રીસ હજાર કરોડ રૂપિયા વધુ આપી રહેલ છે. આ રકમ આપણા સરક્ષણ બજેટના લગભગ ૧૦%  થવા જાય છે. અત્યારે ભારતનું સંરક્ષણ બજેટ ૩,૫૯,૦૦૦ ,કરોડ રૂપિયા છે.

રાહુલે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે ડસાલટ જાહેર થયેલ અહેવાલમાં મોદી સરકારના જૂઠનો ખુલાસો થયેલ છે.

આ રાફેલ વિમાન કતાર ને ૪૧૯ કરોડમાં વહેંચેલ છે જયારે ભારતની મોદી સરકાર એક વિમાન માટે ૧૬૭૦ કરોડ ચૂકવવા તૈયાર છે.

રાહુલ ગાંધીએ એવું પણ લખ્યું છે કે આ વિમાન મનમોહન સરકારના સમયમાં ૫૭૦ કરોડમાં મળી રહ્યું હતું. ભારતે રાફેલ વિમાનો માટે ફ્રાન્સ સાથે જંગી રકમનો સોદો કર્યો છે એ વાત જાણીતી છે.

શ્રી રાહુલ ગાંધીએ એવો આરોપ લગાવ્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રફાલ સોદા મુદ્દે દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેઓ આ સોદામાં પોતાના માનીતાને ફાયદો પહોંચાડવા માટે વિમાનને ચારગણા વધુ ભાવે ખરીદી રહ્યા છે. રાહુલે માગણી કરી હતી કે જો ખરેખર આ સોદામાં કોઇ જ કૌભાંડ ન થયું હોત તો મોદી સરકાર રફાલ વિમાન કેટલામાં ખરીદાઇ રહ્યું છે તે કેમ છુપાવી રહી છે?

 અન્ય દેશોમાં પણ આ વિમાન અતી સસ્તા ભાવે ખરીદાઇ રહ્યા છે તો પછી મોદી કોને ફાયદો પહોંચાડવા માટે આટલા ઉંચા ભાવ આપી રહ્યા છે ? અને અંતે તો જનતા પર જ આ ઉંચા ભાવનો બોજ આવવાનો છે. રાહુલે અન્ય એક દાવો કરતા જણાવ્યું હતું કે આપણી સૈન્ય પાસે સામાન્ય હથિયારો ખરીદવા માટે પણ પૈસા નથી અને સ્થિતિ વચ્ચે મોદી સરકાર રફાલ વિમાન પાછળ કરોડો રુપિયાનુ આંધણ કરવા જઇ રહી છે.

રાહુલે જણાવ્યું હતું કે સૈન્યના જે મહત્વના જરૂરીયાતના હથિયારો છે તેને તો પહેલા મોદી સરકાર પુરા પાડે. રફાલ સોદામાં પોતાના કેટલાક માનીતા ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવા માટે મોદી ખુદ રસ દાખવી રહ્યા હોવાનો દાવો રાહુલે કર્યો હતો અને જણાવ્યું હતું કે રફાલ સોદા મુદ્દે માહિતી આપવા મોદી સરકાર ઇનકાર કરી રહી અને એવા દાવા કરી રહી છે કે ફ્રાંસ સાથે કરાર મુજબ માહિતી જાહેર ન કરી શકાય. જોકે ફ્રાંસે જ સામે ચાલીને કહ્યું છે કે રફાલ સોદાની માહિતી મોદી સરકાર ઇચ્છે તો વિપક્ષને આપી શકે છે, અમને કોઇ જ વાંધો નથી. આવી સ્થિતિ વચ્ચે પણ મોદી આ સોદાની માહિતી છુપાવી પોતે આચરેલુ કૌભાંડ બહાર નથી પડવા દેવા માગતા તેવો આરોપ લગાવ્યો હતો.(૨૧.૨)

 

(10:49 am IST)